- World
- વેનેઝુએલા સંકટથી દુનિયા પર શું અસર થશે, શેના ભાવ વધશે
વેનેઝુએલા સંકટથી દુનિયા પર શું અસર થશે, શેના ભાવ વધશે
અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે વધતા તણાવે હવે ગંભીર વળાંક લીધો છે. અમેરિકાએ વેનેઝુએલાના 7 સ્થળો પર ભીષણ હવાઈ હુમલા કર્યાની પુષ્ટિ કરી છે. આ સૈન્ય કાર્યવાહી બાદ હવે વૈશ્વિક બજાર અને ખાસ કરીને કોમોડિટી માર્કેટમાં મોટી હલચલ જોવા મળી રહી છે.
નિષ્ણાતોના મતે, તેલના બજાર પર તેની અસર મર્યાદિત રહી શકે છે. 'વાન્ડા ઇનસાઇટ્સ'ના CEO વંદના હરિના જણાવ્યા અનુસાર, તેલ બજાર પર અત્યારે આની સામાન્ય અસર થશે. સ્વિસ બેંક UBS ના વ્યૂહરચનાકાર જિયોવાની સ્ટાઉનોવોએ જણાવ્યું હતું કે, "અમેરિકી પ્રતિબંધોને કારણે વેનેઝુએલાનું ઉત્પાદન પહેલેથી જ ઘટી રહ્યું છે. જો સ્થિતિ વધુ બગડશે તો નિકાસમાં હજુ પણ ઘટાડો થઈ શકે છે." જોકે, 2019થી લાગેલા પ્રતિબંધોને કારણે વૈશ્વિક સપ્લાયમાં કોઈ મોટો આંચકો લાગવાની શક્યતા ઓછી છે.

આ ભૌગોલિક-રાજકીય (Geo-political) અનિશ્ચિતતાને કારણે કિંમતી ધાતુઓના ભાવ આસમાને પહોંચી શકે છે. માર્કેટ એક્સપર્ટ્સ અને 'યા વેલ્થ'ના ડાયરેક્ટર અનુજ ગુપ્તાના મતે નીચે મુજબના ફેરફારો જોવા મળી શકે છે:
- સોનું (MCX): 10 ગ્રામના ભાવ ₹1,40,000 સુધી પહોંચી શકે છે.
- ચાંદી (MCX): પ્રતિ કિલોનો ભાવ ₹2,45,000 સુધી જઈ શકે છે.
- બ્રન્ટ ક્રૂડ: બેરલ દીઠ 62 થી 65 ડોલર સુધી વધી શકે છે.
- કોમેક્સ ગોલ્ડ: આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 4,380 ડોલર પ્રતિ ઔંસ સુધી જઈ શકે છે.
બસાવ કેપિટલના સહ-સ્થાપક સંદીપ પાંડેએ સમજાવ્યું કે આ સંઘર્ષને કારણે શિપિંગ રૂટ (દરિયાઈ માર્ગો) પર જોખમ વધ્યું છે. ખાસ કરીને ચાંદીના નિકાસકારો માટે સપ્લાય ચેઈન ખોરવાઈ શકે છે. જ્યારે અસ્થિરતાના સમયમાં રોકાણકારો સોનાને સૌથી સુરક્ષિત રોકાણ ગણે છે, જેના કારણે સોનામાં રોકાણ વધશે અને કિંમતોમાં ઉછાળો આવશે.

