- Tech and Auto
- એન્થ્રોપિકનું ક્લાઉડ તમારા કમ્પ્યુટરના કીબોર્ડથી લઈને માઉસ સુધી બધી વસ્તુ ઓપરેટ કરશે; દરેક કામ જાતે
એન્થ્રોપિકનું ક્લાઉડ તમારા કમ્પ્યુટરના કીબોર્ડથી લઈને માઉસ સુધી બધી વસ્તુ ઓપરેટ કરશે; દરેક કામ જાતે જ કરશે!
ટેકની દુનિયામાં એક મોટો બદલાવ શરૂ થઇ ચુક્યો છે. અત્યાર સુધી, આપણે AIને પ્રશ્નો પૂછતા હતા અને તેના જવાબો મેળવતા. પરંતુ હવે, AI ફક્ત જવાબો આપવા સુધી મર્યાદિત નથી રહ્યું. લોકપ્રિય અમેરિકન AI કંપની એન્થ્રોપિકે ક્લાઉડ AIમાં એક ગ્રાઉન્ડબ્રેકિંગ સુવિધા ઉમેરી છે. આ સીધું તમારા કમ્પ્યુટરને કબજે કરશે અને તેની જાતે જ તમારા તમામ કામ જાતે જ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા છ મહિનામાં, ઘણી કંપનીઓએ એજન્ટ-આધારિત વેબ બ્રાઉઝર્સ લોન્ચ કર્યા છે. આ વેબ બ્રાઉઝર્સ જાતે બ્રાઉઝરને કબજે કરશે અને તમારા તમામ કામ નિર્દેશ મુજબ કરશે. ક્લાઉડનું નવું AI ટૂલ એક પગલું આગળ છે, કારણ કે તે ફક્ત બ્રાઉઝરને નિયંત્રિત કરીને તમારા તમામ કામ નથી કરતુ, પરંતુ તમારું આખું કમ્પ્યુટર કબજે કરે છે અને તમારા તમામ કામ કરી શકે છે.
આ નવા યુગમાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફક્ત કામ બતાવશે નહીં, પરંતુ જાતે જ માઉસને ઓપરેટ પણ કરશે, ક્લિક કરશે અને તમારું કામ પૂરું કરીને આપશે. તે કેટલાક સમયથી પરીક્ષણ હેઠળ છે, પરંતુ હવે તેને રિલીઝ કરી દેવામાં આવ્યું છે. સામાન્ય લોકો માટે બહાર પાડવામાં થોડો સમય લાગી શકે છે, પરંતુ તેનો એક ડેમો રિલીઝ કરી દેવામાં આવ્યો છે.
એન્થ્રોપિક ક્લાઉડમાં કમ્પ્યુટર યુઝ નામની સુવિધા આપવામાં આવી છે. તેને સરળ શબ્દોમાં સમજીએ તો, આ AI તમારા કમ્પ્યુટર સ્ક્રીનને જોઈ શકે છે અને તે તમે જે રીતે કામ કરો છો તે રીતે જ કામ કરી શકે છે. જેમ તમે માઉસથી બટન ક્લિક કરો છો, તેમ ક્લાઉડ પણ તે જાતે જ કરી શકે છે.
તે કીબોર્ડ પર ટાઇપ કરી શકે છે, એપ્લિકેશનો ખોલી શકે છે અને ફાઇલો સેવ કરી શકે છે. આનો અર્થ એ છે કે તે ફક્ત સોફ્ટવેરમાં જ નહીં, પરંતુ સમગ્ર સિસ્ટમમાં કામ કરે છે.
આ સુવિધાની વાસ્તવિક શક્તિ એ છે કે, ક્લાઉડ સ્ક્રીનને સમજે છે. તે સ્ક્રીન પરના ટેક્સ્ટ, બટનો અને એપ્લિકેશનોને ઓળખે છે. પછી, તે તમારા નિર્દેશો અનુસાર કાર્ય કરે છે. ધારો કે તમે કહો છો કે તમે વેબસાઇટમાંથી ડેટા કાઢવા માંગો છો. ક્લાઉડ આપમેળે બ્રાઉઝર ખોલશે, વેબસાઇટ પર જશે, યોગ્ય સ્થાન પર ક્લિક કરશે, માહિતી કાઢશે અને તમને આપશે.
જો તમે કહો છો કે તમે ફાઇલ બનાવવા અને તેને સેવ કરવા માંગો છો, તો તે નોટપેડ અથવા ડોક્સ ખોલશે, તેને ટાઇપ કરશે અને સેવ પણ કરી દેશે. આનો અર્થ એ છે કે તમે સામાન્ય રીતે જે કામ 10-15 સ્ટેપમાં કરી કરી શકો છો, તે જ કામ AI જાતે જ કરી દેશે અને તમારો સમય બચાવે છે. તમે મોટાભાગના કામોને સ્વચાલિત કરી શકો છો.
આમ જોઈએ તો, સામાન્ય લોકો પ્રશ્નો પૂછવા માટે AIનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે, જેમ કે લોકો પૂછે છે કે, Email કેવી રીતે લખવો, ત્યારે તે તમને ટેક્સ્ટ આપે છે. પરંતુ હવે, ક્લાઉડ પોતાની જાતે Email ખોલી, કંપોઝ કરી અને મોકલી પણ શકે છે. મતલબ કે, તે આખું કામ તે પોતાની જાતે જ કરશે.
આ જ સૌથી મોટો તફાવત છે. AI હવે ફક્ત સલાહ આપવા માટેનું સાધન નથી રહ્યું, પરંતુ કામ કરવા માટેનું એક સિસ્ટમ બની ગયું છે. તાજેતરમાં, Perplexityએ કમ્પ્યુટર નામની એક સુવિધા પણ રજૂ કરી હતી, જે લગભગ એ જ પ્રકારની છે.
આ સુવિધા રોજિંદા કામમાં ખૂબ ઉપયોગી થઈ શકે છે. ડેટા એન્ટ્રી, રિપોર્ટ બનાવવા અથવા માહિતી શોધીને મેળવવી જેવા ઓફિસ કાર્યો AI ખુદ કરી શકે છે. જો તમારે ઘણી બધી વેબસાઇટ્સમાંથી ડેટા એકત્રિત કરવાની જરૂર હોય, તો AI આ પ્રક્રિયા ઝડપથી કરી શકે છે. વારંવાર કરવામાં આવતા કામ, જેમ કે ફોર્મ ભરવા અથવા ફાઇલો બનાવવા, આ તમામ કામ AI માટે સરળ બની જાય છે.
જ્યાં આટલી બધી ટેકનોલોજી છે, ત્યાં જોખમ પણ રહેલું છે. જો AI તમારા કમ્પ્યુટરને નિયંત્રિત કરી શકે છે, તો તે તમારા ડેટાને પણ ઍક્સેસ કરી શકે છે. આ સુવિધા માટે તમારા કમ્પ્યુટરનો સંપૂર્ણ ટેકઓવર જરૂરી છે. આનો અર્થ એ છે કે, તમે AIને સંપૂર્ણ પરવાનગી આપી રહ્યા છો. આવી સ્થિતિમાં, તે નુકસાન પણ કરી શકે છે.
જો ખોટા નિર્દેશ આપવામાં આવે છે અથવા સિસ્ટમમાં કોઈ ખામી આવી ગઈ હોય, તો તે ખોટા કામો પણ કરી શકે છે. કેટલાક કિસ્સાઓમાં, એવું પણ જોવા મળ્યું છે કે AI ક્યારેક તમે આપેલા નિર્દેશોને ખોટી રીતે પણ સમજી શકે છે અને ખોટી ક્લિક્સ કરી શકે છે. આનો અર્થ એ છે કે તે સંપૂર્ણપણે સુરક્ષિત નથી.
હાલમાં, આ સુવિધા તેના પ્રારંભિક તબક્કામાં છે અને તે સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી. મર્યાદિત સંખ્યામાં વપરાશકર્તાઓ સાથે તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ભૂલો ઘટાડવા માટે કંપની ધીમે ધીમે તેમાં સુધારો કરી રહી છે.
ક્લાઉડની આ સુવિધા ફક્ત એક નાનું અપડેટ નથી. તે એક એવી દિશાની શરૂઆત છે, જ્યાં AI તમારી સાથે નહીં, પરંતુ તમારા માટે કામ કરશે. આ અગાઉ ઘણી કંપનીઓ પોતાના સ્વચાલિત એજન્ટિક વેબ બ્રાઉઝર્સ રજૂ કરી ચુકી છે.

