- Tech and Auto
- શું તમે પણ હેડફોન વાપરો છો? તો સાવધાન, સ્ટડીમાં થયો મોટો ખુલાસો
શું તમે પણ હેડફોન વાપરો છો? તો સાવધાન, સ્ટડીમાં થયો મોટો ખુલાસો
મોબાઇલ ફોન અને લેપટોપની સાથે હેડફોન પણ રોજિંદી જરૂરિયાત બની ગયા છે. લોકો કોલ કરવા, સંગીત સાંભળવા અને કામ કરવા માટે ઘણા કલાકો સુધી તેનો ઉપયોગ કરે છે. જો કે, કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, બજારમાં વેચાતા ઘણા હેડફોનમાં એવા રસાયણો હોય છે જે શરીર માટે હાનિકારક માનવામાં આવે છે.
કરવામાં આવેલા અભ્યાસમાં સસ્તા અને મોંઘા બંને મોડેલો સહિત વિવિધ બ્રાન્ડના ઘણા હેડફોનની તપાસ કરવામાં આવી હતી. તપાસ કરતા જાણવા મળ્યું છે કે, લગભગ બધા હેડફોનમાં પ્લાસ્ટિકને મજબૂત બનાવવા માટે ઉપયોગમાં લેવાતા રસાયણો હોય છે. જો લાંબા સમય સુધી ત્વચાના સંપર્કમાં રહેવાથી આ રસાયણો શરીર માટે હાનિકારક બની શકે છે.
અહેવાલમાં જણાવાયું છે કે, હેડફોન સીધા કાન અને ચહેરાની ત્વચાને સ્પર્શે છે. ગરમી અને પરસેવાને કારણે ધીમે ધીમે તેમાં રહેલા રસાયણો શરીરમાં પ્રવેશી શકે છે.
જે લોકો દરરોજ ઘણા કલાકો સુધી હેડફોનનો ઉપયોગ કરતા હોય છે તેમને વધુ જોખમ હોઈ શકે છે. આ ખાસ કરીને બાળકો અને યુવાનો માટે ચિંતાજનક છે, જે લાંબા સમય સુધી ઇયરફોન કાનમાં લગાવી રાખે છે.
અભ્યાસમાં એ પણ બહાર આવ્યું છે કે, આ રસાયણો હોર્મોનલ સમસ્યાઓ વધારી શકે છે. લાંબા ગાળે, તેઓ શરીરના સંતુલનને અસર કરી શકે છે. જો કે તાત્કાલિક કોઈ ગંભીર બીમારી થઇ જવાની જાણ થઈ નથી, પણ લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી જોખમ વધી શકે છે.
આ સંશોધન યુરોપિયન સંસ્થા ટોક્સફ્રી લાઇફ ફોર ઓલ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. અહીં 81 પ્રકારના હેડફોનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે, લગભગ બધા હેડફોનમાં એવા રસાયણો હોય છે જે બિનઆરોગ્યપ્રદ માનવામાં આવે છે. આ રસાયણોમાં ખાસ કરીને BPA અને BPS નામના રસાયણો હોવાનું જાણવા મળ્યું હતું. આ રસાયણોનો ઉપયોગ પ્લાસ્ટિકને મજબૂત બનાવવા માટે થાય છે, પરંતુ જો લાંબા સમય સુધી શરીર સાથે સંપર્કમાં રહેવામાં આવે તો તે નુકસાન પહોંચાડી શકે છે.
નિષ્ણાતો કહે છે કે, આ કોઈ એક કંપની અથવા સસ્તા હેડફોનની સમસ્યા નથી. આવા રસાયણો ઘણી મોટી બ્રાન્ડના હેડફોનમાં પણ જોવા મળ્યા છે, જેનો અર્થ છે કે આ સમસ્યા સમગ્ર બજારમાં ફેલાયેલી છે. કંપનીઓ હજુ પણ તેમના ઉત્પાદનોમાં કયા રસાયણોનો ઉપયોગ થાય છે તે અંગે સ્પષ્ટ માહિતી આપતી નથી.
આ અહેવાલ પછી, એવા સાલવા ઉભા થઇ રહ્યા છે કે, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદકો માટે એ વધુને વધુ મહત્વપૂર્ણ બની રહ્યું છે કે તેઓ તેમના ઉત્પાદનોને વધુ સુરક્ષિત બનાવે. ફક્ત અવાજની ગુણવત્તા જ નહિ પરંતુ, આરોગ્ય સલામતી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. આની સાથે, સરકાર અને નિયમનકારી સંસ્થાઓએ આવા ઉત્પાદનોના પરીક્ષણ પર વધુ ધ્યાન આપવું જોઈએ.
તમામ વપરાશકર્તાઓ માટે જરૂરી અને સામાન્ય સલાહ એ છે કે હેડફોનનો વધુ પડતો ઉપયોગ ટાળો. સમય સમય પર તમારા કાનને આરામ આપો. લાંબા સમય સુધી હેડફોન પહેરીને કામ કરવાનું અથવા સંગીત સાંભળવાનું ટાળો. જો શક્ય હોય તો, સ્પીકર્સનો ઉપયોગ પણ ક્યારેક ક્યારેક કરો. આ નાની આદતો લાંબા ગાળે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બની શકે છે.

