લેહના પહાડોમાં રોયલ એનફિલ્ડનું બાઇક બગડી ગયું, કોર્ટે કહ્યું- ગ્રાહકને 1 લાખ આપો

લેહની ઊંચી પહાડીઓ, લગભગ 200 કિલોની રોયલ એનફિલ્ડ ઇન્ટરસેપ્ટર 650, અને મુસાફરી દરમિયાન જ બાઇકનું બગડી જવું. મુસાફરી રોમાંચક હતી, પરંતુ હેરાનીની વાત એ હતી કે બાઇકની સર્વિસ પ્રવાસ પહેલા જ કરાવવામાં આવી હતી અને સર્વિસ સેન્ટરે બધું ઠીક હોવાનો ભરોસો પણ આપ્યો હતો. પરંતુ, 15,912 ફૂટની ઊંચાઈ પર આ ભરોસો સાવ નિરર્થક સાબિત થઈ ગયો.

બાઇકમાં પાવર લોસ થવાને કારણે માલિકે આ ભારેખમ મશીનને ઘસડીને લઈ જવું પડ્યું. ફરિયાદ કંપની સુધી પહોંચી, પરંતુ કોઈ ઉકેલ ન મળ્યો. આખરે, આ મામલો ગ્રાહક કોર્ટ (consumer court) સુધી પહોંચ્યો. કોર્ટે હવે આઈશર મોટર્સ (Eicher Motors) અને તેના સર્વિસ સેન્ટરને રૂ.1 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. સવાલ સીધો છે. જ્યારે ગ્રાહક સર્વિસના નામે ભરોસો ખરીદે છે, ત્યારે કંપની પોતાની જવાબદારીમાંથી કેવી રીતે છટકી શકે?

નોઈડાના રહેવાસી હસન મુર્તઝાએ 13 એપ્રિલ, 2019ના રોજ Ess Aar Motors પાસેથી રોયલ એનફિલ્ડ ઇન્ટરસેપ્ટર 650 ખરીદી હતી. સપ્ટેમ્બર 2021માં તેણે લેહ જવાનું આયોજન કર્યું. આ પ્રવાસની તૈયારીના ભાગરૂપે તેણે જૂન 2021માં નોઈડા સ્થિત શ્રી મહાદેવ મોટર્સ સર્વિસ સેન્ટરમાં બાઇકની સર્વિસ કરાવી હતી.

હસને જણાવ્યું કે તેણે સર્વિસ સેન્ટરને સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે તે લેહ જેવા ઊંચાઈવાળા પ્રદેશમાં પ્રવાસ કરવા જઈ રહ્યા છે. તેણે ખાસ કરીને બાઇકના ઈલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ (ECU) ન અપડેટ કરવાની માંગ કરી હતી, કારણ કે આવી ઊંચાઈવાળી જગ્યાઓ પર બાઇકમાં પાવર લોસ થવાની ફરિયાદો સામે આવી રહી હતી. આરોપ છે કે સર્વિસ સેન્ટરે તેમને ખાતરી આપી હતી કે ECU અપડેટ કરી દેવામાં આવ્યું છે અને બાઇક લાંબા પ્રવાસ માટે સંપૂર્ણપણે તૈયાર છે.

Royal Enfield
bikecentral.in

હસનના જણાવ્યા અનુસાર, લેહ તરફ મુસાફરી દરમિયાન, લગભગ 15,912 ફૂટની ઊંચાઈ પર તેની ઇન્ટરસેપ્ટર 650માં અચાનક પાવર લોસની સમસ્યા આવવા લાગી. બાઇકે યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દીધું અને વારંવાર બંધ થવા લાગી. પરિસ્થિતિ એવી બની ગઈ હતી કે તેણે લગભગ 200 કિલોગ્રામ વજનવાળી બાઇકને ઢાળ પરથી નીચે લાવવવી પડી, જેથી બાઇકને ફરી ચાલુ કરી શકાય.

આમ છતા સમસ્યા ખતમ ન થઇ અને લેહ સુધીની બાકીની મુસાફરી દરમિયાન બાઇકમાં સતત મુશ્કેલીઓ આવતી રહી. હસન 21 સપ્ટેમ્બર, 2021ના રોજ લેહ પહોંચ્યો. બીજા જ દિવસે, તે બાઇક લઇને રોયલ એનફિલ્ડના અધિકૃત સર્વિસ સેન્ટર પહોંચ્યો. અહીં તેને જે માહિતી મળી, તેણે પરેશાની વધારી દીધી.  સર્વિસ સેન્ટરના કર્મચારીઓએ જણાવ્યું કે બાઇકમાં ECUનું ક્યારેય અપડેટ કરવામાં આવ્યું જ નથી. આટલું જ નહીં, ત્યાંના કર્મચારીઓએ એમ પણ કહ્યું કે તેમની પાસે ECU અપડેટ કરવા માટે જરૂરી સાધનો પણ ઉપલબ્ધ નથી.

બાઇકની સ્થિતિ અને તેમાં રહેલી તકનીકી ખામીઓને ધ્યાનમાં રાખીને હસને તેમની ઇન્ટરસેપ્ટર 650ને લેહની એક હોટેલમાં છોડી દીધી. બાદમાં તે ફરી બાઇક પાછી લેવા લેહ પહોંચ્યો. તેનો આક્ષેપ હતો કે નોઈડા પરત ફરતી વખતે પણ પાવર લોસની  સમસ્યા ચાલુ રહી હતી.

આ મામલે તેણે કંપનીના કસ્ટમર સપોર્ટને ફરિયાદ કવી. જાન્યુઆરી 2022માં કાયદાકીય નોટિસ મોકલવા છતા જ્યારે કોઈ ઉકેલ ન આવ્યો, ત્યારે તેઓ કંન્ઝ્યૂમર કોર્ટમાં ગયા. હસને માનસિક પરેશાની, શારીરિક અગવડતા અને મુસાફરી દરમિયાન થયેલી મુશ્કેલીઓ બદલ 1 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી.

દક્ષિણ દિલ્હી ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યૂમર ડિસ્પ્યૂટ્સ રિડ્રેસલ કમિશને કેસની સુનાવણી દરમિયાન બાઇકની ખરીદીની રસીદ, ઊંચાઈવાળા વિસ્તારોમાં ECU સંબંધિત સમસ્યાઓ પર પ્રકાશિત લેખ, અને ફરિયાદી તથા સંબંધિત પક્ષ વચ્ચે થયેલા ઈમેલ કમ્યુનિકેશનની તપાસ કરી. બીજી તરફ, કંપની અને સંબંધિત પક્ષોએ દલીલ કરી કે ફરિયાદી નોઈડા અને લેહના સર્વિસ સેન્ટરોમાં જોબ કાર્ડ રજૂ ન કરી શક્યો.

આઈશર મોટર્સે વધુમાં જણાવ્યું કે વાહન ઉત્પાદક અને તેના અધિકૃત ડીલરો અલગ-અલગ વ્યવસાયિક સંસ્થાઓ છે. તો, મહાદેવ મોટર્સને નોટિસ મળવા છતા કમિશન સમક્ષ હાજર ન થયું કે ન તો તેમણે કોઈ લેખિત જવાબ દાખલ કર્યો.

જોકે, કમિશનને જાણ્યું કે, ઈમેલ પરથી સ્પષ્ટ થાય છે કે ફરિયાદી હસન ક્યારે અને કયા અધિકૃત સર્વિસ સેન્ટર પર પોતાની બાઇક લઈ ગયો હતો. તેની મુસાફરી સંબંધિત દસ્તાવેજોમાં કોઈ વિરોધાભાસ જોવા મળ્યો નહોતો. સૌથી મહત્ત્વની વાત એ છે કે, રેકોર્ડમાં એવો કોઇ ઈમેઇલ નહોતો, જેનાથી સાબિત થઇ શકે કે ફરિયાદીની માંગ મુજબ સર્વિસ સેન્ટરે બાઇકનું ECU અપડેટ કર્યું હતું.

કમિશને હસનના મેડિકલ રેકોર્ડ પણ જોયા, જેમાં ફિઝિકલ એક્ટિવિટી દરમિયાન શ્વાસ લેવામાં તકલીફ અને શ્વાસમાં ઘરઘરાટી જેવી સમસ્યાઓનો ઉલ્લેખ હતો. કાર્યવાહી દરમિયાન આ દસ્તાવેજોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.

તમામ દસ્તાવેજો અને દલીલોની સમીક્ષા કર્યા બાદ, દક્ષિણ દિલ્હી ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યૂમર કમિશને આઈશર મોટર્સ અને શ્રી મહાદેવ મોટર્સને સંયુક્ત રીતે 1 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. 4 નવેમ્બર, 2026ના રોજ જાહેર કરાયેલા આ આદેશની તારીખથી ત્રણ મહિનાની અંદર બંને પક્ષોએ આ રકમ ચૂકવવાની રહેશે. જો નિર્ધારિત સમયમર્યાદામાં ચૂકવણી કરવામાં નહીં આવે, તો 4 નવેમ્બર, 2026થી ચૂકવણીની તારીખ સુધી વાર્ષિક 6% લેખે વ્યાજ આપવું પડશે.

આ મામલે એ ડીલરશીપનું નામ પણ સામેલ હતું, જ્યાંથી હસને બાઇક ખરીદી હતી. જોકે, વળતર ચૂકવવાની જવાબદારી આઈશર મોટર્સ અને આ સર્વિસ સેન્ટર પર નાખવામાં આવી છે, જ્યાં બાઇકની સર્વિસ કરવામાં આવી હતી. આ કેસ માત્ર રોયલ એનફિલ્ડની એક મોટરસાઇકલમાં રહેલી તકનીકી ખામી પૂરતી મર્યાદિત નથી; તે વાહનની સર્વિસિંગ દરમિયાન ગ્રાહકોની ફરિયાદો અને જરૂરિયાતોને ગંભીરતાથી લેવાના મહત્ત્વ પર ભાર મૂકે છે. ખાસ કરીને ત્યારે, જ્યારે ગ્રાહક કોઈ ચોક્કસ તકનીકી સમસ્યા જણાવીને સર્વિસ સેન્ટર પર આવે છે.

Royal Enfield
financialexpress.com

સર્વિસ સેન્ટરની જવાબદારી માત્ર બાઇકની સામાન્ય ગ્રાહકને કરવા પૂરતી સીમિત નથી; તેમાં તેને ગ્રાહક દ્વારા જણાવવામાં આવેલી સમસ્યાનું સમાધાન કરવાનો પણ સમાવેશ થાય છે. આ ચૂકાદો સ્પષ્ટ સંદેશ આપે છે કે, જો કોઈ કંપની અથવા તેનું અધિકૃત સર્વિસ નેટવર્ક બેદરકારી દાખવે છે અને ગ્રાહકને મુશ્કેલી પડે છે તો તેને ગ્રાહક આયોગ સમક્ષ જવાબદાર ઠેરવી શકાય છે.

એટલે, આગલી વખતે જ્યારે તમને તમારી કાર કે બાઇકમાં કોઈ સમસ્યા જણાય, ત્યારે હંમેશા અધિકૃત સર્વિસ સેન્ટર પર જ જાઓ અને તમારા વાહન પર કરવામાં આવેલા રિપેરિંગ સંબંધિત તમામ બિલ, રસીદો અને રેકોર્ડ્સ સાચવી રાખો. અહીં સુધી કે, જો કોઈ ભાગ બદલવામાં આવે અને તે ભાગ જે વોરંટી હેઠળ આવતો હોય તો તેની રસીદ પણ સાચવી રાખવી. જો કોઈ અણધારી પરિસ્થિતિ ઊભી થાય, તો આ દસ્તાવેજો ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

ઇન્ટરસેપ્ટર 650 કેવી છે?

રોયલ એનફિલ્ડ ઇન્ટરસેપ્ટર 650 એક પ્રીમિયમ રેટ્રો-રોડસ્ટર બાઇક છે, જેની ભારતીય બજારમાં કિંમત અંદાજે રૂ.3.38 લાખથી રૂ.3.69 લાખની વચ્ચે છે. તે સ્ટાન્ડર્ડ, કસ્ટમ, બ્લેકઆઉટ અને ક્રોમ સહિત 4 વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. આ બાઇકમાં 648ccનું, એર/ઓઇલ-કૂલ્ડ, પેરેલલ-ટ્વીન એન્જિન મળે છે, જે 47 bhp પાવર અને 52 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. આ એન્જિન 6-સ્પીડ ગિયરબોક્સ અને સ્લિપ-એન્ડ-આસિસ્ટ ક્લચ સાથે જોડાયેલું છે.

આ બાઇકમાં ગોળાકાર LED હેડલેમ્પ, ટિયરડ્રોપ શેપ ફ્યૂઅલ ટેન્ક, પહોળા હેન્ડલબાર, લાંબી સપાટ સીટ, ડ્યૂઅલ એક્ઝોસ્ટ અને ટ્વીન-પોડ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, તેમાં ડ્યૂઅલ-ચેનલ ABS, USB ચાર્જિંગ પોર્ટ, પ્રીમિયમ સ્વિચગિયર અને અમુક વેરિયન્ટ્સમાં ટ્યૂબલેસ ટાયર સાથેના એલોય વ્હીલ્સ પણ મળે છે. તેમાં આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફોર્ક્સ અને પાછળના ભાગમાં ગેસ-ચાર્જ્ડ ટ્વીન શોક એબ્સોર્બર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બાઇકમાં 13.7 લિટરની ફ્યૂઅલ ટેન્ક છે અને તેનું વજન 218 કિલો છે. કંપનીના જણાવ્યા અનુસાર, તે લગભગ 23.75 કિમી પ્રતિ લીટરની માઇલેજ આપે છે.

About The Author

Related Posts

Top News

એક મહિનામાં ત્રીજું વાવાઝોડું ભારત પર ત્રાટકશે: ISROના સેટેલાઈટે વાદળોનો વિશાળ જમાવડો કેદ કર્યો

ભારત વધુ એક શક્તિશાળી ચક્રવાતી તોફાનનો સામનો કરવા માટે સજ્જ થઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું 'ડીપ ડિપ્રેશન' 20 નવેમ્બરના...
National 
એક મહિનામાં ત્રીજું વાવાઝોડું ભારત પર ત્રાટકશે: ISROના સેટેલાઈટે વાદળોનો વિશાળ જમાવડો કેદ કર્યો

લેહના પહાડોમાં રોયલ એનફિલ્ડનું બાઇક બગડી ગયું, કોર્ટે કહ્યું- ગ્રાહકને 1 લાખ આપો

લેહની ઊંચી પહાડીઓ, લગભગ 200 કિલોની રોયલ એનફિલ્ડ ઇન્ટરસેપ્ટર 650, અને મુસાફરી દરમિયાન જ બાઇકનું બગડી જવું. મુસાફરી...
Tech and Auto 
લેહના પહાડોમાં રોયલ એનફિલ્ડનું બાઇક બગડી ગયું, કોર્ટે કહ્યું- ગ્રાહકને 1 લાખ આપો

દેશને શરમજનક સ્થિતિમાં મુક્યો, પોતે... કિરેન રિજિજૂએ રાહુલ ગાંધીને 7 સલાહ આપી

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, તેમણે પોતાની મજાક તો બતાવી...
Politics 
દેશને શરમજનક સ્થિતિમાં મુક્યો, પોતે... કિરેન રિજિજૂએ રાહુલ ગાંધીને 7 સલાહ આપી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-11-2026 દિવસ: મંગળવાર મેષ: આજનો દિવસ મિશ્રીત રહે, અમુક મુદાઓ ઉપર પરિવારમાં તણાવ રહે, આત્મવિશ્વાસમાં વધારો થાય, મિત્રો સાથે...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.