- Politics
- દેશને શરમજનક સ્થિતિમાં મુક્યો, પોતે... કિરેન રિજિજૂએ રાહુલ ગાંધીને 7 સલાહ આપી
દેશને શરમજનક સ્થિતિમાં મુક્યો, પોતે... કિરેન રિજિજૂએ રાહુલ ગાંધીને 7 સલાહ આપી
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, તેમણે પોતાની મજાક તો બતાવી જ, સાથેસાથે દેશને પણ શરમજનક સ્થિતિમાં મૂક્યો છે. 16 નવેમ્બર પોતાના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરતા રિજિજુએ રાહુલ ગાંધીને સલાહ આપી હતી કે જો તેઓ કેટલાક પગલાં ભરે તો કોંગ્રેસ લોકોનો વિશ્વાસ ફરીથી જીતી શકે છે.

કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધીને સલાહ આપતા કહ્યું કે તેમણે ભારતમાં વધુ સમય વિતાવવો જોઈએ અને વારંવાર થતી ગુપ્ત વિદેશી મુસાફરીઓથી બચવું જોઈએ. તેમણે વરિષ્ઠ નેતાઓનું સન્માન કરવા અને વડીલો પાસેથી શીખ લેવાની પણ હિમાયત કરી હતી. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે રાહુલ ગાંધીએ ભારત વિરોધી લોકો સાથે મુલાકાત ન કરવી જોઈએ અને તેમના એજન્ડાને પ્રોત્સાહન આપવાનું બંધ કરવું જોઈએ. તેમણે ભાજપ, RSS અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યેનો ઊંડો તિરસ્કાર ખતમ કરવાની વાત કરતા કહ્યું કે ભાજપને રાજકીય પ્રતિસ્પર્ધી તરીકે જોવું જોઈએ, દુશ્મન તરીકે નહીં.
https://twitter.com/KirenRijiju/status/2122279774987206704
રિજિજુએ રાહુલ ગાંધીને સંસદને વધુ ગંભીરતાથી લેવા અને સાંસદોને ચર્ચા અને વાદ-વિવાદમાં ભાગ લેવા દેવાની અપીલ કરી હતી. તેમણે બંધારણનું સન્માન કરવા અને બંધારણીય સંસ્થાઓનું સન્માન કરવાની વાત પણ દોહરાવી હતી. તેમણે કોંગ્રેસમાં આંતરિક લોકશાહીની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે પાર્ટીને લોકતાંત્રિક રીતે કામ કરવા દેવી જોઈએ અને વંશવાદી રાજકારણને ખતમ કરવું જોઈએ.
કિરેન રિજિજુનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભાજપે હૈદરાબાદમાં આયોજિત કોંગ્રેસની 'ભારત સમિટ 2026'ને લઈને કોંગ્રેસ પાર્ટી પર અનેક ગંભીર આક્ષેપો મૂક્યા છે. ભાજપનું કહેવું છે કે કોંગ્રેસે એવા વિદેશી વક્તાઓને મંચ આપ્યો છે, જેમના કથિત રીતે અબજોપતિ રોકાણકાર જ્યોોર્જ સોરોસ સાથે જોડાયેલા સંગઠનો સાથે સંબંધ છે અને જેમણે અગાઉ ભારત વિરુદ્ધ નિવેદનો આપ્યા છે.
ભાજપે રાહુલ ગાંધી પર વિદેશી શક્તિઓની 'કઠપૂતળી'ની જેમ કામ કરવાનો અને નરેન્દ્ર મોદી સરકારને સત્તા પરથી હટાવવા માટે આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. પાર્ટીએ સવાલ ઉઠાવ્યો છે કે શું આ સંમેલન વાતચીત માટેનું મંચ છે કે પછી ભારત અને તેની લોકતાંત્રિક સંસ્થાઓ સામે કથિત નરેટિવને આંતરરાષ્ટ્રીય સમર્થન અપાવવાની કોઈ કોશિશ છે?
ભાજપના રાષ્ટ્રીય મીડિયા સંયોજક આશિષ ઉષા અગ્રવાલે પણ રાહુલ ગાંધીના રાજકારણ પર સવાલ ઉઠાવતા તેને 'ભારત વિરોધી માર્ગ' તરફ આગળ વધતો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે કોઈ વિદેશી પ્રતિનિધિ ભારતની બંધારણીય સંસ્થાઓ પર સવાલ ઉઠાવે છે, ભારતીય લોકશાહી પર શંકા વ્યક્ત કરે છે અને દેશની છબીને નુકસાન પહોંચાડે છે, ત્યારે રાહુલ ગાંધીના ચહેરા પર ખુશી જોવા મળે છે. તેમણે સવાલ કર્યો કે જ્યારે ભારત પર આરોપો મૂકવામાં આવે છે ત્યારે રાહુલ ગાંધી ખુશ કેમ થાય છે અને જ્યારે દેશનું સમાન વધે છે ત્યારે તેઓ ચૂપ કેમ રહે છે?

