- Politics
- મમતા બેનર્જીના સૂર બદલાયા, સોનિયાને કહ્યા પોતાના નેતા, CPM નેતાનું પણ નામ લીધું
મમતા બેનર્જીના સૂર બદલાયા, સોનિયાને કહ્યા પોતાના નેતા, CPM નેતાનું પણ નામ લીધું
રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલી INDIA ગઠબંધનની રેલીમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીનો એકદમ અલગ અંદાજ જોવા મળ્યો હતો. મત ચોરી વિરુદ્વ INDIA ગઠબંધનની રામલીલા મેદાન રેલીમાં તેમણે પોતાના ભાષણની શરૂઆતમાં સોનિયા ગાંધીને મારા નેતા કહીને સંબોધવા સાથે નમસ્તે કર્યું. આટલું જ નહીં, તેમણે રાહુલ ગાંધીને લડાઈ લડી રહેલા યુવા નેતા કહ્યા અને લાંબા સમયથી રાજકીય હરીફ રહેલી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી)ના મહાસચિવ એમ.એ. બેબીનો પણ ઉલ્લેખ કર્યો.
મમતાના આ સંબોધનને વિપક્ષી ગઠબંધનમાં બદલાતા રાજકીય સમીકરણો અને કોંગ્રેસ નેતૃત્વ પ્રત્યેના તેમના વલણમાં આવેલા પરિવર્તનના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. મંચ પર મમતા બેનર્જી સોનિયા ગાંધીની બાજુમાં બેઠા હતા અને ઘણી વખત તેમની સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. પોતાના ભાષણની શરૂઆતમાં મમતાએ કહ્યું કે, મારા નેતા, સોનિયાજીને મારા નમસ્તે. ત્યારબાદ તેમણે રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરતા તેમને લડાઈ લડી રહેલા એક યુવા ગણાવ્યા. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, RJD નેતા તેજસ્વી યાદવ અને CPI(M)ના મહાસચિવ એમ.એ. બેબીનું નામ પણ લીધું. તેમણે ભાજપ વિરોધી આંદોલનમાં વકીલો, વિવિધ અન્ય સંસ્થાઓ અને ડાબેરી નેતૃત્વની પણ પ્રશંસા કરી. સાથે જ, તેમણે Gen Zના નેતૃત્વને પણ શુભેચ્છા પાઠવી.
શું TMC કોંગ્રેસની નજીક આવી રહી છે?
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ, કોંગ્રેસ અને તેના ટોચના નેતૃત્વ પ્રત્યે મમતા બેનર્જીનું વધતું જતું નરમ વલણ રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. સોનિયા ગાંધીને મારા નેતા કહેવા અને રાહુલ ગાંધીની પ્રશંસા કરવાનું એ વાતના સંકેત માનવામાં આવે છે કે, વર્તમાન પરિસ્થિતિઓમાં મમતા વિપક્ષી એકતાને પ્રાથમિકતા આપી રહ્યા છે.
મમતા બેનર્જી અને કોંગ્રેસ વચ્ચેના સંબંધો હંમેશાં સુમેળભર્યા રહ્યા નથી; પશ્ચિમ બંગાળમાં બંને દળો લાંબા સમયથી રાજકીય હરીફ રહ્યા છે અને ઘણી વખત તેમની વચ્ચે તીખી નિવેદનબાજી પણ જોવા મળી છે. રાષ્ટ્રીય સ્તરે, વિપક્ષી ગઠબંધનના નેતૃત્વ અને રણનીતિ અંગે ભિન્ન-ભિન્ન વિચાર સામે આવતા રહ્યા છે.
જોકે, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ, બંને દળો વચ્ચે વધતી જતી નિકટતા સ્પષ્ટપણે દેખાઈ રહી છે. મમતા બેનર્જીએ ચૂંટણી પરિણામો પર સવાલો ઉઠાવ્યા પછી, રાહુલ ગાંધીએ ખુલ્લેઆમ તેમનું સમર્થન કર્યું અને આરોપ લગાવ્યો કે ચૂંટણીમાં ગેરરીતિ થઈ હતી. ત્યારબાદ, મમતાએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે મુલાકાત પણ કરી હતી.
શું દિલ્હીમાં નવા રાજકીય સમીકરણોની તૈયારી થઈ રહી છે?
ભાજપ વિરુદ્ધ વિપક્ષના આંદોલનમાં, તૃણમૂલ કોંગ્રેસ હવે કોંગ્રેસ સાથે મળીને આગળ વધવાના સંકેત આપી રહી હોય તેવું લાગે છે. આનાથી એ પ્રશ્ન ઊભો થાય છે કે, શું મમતા બેનર્જી સોનિયા ગાંધી સાથેના તેમના સારા સંબંધોનો લાભ લઈને વિપક્ષી ગઠબંધનમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માંગે છે, કે પછી તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ વચ્ચે કોઈ નવો રાજકીય તાલમેળ આકાર લઈ રહ્યો છે?

રવિવારે રામલીલા મેદાનમાં મમતાએ આપેલા ભાષણે આ ચર્ચાને વધુ વેગ આપ્યો છે. તેઓ રેલીના સ્થળે રાહુલ ગાંધી સાથે એક જ કારમાં પહોંચ્યા હતા અને મંચ પર સોનિયા ગાંધીની બાજુમાં બેઠા હતા. તેમના ભાષણમાં કોંગ્રેસના નેતૃત્વની સાથે સાથે ડાબેરી પક્ષોના નેતાઓનો પણ ઉલ્લેખ પણ ખાસ રહ્યો. રાજ્યમાં ભાજપ સત્તા પર આવ્યા બાદ, તૃણમૂલ કોંગ્રેસની અંદર રાજકીય પડકારો અને સંગઠનાત્મક સમીકરણોને લઈને ગંભીર આંતરિક ચર્ચાઓ ચાલી રહી છે. એવામાં, મમતાની વારંવારની દિલ્હી પહોંચવું અને વિપક્ષી ગઠબંધનની બેઠકો તથા કાર્યક્રમોમાં સામેલ થવાનું મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. રામલીલા મેદાનમાં મમતાના સંબોધને ફરી એકવાર એ પ્રશ્ન ઊભો કર્યો છે કે, પશ્ચિમ બંગાળના રાજકારણ સાથે-સાથે રાષ્ટ્રીય સ્તરે પણ વિપક્ષનું કોઈ નવું સમીકરણ આકાર લઈ રહ્યું છે? હાલમાં તેમના ભાષણ અને કોંગ્રેસ નેતૃત્વ પ્રત્યેના તેમના બદલાયેલા વલણે આવી અટકળોને વધુ હવા આપી છે.

