- Politics
- કોંગ્રેસ અને CJPમાં કેટલું અંતર, અરવિંદ કેજરીવાલ વિરોધ પ્રદર્શનોથી કેમ દૂર છે?
કોંગ્રેસ અને CJPમાં કેટલું અંતર, અરવિંદ કેજરીવાલ વિરોધ પ્રદર્શનોથી કેમ દૂર છે?
આમ આદમી પાર્ટી (AAP)નો જન્મ 2012માં કોંગ્રેસના વિરોધના દમ પર જ થયો હતો. જોકે, ભારતીય રાજકારણમાં માત્ર વિરોધ કરતા વિરોધાભાસો વધુ સ્થાયી છે. ડિસેમ્બર 2013માં, અરવિંદ કેજરીવાલ કોંગ્રેસના સમર્થનથી પ્રથમ વખત દિલ્હીના મુખ્યમંત્રી બન્યા હતા. 2013ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોઈ પણ પક્ષને બહુમતી મળી નહોતી; AAPએ 28 બેઠકો, ભાજપે 31 અને કોંગ્રેસે 8 બેઠકો જીતી હતી. AAPએ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું અને અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા. જોકે, કોંગ્રેસ અને AAP વચ્ચેની આ ભાગીદારી માત્ર 49 દિવસ જ ચાલી હતી અને ત્યારબાદ ફેબ્રુઆરી 2015ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો હતો.
ઘણા વિશ્લેષકો AAPને ભાજપ કરતા કોંગ્રેસ માટે વધુ જોખમી માને છે. AAP જ્યાં પણ સત્તામાં આવી છે ત્યાં તેણે કોંગ્રેસને હરાવીને જ સત્તા મેળવી છે; કોઈ પણ રાજ્યમાં તે ભાજપને હરાવવામાં સફળ રહી નથી. હવે જ્યારે કોંગ્રેસ હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને તેલંગાણાને બાદ કરતા રાષ્ટ્રીય સ્તરે સત્તાની બહાર છે ત્યારે AAP માટે લડાઈ મુખ્યત્વે કોંગ્રેસને બદલે ભાજપ સામે છે. જોકે, પંજાબમાં જ્યાં AAP સત્તા પર છે, ત્યાં તેની લડાઇ કોંગ્રેસ સાથે છે.
દિલ્હી અને પંજાબ સિવાય, AAPની કોઇ ખાસ હાજરી નથી. એટલે કે AAPએ પોતાની છબી એવી રીતે રજૂ કરવી પડે છે કે તે ભાજપની વિરોધી પણ છે અને કોંગ્રેસની પણ. કોંગ્રેસ અને AAP બંનેએ ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અંગે વાંધો ઉઠાવ્યો છે, તેમ છતા અરવિંદ કેજરીવાલ કોંગ્રેસના નેતૃત્વમાં ચાલી રહેલા અભિયાનમાં ભાગ લઈ રહ્યા નથી. જુલાઈમાં 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના વિરોધ પ્રદર્શનોમાં કોંગ્રેસની સીધી ભાગીદારી નહોતો. જ્યારે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાનના નિવાસસ્થાનની બહાર ધરણાં કર્યા, ત્યારે AAPએ તેનો વિરોધ કર્યો હતો.
AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહે 'X' પર આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CJP આંદોલનને નબળું પાડવા માટે રાહુલ ગાંધીને ધરણાં પર બેસાડ્યા. સંજય સિંહે 'X' પર લખ્યું કે, દેશના કરોડો યુવાનો માટે સોનમ વાંગચુક છેલ્લા 23 દિવસથી આમરણ અનસન પર છે. દેશના યુવાનો જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. 20 જુલાઈએ યુવાનોને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. કોંગ્રેસ એક મહિનાથી આ આંદોલનને ગાળો આપી રહી છે; હવે રાહુલ ગાંધી કહી રહ્યા છે કે, 'જંતર-મંતરને બદલે અમારા વિરોધ પ્રદર્શનમાં આવો. કોંગ્રેસ શા માટે યુવાનોના આંદોલનને નબળું પાડવા માંગે છે? કોંગ્રેસ જંતર-મંતરના વિરોધ પ્રદર્શનમાં જોડાવા માટે શા માટે અપીલ કરતી નથી?
તે સમયે AAP, CJPના આંદોલનમાં સક્રિયપણે સામેલ હતી. 7 ઓક્ટોબરે એક યુઝરે 'X' પર લખ્યું કે, શું દિલ્હી કોંગ્રેસમાં કોઈ નેતા બાકી છે કે નહીં? કોંગ્રેસની યુથ વિંગ અને NSUI, તમે બધા ક્યાં છો? તમે ભીડ પણ એકઠી કરી શકતા નથી. જો આ જ વિરોધ પ્રદર્શન લખનૌમાં થયું હોત, તો અહીં કરતા ત્યાં ઘણા વધારે લોકો એકઠા થયા હોત. આ પોસ્ટને રીપોસ્ટ કરતા AAP નેતા સૌરભ ભારદ્વાજે લખ્યું હતું કે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પોતાની લોકપ્રિયતાના આધારે બધું જ ચલાવી રહ્યા છે. ભીડ બતાવવા માટે તેમની પાસે INDIA ગઠબંધનના 300 સાંસદો છે. તેમ છતા વિરોધ પ્રદર્શન સારું રહ્યું! સૌરભ ભારદ્વાજની આ પોસ્ટમાં ખંડન કરતા કટાક્ષ વધુ છે.
એવામાં સૌરભની પોસ્ટના જવાબમાં ઈન્ડિયન યુથ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને કોંગ્રેસ સેવા દળના મુખ્ય આયોજક શ્રીનિવાસ બી.વી.એ લખ્યું કે, વિચારો: તમે કોંગ્રેસની મજાક ઉડાવવાનો પ્રયાસ કર્યો, અને તમારી પોતાની ટ્વીટમાં જ લખી દીધું કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે INDIA ગઠબંધનના 300 સાંસદો ત્યાં હાજર હતા. સૌરભે સમગ્ર વિપક્ષ ગણાવી દીધું અને અજાણતામાં એ પણ જણાવી દીધું કે કોણ ખરેખર લડી રહ્યું છે અને કોણ આરામથી ભાજપના ખોળામાં બેઠું છે. હકીકતમાં, AAP પોતાને ભાજપના વિકલ્પ તરીકે રજૂ કરવા માંગે છે. બીજી તરફ, કોંગ્રેસ માને છે કે ભાજપ સામે તે જ લડી રહી છે.
જ્યારે કેજરીવાલ 2014માં બનારસથી મોદી સામે ચૂંટણી લડવા ગયા હતા, ત્યારે એ જ સંદેશ આપવાનો હતો કે માત્ર તેઓ જ મોદીને પડકારી શકે છે. જોકે, એક વિશ્લેષણ એવું પણ સૂચવે છે કે જો વિપક્ષ વિભાજિત રહેશે, તો AAPને પણ કોઈ ફાયદો નહીં થાય.
CJP અને કોંગ્રેસ વચ્ચે અસહજતા
માર્ચ મહિનામાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ યોજાયેલી કૂચમાં INDIA ગઠબંધનના મોટાભાગના ઘટક દળોએ ભાગ લીધો હતો. જોકે, દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) અને AAP તેનાથી દૂર રહ્યા હતા. DMK તમિલનાડુમાં પોતાની હરીફ પાર્ટી 'તમિલગા વેત્રી કઝગમ' (TVK) સાથે ગઠબંધન કરીને સરકાર બનાવવાને લઇને રાહુલ ગાંધીથી નારાજ છે, જ્યારે AAPના નિર્ણય પાછળના કારણો વધુ જટિલ અને વિવાદાસ્પદ નજરે પડે છે.
કોંગ્રેસ પાર્ટી લાંબા સમયથી AAPને ભાજપની B-ટીમ ગણાવતી આવી છે. બીજા શબ્દોમાં કહીએ તો, કોંગ્રેસ માને છે કે પોતાની ચૂંટણી રણનીતિના ભાગરૂપે કોંગ્રેસનો વિરોધ કરવાથી AAPને ફાયદો થાય છે અને તેનાથી ભાજપ મજબૂત થાય છે. રસપ્રદ વાત એ છે કે, જુલાઈમાં જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરનારી CJPએ 6 ઓક્ટોબરે 'INDIA' ગઠબંધન દ્વારા આયોજિત કૂચમાં ભાગ લીધો નહોતો.
જોકે, CJPએ પણ જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી છે. દિવસભરની ઘટનાઓ દરમિયાન CJPના નેતાઓ સોશિયલ મીડિયા પર મોટાભાગે મૌન રહ્યા હતા; બાદમાં સોશિયલ મીડિયા પર મૌનને કારણે ટીકા વધ્યા બાદ તેમણે મર્યાદિત સમર્થન વ્યક્ત કર્યું હતું.
એવું માનવામાં આવે છે કે CJPના AAP સાથે ગાઢ સંબંધો છે. 'ધ પ્રિન્ટ'ના અહેવાલ મુજબ, તેની 12 સભ્યોની મુખ્ય ટીમમાંથી છ સભ્યો, જેમાં અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકા જેવા નેતાઓનો સમાવેશ થાય છે, જેઓ અથવા સીધા AAP સાથે જોડાયેલા રહ્યા છે અથવા તો જાહેરમાં પક્ષનું સમર્થન કર્યું છે. CJPના આમ AAP સાથેના સંબંધોની આશંકાઓને કારણે કોંગ્રેસ જુલાઈમાં જંતર-મંતર ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શનોથી દૂર રહી હતી. જોકે બાદમાં ગાંધીએ વામપંથી સંગઠનોના કાર્યકરો સાથે મુલાકાત કરી હતી, પરંતુ તેમણે CJPથી અંતર જાળવી રાખ્યું છે.
'INDIA' ગઠબંધન અને CJP વચ્ચે અન્ય કેટલાક મુખ્ય તફાવતો પણ છે. 5 ઓક્ટોબરના રોજ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ જણાવ્યું હતું કે કોંગ્રેસ અને તેના INDIA ગઠબંધનના સાથી પક્ષોની ત્રણ મુખ્ય માંગણીઓ છે- મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનું રાજીનામું, SIR રદ કરવું અને EVMને બદલે બેલેટથી મતદાન કરાવવું. કોંગ્રેસ ચૂંટણીમાં તમામ પક્ષો માટે સમાન તક ઈચ્છે છે.
આ દરમિયાન, CJPએ વિપક્ષી પક્ષોને ચૂંટણીનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. વિપક્ષ દ્વારા કરવામાં આવતો બહિષ્કાર ચૂંટણી પ્રક્રિયાની કાયદેસરતા અંગે પ્રશ્નો ઊભા કરી શકે છે. જોકે, આનાથી ભાજપને ફાયદો થઈ શકે છે. ચૂંટણી પ્રક્રિયાને કાયદેસરતા પ્રદાન કરવા માટે ભાજપ કદાચ કેટલાક સહયોગી પક્ષોને મેદાનમાં ઉતારી શકે છે. એવા સમયે જ્યારે ભાજપ માટે જનસમર્થન ઘટી રહ્યું છે અને વિપક્ષી પક્ષો માટે સમર્થન વધી રહ્યું છે, ત્યારે ચૂંટણીથી દૂર રહેવું વિપક્ષના હિતોને નુકસાન પહોંચાડી શકે છે.
વિપક્ષી દળો વચ્ચેના આવા તીખા મતભેદો ભાજપને હરાવવાના તેમના પ્રયાસોને નબળા પાડી શકે છે. આગામી મહિનાઓમાં, ભાજપ આ તિરાડોને વધુ ગાઢ કરવાના પ્રયાસો તેજ કરી શકે છે. ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ પણ આ વાત કત પર ભાર મૂક્યો હતો કે DMK અને AAPએ 'INDIA' ગઠબંધનની કૂચમાં ભાગ લીધો નહોતો. CJP અને વામપંથી સંગઠનોએ 10 ઓક્ટોબરે દિલ્હીમાં વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે. શું 'INDIA' ગઠબંધન તેમની આ પહેલને સમર્થન આપશે? મહત્ત્વનો પ્રશ્ન એ છે કે શું કોંગ્રેસ પોતાની આશંકાઓને દૂર કરીને સમર્થન આપવા માટે તૈયાર હશે?

