- Politics
- રામ મંદિરને પુનર્જીવિત કરવાના રાજીવના પ્રયાસો પર કોઈએ ધ્યાન ન આપ્યું ... ફાયદો ભાજપને! અયોધ્યા પર સ...
રામ મંદિરને પુનર્જીવિત કરવાના રાજીવના પ્રયાસો પર કોઈએ ધ્યાન ન આપ્યું ... ફાયદો ભાજપને! અયોધ્યા પર સોનિયા ગાંધીએ શું કહ્યું?
‘ફેબ્રુઆરી 1986માં, ફૈઝાબાદ જિલ્લા કોર્ટે અચાનક યથાસ્થિતિ બદલી નાખી અને દરવાજા પરના તાળાં ખોલવાનો આદેશ આપી દીધો. કોર્ટના આદેશના એક કલાકની અંદર જ ચોંકાવનારી સ્ફૂર્તિ સાથે મસ્જિદના દરવાજા ખોલી દેવામાં આવ્યા અને સાથે જ ભક્તોનું ટોળું અંદર ધસી ગયું. તેની અસર વીજળી જેવી થઇ હતી: એક લાંબા સમયથી સળગી રહેલો પણ શાંત પડેલો વિવાદ ફરી ભડકી ઉઠ્યો.’ આ શબ્દો છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીના, જે તેમણે તેમના તાજેતરમાં પ્રકાશિત થયેલા સંસ્મરણો, 'બિલોન્ગિંગ: અ જર્ની ઓફ લવ'માં લખ્યા છે.
હકીકતમાં, સોનિયા ગાંધી આ પ્રસંગે અયોધ્યામાં બાબરી મસ્જિદના દરવાજા ખોલવાની વાત કરી રહ્યા છે. એક એવો નિર્ણય જેણે ભારતીય રાજકારણની દિશા હંમેશાં માટે બદલી નાખી અને એક એવા ધાર્મિક વિવાદને વધુ ઊંડો બનાવી દેવામાં આવ્યો, જે આખરે ડિસેમ્બર 1992માં મસ્જિદના વિધ્વંસના રૂપમાં સામે આવ્યો.
લગભગ ચાર દાયકા પછી પણ, અયોધ્યા એક રાજકીય અખાડો બની રહ્યું છે. જેમ-જેમ ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનજીક આવી રહી છે, ભાજપના રાજકીય પ્રચારમાં 'રામ મંદિર'નો મુદ્દો હજુ પણ કેન્દ્રસ્થાને છે, જ્યારે સમાજવાદી પાર્ટી પાસે પણ આ વિષય ઉઠાવવા પાછળ પોતાના અલગ કારણો છે. હવે, સોનિયા ગાંધીના નિવેદને મંદિરના રાજકીય ઇતિહાસના એક નવા અધ્યાયને સામે લાવી દીધો છે. આ તે સમયગાળાની વાત છે જ્યારે તેમના પતિ અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસે, તે જ ધાર્મિક ભાવનાનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો જેનો લાભ લઈને ભાજપ અને RSS લોકોને એકજૂથ કરવા કરી રહ્યા હતા.
1989ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બાબરી મસ્જિદના દરવાજા ખોલાવી દેવામાં આવ્યા હતા. આવું ત્યારે કરવામાં આવ્યું જ્યારે રાજીવ ગાંધીને જાણ કરવામાં આવી કે 'શાહ બાનો કેસ'માં ચૂકાદો પલટાવી દેવાને કારણે હિન્દુઓમાં ભારે રોષ છે. રામ મંદિરની રાજનીતિ અપનાવવા છતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો. જોકે તે 197 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી, પરંતુ સંસદમાં તેણે પોતાનું બહુમતી ગુમાવી દીધી હતી. નોંધનીય છે કે 1984ની ચૂંટણીમાં કોંગ્રેસે લોકસભાની 514 બેઠકોમાંથી 404 બેઠકો જીતીને પ્રચંડ વિજય મેળવ્યો હતો.
સોનિયાના પુસ્તકમાં મહાત્મા ગાંધીના રામ રાજ્યના વિચારને પુનર્જીવિત કરવાના રાજીવ ગાંધીના પ્રયાસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે સમયગાળા દરમિયાન રાજીવ ગાંધીની રાજનીતિ પર પ્રકાશ પાડતા સોનિયા લખે છે , મહાત્મા ગાંધીના 'રામ રાજ્ય'ના વિચાર, જેમાં સદાચાર, નૈતિકતા અને ન્યાય જેવા મૂળ આદર્શો સામેલ હતો, જેને પુનર્જીવિત કરવાના રાજીવ ગાંધીના પ્રયાસો પર કોઈએ ધ્યાન ન આપ્યું. RSSનો પ્રચાર હાવી રહ્યો, અને છેલ્લા ત્રણ દાયકામાં દેશે તેના ઝેરી પરિણામો જોયા છે.
એટલે, અયોધ્યાની કહાની માત્ર એવી નહોતી કે ભાજપે મંદિરને કેન્દ્રમાં રાખીને રાજકીય આંદોલન ઊભું કર્યું હોય અને કોંગ્રેસ કિનારા પરથી તમાશો જોતી રહી. કોંગ્રેસનું પણ મંદિરના મામલે પોતાના પણ રાજકીય ગણિત હતા. જોકે તેમની રીત અને તેના પરિણામો અલગ હતા.
આ અગાઉ, કમલ નાથ જેવા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પણ બાબરી મસ્જિદના તાળાં ખોલવામાં પાર્ટીની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો છે, જ્યારે ઘણા અનુભવી પત્રકારોએ પણ પોતાના લખાણોમાં આ તાળાં ખોલવાની ઘટનાઓ વિશે વિવરણ આપ્યું છે. આ સમજવા માટે 1986માં રાજીવ ગાંધીની સરકાર અયોધ્યાના મુદ્દા તરફ કેમ વળી તે સમજવા માટે, સૌપ્રથમ 'શાહ બાનો કેસ'ને ફરીથી જોવો જરૂરી છે.
1985માં, સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો કે શાહ બાનો નામની છૂટાછેડા પામેલી મુસ્લિમ મહિલા 'કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજરની (દંડ પ્રક્રિયા સંહિતા) કલમ 125 હેઠળ પોતાના પૂર્વ પતિ પાસેથી ભરણપોષણ મેળવવા હકદાર છે. આ ચૂકાદાને મહિલા અધિકારો માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવ્યું હતું, પરંતુ રૂઢિચુસ્ત મુસ્લિમ નેતૃત્વના કેટલાક વર્ગોએ તેનો વિરોધ કર્યો હતો. તેમનું માનવું હતું કે અદાલતે કોર્ટે પર્સનલ લૉમાં દખલગીરી કરી છે. આના જવાબમાં, રાજીવ ગાંધીના નેતૃત્વ હેઠળની સરકાર 'મુસ્લિમ મહિલા (તલાક પર અધિકારોનું રક્ષણ) અધિનિયમ, 1986 લઇને આવી. આ કાયદા દ્વારા સુપ્રીમ કોર્ટના ભરણપોષણ અંગેના ચૂકાદાની વ્યવહારિક અસરોને પલટી નાખી.
આ પગલાને કારણે ઉદારવાદી બુદ્ધિજીવી અને મહિલા અધિકાર જૂથોનો એક મોટો વર્ગ સરકારથી નારાજ થઈ ગયો. આનાથી એ ધારણાને પણ બળ મળ્યું કે કોંગ્રેસ રાજકીય લાભ મેળવવા માટે રૂઢિચુસ્ત મુસ્લિમ ધાર્મિક નેતૃત્વને ખુશ કરવા તૈયાર હતો. આ પગલા બાદ મુસ્લિમ તુષ્ટિકરણ'ના આરોપોએ જોર પકડ્યું.
1984ની સામાન્ય ચૂંટણીઓમાં જંગી બહુમતી મેળવનારી સરકાર માટે, આ એક મોટો રાજકીય નુકસાન હતું. રાજીવ ગાંધીના માતા ઈન્દિરા ગાંધીની હત્યા બાદ દેશભરમાં ફેલાયેલી 'સહાનુભૂતિની લહેર'ના સહારે કોંગ્રેસે તે ભવ્ય ચૂંટણી વિજય હાંસલ કર્યો હતો.
વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરીએ તેમના પુસ્તક હાઉ પ્રાઇમ મિનિસ્ટર્સ ડિસાઇડમાં એ રાજકીય સમીકરણોનો ઉલ્લેખ કર્યો છે, જે બાબરી મસ્જિદના તાળાં ખોલવા પહેલાં બન્યા હતા. આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા લોકો સાથેની વાતચીતના આધારે, તેઓ જણાવે છે કે કેવી રીતે રાજીવ ગાંધીના પિતરાઈ ભાઈ અને નજીકના રાજકીય સહયોગી અરુણ નેહરુએ આ દિશામાં આગળ વધવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ચૌધરીના પુસ્તક મુજબ, 18 જાન્યુઆરી, 1986ના રોજ ઇન્ટેલિજન્સ બ્યૂરો (IB) અને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના પ્રમુખોએ રાજીવ ગાંધીને જાણ કરી હતી કે 'શાહ બાનો' કેસમાં સરકારના નિર્ણય બાદ હિન્દુઓમાં અસંતોષ વધી રહ્યો છે. તે સમયે વડાપ્રધાનના રાજકીય વર્તુળમાં પ્રભાવશાળી વ્યક્તિ ગણાતા અરુણ નેહરુએ એક ઉકેલ સૂચવ્યો. ચૌધરીના જણાવ્યા અનુસાર, તેમની સલાહ મુજબ, તાળાં ખોલાવી દો.
આની પાછળનું રાજકીય તર્ક એવો હતો કે જો કોંગ્રેસ સરકાર બાબરી મસ્જિદના વિવાદાસ્પદ સ્થળ સુધી પહોંચ સરળ બનાવી દે અને હિન્દુ ભક્તોને ત્યાં પૂજા કરવાની મંજૂરી આપે, તો તેનાથી હિન્દુ મતદારો વચ્ચે ગુમાવેલો જનાધાર ફરી મેળવી શકાય છે.
1986ની ઘટનાઓએ અયોધ્યા આંદોલનને વધુ તેજ બનાવી દીધું. વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ જનસમર્થન મેળવવાના પોતાના પ્રયાસો વધાર્યા અને પ્રસ્તાવિત મંદિર માટે દેશભરના ગામડાઓમાંથી દાન અને ઈંટો એકત્રિત કરી. રામ શિલા કહેવાતી આ ઈંટોને અયોધ્યા મોકલતા પહેલા ઘણીવાર સ્થાનિક ધાર્મિક વિધિઓ દ્વારા પવિત્ર કરવામાં આવતી હતી.
1989 સુધી સંગઠને પ્રસ્તાવિત મંદિર માટે 'શિલાન્યાકરવાની યોજના જાહેર કરી. સોનિયા ગાંધીના વર્ણન પરથી જાણવા મળે છે કે કોંગ્રેસ સરકારે આ સમારોહની શરતો અંગે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો હતો. એવું કહેવાય છે કે VHP અને ભાજપે ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી એન.ડી. તિવારી અને કેન્દ્રીય ગૃહમંત્રી બુટા સિંહને ખાતરી આપી હતી કે આ કાર્યક્રમ વિવાદાસ્પદ વિસ્તારની બહાર, નજીકની જમીન પર યોજવામાં આવશે.
જોકે, સોનિયાના જણાવ્યા અનુસાર, આ સમજૂતીનું પાલન એવી રીતે ન કરવામાં આવ્યું, જેવી રીતે વચન આપવામાં આવ્યું હતું. તેમણે લખ્યું કે આ સમારોહ એવી જગ્યાએ યોજાયો હતો જે પ્રસ્તાવિત મંદિર સંકુલનો ભાગ બનવાની હતી અને જેની અસર મસ્જિદ પર પડશે તે નક્કી હતું.
શિલાન્યાસ અયોધ્યા સાથે જોડાયેલા જનઆંદોલનમાં વધુ એક નિર્ણાયક વળાંક સાબિત થયો. કોંગ્રેસ સરકારે વાતચીત દ્વારા વિવાદ ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મંદિર આંદોલને એટલી ઝડપ પકડી લીધી કે તે સરકારના નિયંત્રણની બહાર જતું રહ્યું. અને આ આંદોલન સાથે જોડાયેલા રાજકીય પ્રતીકોથી રાજીવ ગાંધી સંપૂર્ણપણે અલગ નહોતા.
1989ની સામાન્ય ચૂંટણીના પ્રચાર દરમિયાન, કોંગ્રેસ પક્ષે 'રામ રાજ્ય'ના વિચારને પોતાના રાજકીય સંદેશમાં સામેલ કરવાનો પ્રયાસ કર્યો. 'ઇન્ડિયા ટુડે' મેગેઝિનના એક લેખમાં, વરિષ્ઠ પત્રકાર માર્ક ટલીએ લખ્યું છે કે રાજીવ ગાંધીએ ફેઝાબાદમાં એક ભાષણ આપીને કોંગ્રેસના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી, જેમાં તેમણે રામ રાજ્યનો ઉલ્લેખ કર્યો હતો. આ પગલાનું મહત્ત્વ હતું કે કોંગ્રેસ રામ રાજ્યની રાજનીતિનો ઉપયોગ કરીને ભાજપ (BJP) અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)નો સામનો કરવાનો પ્રયાસ કરી રહી હતી. આ એવો સમયગાળો હતો જ્યારે VHP અને ભાજપ ભગવાન રામના જન્મસ્થળને કેન્દ્રમાં રાખીને પોતાનો રાજકીય આધાર તૈયાર કરી રહ્યા હતા.
જોકે સોનિયા ગાંધીએ તેમના પુસ્તકમાં આ બંને બાબતો વચ્ચે તફાવત દર્શાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ હકીકતમાં કોંગ્રેસ 'રામ મંદિર'ની રાજનીતિની સાથે-સાથે રામ રાજ્યની રાજનીતિનો પણ ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહી હતી. આ બંનેમાં જ ધાર્મિક પાસાં હતા. અયોધ્યાની રાજનીતિ પર ભાજપનો ક્યારેય એકહથ્થુ અધિકાર રહ્યો નથી. અયોધ્યા સાથે જોડાયેલી ઘટનાઓમાં કોંગ્રેસની ભૂમિકા સમય સમય પર રાજકીય બહેસોમાં સામે સામે આવતી રહી છે, ખાસ કરીને ત્યારે, જ્યારે ભાજપ પર રામ મંદિરનો સંપૂર્ણ શ્રેય લેવાનો આરોપ લગાવે છે.
નવેમ્બર 2023માં, મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલ નાથે અયોધ્યા સ્થિત સ્થળના તાળાં ખોલાવવામાં રાજીવ ગાંધીની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. ધ ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટર્વ્યૂમાં કમલ નાથે કહ્યું હતું કે, રાજીવ ગાંધીએ તાળાં ખોલાવ્યા હતા. આપણે ઇતિહાસ ભૂલવો ન જોઈએ.
તેમણે ભાજપ પર રામ મંદિરને પોતાની એકમાત્ર સિદ્ધિ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. આ પહેલાં, કર્ણાટકના કોંગ્રેસ નેતા બસવરાજ રાયરેડ્ડીએ પણ આવો જ તર્ક રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે રાજીવ ગાંધીએ જ અયોધ્યાના વિવાદાસ્પદ સ્થળે તાળાં ખોલાવીને ત્યાં પૂજા-પાઠ કરવાનો માર્ગ મોકળો કર્યો હતો.
આ દાવાઓ કોંગ્રેસના પોતાના ઇતિહાસમાં રહેલા રાજકીય વિરોધાભાસોને ઉજાગર કરે છે. કોંગ્રેસ પોતાને એ નિર્ણયોથી સંપૂર્ણપણે અલગ કરી શકતી નથી, જેમણે અયોધ્યામાં યથાસ્થિતિ બદલવામાં મદદ કરી હતી. સાથે જ, પાર્ટી એવો દાવો પણ ન કરી શકે કે રામ મંદિર આંદોલન શરૂઆતથી જ સંપૂર્ણપણે ભાજપની દેન હતી. પત્રકાર માર્ક ટલીએ 2012માં લખ્યું હતું કે, ધર્મ અને રાજનીતિનું મિશ્રણ કરવું એ આગ સાથે રમવા જેવું છે.
રાજીવ ગાંધીના 'રામ રાજ્ય'ના વિઝનનો સોનિયા ગાંધી ઉલ્લેખ કરવો એ સમયગાળાની યાદ અપાવે છે, જ્યારે કોંગ્રેસ પક્ષે ધાર્મિક પ્રતીકોનો ઉપયોગ કરીને ભાજપનો સામનો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આખરે તો કોંગ્રેસ એક એવા મુદ્દા પર ભાજપથી પાછળ રહી ગયેલી જોય છે, જેણે ભારતીય રાજકારણની તસવીર હંમેશા માટે બદલી નાખી.

