- Gujarat
- ‘પોલીસને મજૂર પકડવામાં રસ નથી કારણ કે તેની પાસે માલ ન મળે...’, AAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આવું કેમ...
‘પોલીસને મજૂર પકડવામાં રસ નથી કારણ કે તેની પાસે માલ ન મળે...’, AAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આવું કેમ બોલ્યા?
રાજકોટના કાલાવાડ રોડ સ્થિત જાણીતી સરાઝા હોટલમાં LCB દ્વારા પાડવામાં આવેલી દારૂ મહેફિલની રેડ બાદ સમગ્ર મામલે ભારે રાજકીય વિવાદ સર્જાયો છે. આ કેસમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) બંનેએ પોલીસની ભેદભાવભરી નીતિ અને રાજ્ય સરકારની કહેવાતી દારૂબંધી સામે સીધા પ્રહારો કર્યા છે. તો આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની પણ પ્રતિક્રિયા આવી છે.
ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, પોલીસને મજૂર પકડવામાં રસ નથી. કેમ કે મજૂર પાસેથી માલ ન મળે. માલ રૂપિયાવાળા દારૂ પીતા મળે તો જ મળે. હવે ગરીબ માણસો દારૂ પીતા પકડાય જાય, UP, બિહારથી કોઈ અહી લિંબાયતની અંદર કે રાજકોટની મેટોડા GIDC કે લોધિકામાં ગમે ત્યાં નોકરી કરતો હોય. અને રાત્રે દેશી દારૂને બે પોટલી પી જાય. અને પોલીસ એને પકડે તો ન તો એ મોઢું છુપાવે, ન તો મીડિયાથી ડરે, ન તો પૈસા આપે. એ તો ઊભો રહે કે હાં ભાઈ તમે જ્યાં લઈ જાઓ ત્યાં મને શું ફરક પડે છે.
તેમણે કહ્યું કે, પોલીસે સમાજના સંપન્ન વર્ગના લોકોને બદનામ કરીને તોડ કરવાની દુકાન ખોલી છે. અને આમાં ભાજપના નેતાઓ સામેલ છે. કેમ કે આટલી મોટી હોટલ હોય, તેની અંદર સમાજના ઉચ્ચ, આર્થિક વ્યવસ્થા ધરાવતા લોકો હોય, રાજકીય સંબંધો ધરાવતા લોકો બેઠા હોય, ત્યાં પોલીસની ઔકાત નથી કે રેડ કરે. રેડ પડે તેનો અર્થ થયો કે, રાજકીય હિસાબ સરભર કરવા અને તોડ કરવાના રેડ પડે છે. બાકી દારૂ જ પકડવો હોય તો સુરતના લિંબાયતમાં જોઈએ એટલો મળે છે. જેટલો જોઈએ એટલો, પોલીસને તેંકારમાં જોઈતો હશે કે પછી કઈ રીતે જોઈએ એટલો દારૂ મળે છે. બધે જ મળે છે.
AAPના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સામે સીધા સવાલો ઊભા કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર રહી ગઈ છે. ખુલ્લેઆમ આવી હાઇપ્રોફાઇલ પાર્ટીઓ ચાલે છે છતા દારૂ સપ્લાય કરનારા મોટા માથાઓ કેમ પકડાતા નથી? તેમણે આક્રોશ વ્યક્ત કરતાં માંગણી કરી હતી કે સામાન્ય પ્રજા અને શ્રીમંતો માટે કાયદો સમાન હોવો જોઈએ. પાર્ટીમાં ઝડપાયેલા તમામ આરોપીઓને જાહેરમાં ઉઠકબેઠક કરાવવી જોઈએ અને સામાન્ય ગુનેગારોની જેમ તેમના વરઘોડા કાઢીને કડક સબક શીખવાડવો જોઈએ.
સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે પોલીસની ભૂમિકાને શંકાસ્પદ ગણાવતા જણાવ્યું હતું કે, સરાઝા હોટલના બેન્કવેટ હોલમાં LCBએ રેડ પાડી ત્યારે આરોપીઓને જે રીતે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા અને બહાર કઢાયા તે અત્યંત આઘાતજનક છે. આરોપીઓના ચહેરા પર માસ્ક અને ખુરશીના કવર પહેરાવીને ઓળખ છુપાવવાનો પ્રયાસ કરાયો હતો. કોઈ નાનો માણસ રસ્તા પર ગાડીનો સ્ટન્ટ કરે તો પોલીસ તેને નીચે બેસાડી માફી મગાવતો વીડિયો વાયરલ કરી વાહવાહી લૂંટે છે, પરંતુ અહીં વગદાર બિલ્ડરો અને ઉદ્યોગપતિઓના ફોટા કે વીડિયો કેમ જાહેર કરાયા નથી? તેઓએ માગ કરી હતી કે બેન્કવેટ હોલ અને સિવિલ હોસ્પિટલમાં બ્લડ સેમ્પલ લેવાયા તે સમયના તમામ CCTV ફૂટેજ જાહેર કરવામાં આવે.
કોંગ્રેસ પ્રવક્તાએ સવાલો ઉઠાવ્યા હતા કે, શરૂઆતમાં ACP કક્ષાના અધિકારી એક પણ બોટલ ન હોવાનું કહે છે અને ત્યારબાદ DCP 11 બોટલ હોવાનું જણાવે છે. હોલમાં હાજર આશરે 100 જેટલા લોકો વચ્ચે માત્ર આટલી બોટલો જ બતાવવી તે સમગ્ર તપાસ પર શંકા ઉપજાવે છે. આ ઉપરાંત તમામ મહિલાઓના રિપોર્ટ નેગેટિવ દર્શાવવા, મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડીઓ મુદ્દામાલમાં ન દર્શાવવી અને સિવિલ હોસ્પિટલમાં સેમ્પલ નેગેટિવ કરાવવા મંત્રીઓ-સંતરીઓ તરફથી ભલામણો થતી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. નિયમ મુજબ કેફી પદાર્થોનું સેવન થતું હોય તેવી હોટલનું લાયસન્સ તાત્કાલિક રદ કરવું જોઈએ અને હોટલ માલિક સામે કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ.

