કેન્દ્રીય મંત્રીએ પોતાના પદ પરથી રાજીનામું કેમ આપી દીધું, PM મોદીને લેટર લખીને રાજ્યસભા પણ સભ્ય પદ છોડવાની મંજૂરી માંગી
રાજકારણની દુનિયામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય મંત્રી એલ. મુરુગને મંત્રી પરિષદમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને રાજ્ય કક્ષાના મંત્રી (MoS) તરીકેની જવાબદારીઓમાંથી મુક્ત કરવાની અને રાજ્યસભાનું સભ્ય પદ છોડવાની મંજૂરી માંગી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પોતાના રાજીનામાના પત્રમાં મુરુગને જણાવ્યું છે કે તેઓ તમિલનાડુમાં ભાજપને મજબૂત કરવા માટે પોતાનો સંપૂર્ણ સમય ફાળવવા માંગે છે. એલ. મુરુગને X પર પોસ્ટ કરતા કહ્યું કે, ‘માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત માતા અને તમિલનાડુની સેવા કરવી એ મારા જીવનનું સૌથી મોટું સન્માન રહ્યું છે. દહાડી મજૂરોના પુત્ર તરીકે શરૂઆત કરીને માનનીય વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રી પરિષદમાં સેવા કરવાની તક મળવી એ મારા માટે સૌથી મોટું સૌભાગ્ય રહ્યું છે. હવે, હું પાયાના સ્તરે પાછો ફરવા માંગું છું, પોતાના કાર્યકરો સાથે ઊભા રહેવા માંગુ છું અને 2029ની લોકસભા ચૂંટણી અગાઉ તમિલનાડુમાં ભાજપને મજબૂત કરવા માટે પોતાને સંપૂર્ણપણે સમર્પિત કરવા માંગુ છું. રાષ્ટ્ર સર્વોપરિ. પાર્ટી ત્યારબાદ. સ્વયં અંતમાં.’
https://twitter.com/DrLMurugan/status/2109979749582053586?s=20
એલ. મુરુગન, માહિતી અને પ્રસારણ તથા સંસદીય બાબતોના રાજ્ય મંત્રી તરીકે સેવા આપી રહ્યા હતા, પરંતુ તેમના રાજીનામાએ રાજકીય જગતને આશ્ચર્યચકિત કરી દીધું છે. હેરાનીની વાત એ પણ છે કે તેમણે રાજ્યસભાનું સભ્ય પદ છોડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મંજૂરી માંગી છે. ભાજપના આ નેતાનું કહેવું છે કે તેઓ હવે તમિલનાડુમાં પાયાના સ્તરની રાજનીતિમાં પાછા ફરવા અને 2029ની લોકસભા ચૂંટણી અગાઉ પાર્ટીને મજબૂત કરવા માંગે છે.
મુરુગને આ અગાઉ, કેન્દ્ર સરકારમાં તેમના કાર્યકાળ દરમિયાન, મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ સંબંધિત જવાબદારીઓ સંભાળી હતી. કેન્દ્રીય મંત્રી પરિષદમા સામેલ થતા પહેલા, તેમણે 2017 થી 2020 સુધી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ઉપાધ્યક્ષના રૂપમાં પણ કામ કર્યું. તેમણે ભાજપના તમિલનાડુ એકમના અધ્યક્ષ તરીકે પણ કામ કર્યું છે. આ અગાઉ કેરળમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો હતો અને અભિનેતા દેવને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

