- Politics
- ‘તમે BSPમાં જોડાઈ ગયા કે શું, સાંસદજી?’, BJP સાંસદ રવિ કિશન અને ભાજપના કોર્પોરેટર ફોન પર બાખડ્યા? વી...
‘તમે BSPમાં જોડાઈ ગયા કે શું, સાંસદજી?’, BJP સાંસદ રવિ કિશન અને ભાજપના કોર્પોરેટર ફોન પર બાખડ્યા? વીડિયો આવ્યો સામે
ભાજપના જાણીતા સાંસદ રવિ કિશન અને ગોરખપુરના કાઉન્સિલર વિશ્વજીત ત્રિપાઠી વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીત વાયરલ થઈ રહી છે. બંને વચ્ચે તાજેતરમાં થયેલા વરસાદ બાદ ગોરખપુરમાં ભરાયેલા પાણીની સમસ્યા અંગે વાતચીત કરી રહ્યા હતા. વાતચીત દરમિયાન, સાંસદે કાઉન્સિલરને પૂછ્યું કે સપામાં જોડાઈ ગયા કે શું. કાઉન્સિલરે વળતો પ્રશ્ન કર્યો કે, "સાંસદજી, શું તમે BSPમાં જોડાઈ ગયા છો? બંને વચ્ચે થયેલી આ વાતચીતની રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે અને સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ચાલો જાણીએ શું છે આ સમગ્ર મામલો.
વાસ્તવમાં, ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં છેલ્લા ત્રણ દિવસથી છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ અને ગલીઓ પાણીમાં ડૂબી ગયા છે અને ઘરો તથા દુકાનોમાં પાણી ઘૂસી ગયું છે. બેતિયાહાતા વોર્ડના કાઉન્સિલર વિશ્વજીત ત્રિપાઠીએ આ સમસ્યા અંગે વાત કરવા માટે ભાજપના સાંસદ રવિ કિશનને ફોન કર્યો હતો. જોકે, પાણી ભરાવાની સમસ્યા અંગેની વાતચીત જલ્દી જ રાજકીય વિવાદમાં ફેરવાઈ ગઈ; સાંસદે SPને લઇને સવાલ કર્યો, ત્યારે કાઉન્સિલરે પણ બસપા વિશે જ પ્રશ્ન પૂછીને જવાબ આપ્યો.
https://twitter.com/Benarasiyaa/status/2103861497785119114?s=20
વિશ્વજીત ત્રિપાઠીએ સાંસદ રવિ કિશનને કહ્યું કે શહેરમાં ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે રસ્તાઓ અને ગલીઓમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સમસ્યા વિશે સાંભળીને સાંસદ રવિ કિશને વિશ્વજીતને પૂછ્યું કે શું તેઓ સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા છે. તેના જવાબમાં વિશ્વજીત ત્રિપાઠીએ કહ્યું કે હું તમને પાણી ભરાવાની સમસ્યા વિશે જણાવી રહ્યો છું, તમે SPમાં જોડાવા વિશે પૂછી રહ્યા છો. ત્યારબાદ વિશ્વજીતે રવિ કિશન વળતો પ્રશ્ન કર્યો કે શું તેઓ માયાવતીની BSPમાં જોડાઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે વિશ્વજીત ત્રિપાઠી અગાઉ સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલા હતા અને SPની ટિકિટ પર કાઉન્સિલરની ચૂંટણી જીત્યા હતા, જોકે કાઉન્સિલર બન્યા બાદ તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. એવામાં, જ્યારે સાંસદ રવિ કિશને વાતચીત દરમિયાન SPનો ઉલ્લેખ કરીને ત્રિપાઠીની રાજકીય પૃષ્ઠભૂમિ પર કટાક્ષ કર્યો, ત્યારે ત્રિપાઠીએ BSPને લઇને વળતો પ્રશ્ન પૂછી લીધો. વિશ્વજીત સાથેની ફોન પરની વાતચીત બાદ, રવિ કિશને સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે ગોરખપુરમાં પાણી ભરાવાની સમસ્યાનું શક્ય તેટલી વહેલી તકે નિરાકરણ લાવવામાં આવશે; તેમણે એમ પણ ઉમેર્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમોએ ડ્રેનેજની કામગીરી શરૂ કરી દીધી છે.

