બિહારમાં MLC ચૂંટણીના 72 કલાકની અંદર જ ખેલ થઇ ગયો! જીતેલા MLC ભાજપમાં જોડાયા; RJDએ કાયદો યાદ અપાવ્યો
વિધાન પરિષદ (MLC) ચૂંટણીના પરિણામો બાદ બિહારમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. શનિવારે જ્યારે 2 નવા ચૂંટાયેલા અપક્ષ MLC ભાજપમાં જોડાયા, ત્યારે તણાવ વધી ગયો હતો. તિરહૂત સ્નાતક મતવિસ્તારમાંથી જીતેલા બંશીધર બ્રજવાસી અને સારણ શિક્ષક મતવિસ્તારમાંથી જીતેલા રાહુલ રાજે શનિવારે ભાજપમાં જોડાવાની જાહેરાત કરી. ત્યારબાદ વિપક્ષી દળો ગુસ્સે ભરાઇ ગયા છે. RJD અને જન સૂરાજ, બંનેએ આ મામલાને કોર્ટમાં લઈ જવાની ચીમકી આપી છે. વિરોધ પક્ષોએ ભાજપ પર જનાદેશની ચોરીનો આરોપ લગાવ્યો છે.
આ અગાઉ, બિહાર ભાજપના પ્રમુખ સંજય સરાવગીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ બંને નેતાઓના પક્ષમાં જોડાવાની માહિતી આપી હતી. આ બંને MLCએ ભાજપ કાર્યાલયમાં સભ્યપદની પરચીઓ લઇને તસવીરો પણ ખેંચાવી હતી. રવિવારે વિરોધ પક્ષોએ સત્તાધારી પક્ષ પર નિશાન સાધતા પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ બંને MLCને ગેરલાયક ઠેરવવાની માંગ કરી હતી અને કાનૂની લડાઈ લડવાની જાહેરાત કરી હતી.
https://twitter.com/TheNorthBeatIN/status/2116519151166726179?s=20
ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે યોજાયેલી ચૂંટણીમાં બંશીધર બ્રજવાસીએ સતત બીજી વખત તિરહૂત સ્નાતક બેઠક પર જીત મેળવી હતી. બીજી તરફ, સારણ શિક્ષક મતવિસ્તારની બેઠક જનતા દળ (યુનાઈટેડ)ને ફાળવવામાં આવતા, ભાજપના બળવાખોર નેતા રાહુલ રાજે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. પરિસ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે શનિવારે સાંજે આ બંને ભાજપના ધારાસભ્યોની બેઠકમાં પહોંચ્યા અને પક્ષમાં જોડાવાની જાહેરાત કરી.
https://twitter.com/Biharwale_dip04/status/2116584105383178407?a=tExDc9xYTvIsMJ4m1MY&s=20
વિરોધ પક્ષોએ આ પગલાને બંધારણની 10મી અનુસૂચિ એટલે કે પક્ષપલટા વિરોધી કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. આ નિયમો મુજબ, કોઈ પણ અપક્ષ MLC કોઈ રાજકીય પક્ષમાં જોડાઈ શકતા નથી; જો તેઓ આમ કરે, તો તેમનું સભ્યપદ રદ થઈ શકે છે. આ નિયમનો ઉલ્લેખ કરીને RJD અને જન સૂરાજે ચેતવણી આપી છે કે તેઓ આ મામલે કોર્ટના દ્વાર ખખડાવશે.
RJD નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે રવિવારે ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને બંશીધર વ્રજવાસી તથા રાહુલ રાજને ગેરલાયક ઠેરવવાની માંગ કરી. RJD નેતાએ કહ્યું કે, પક્ષપલટા વિરોધી કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ આ બંનેને ગેરલાયક ઠેરવવા જોઈએ. આ દરમિયાન તેમણે ભાજપ પર બંધારણનું મજાક બનાવવાનો આરોપ પણ લગાવ્યો. તેજસ્વીએ કહ્યું કે બંધારણની દસમી અનુસૂચિમાં સ્પષ્ટ જોગવાઈ છે કે, અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયેલા કોઈપણ સભ્ય જો ચૂંટણી પછી કોઈ રાજકીય પક્ષમાં જોડાય છે, તો તેમને ગૃહના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવશે. તો, રાજ્યસભાના સાંસદ અને RJDના રાષ્ટ્રીય પ્રવક્તા મનોજ કુમાર ઝાએ જણાવ્યું કે, આ મામલે પક્ષનું એક પ્રતિનિધિમંડળ સોમવારે રાજ્ય વિધાન પરિષદના સભાપતિને મળશે. આ ઉપરાંત, પક્ષ આ મુદ્દે ચૂંટણી પંચનો સંપર્ક કરશે.
બીજી તરફ, RJDના સહયોગી કોંગ્રેસે ભાજપના આ પગલાને પોતાના જ ગઠબંધન સાથી JDUની પીઠમાં છરો ભોંકવા સમાન ગણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, તિરહૂત સ્નાતક અને સારણ શિક્ષક મતવિસ્તારોમાં JDUને હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસના પ્રવક્તા અસિત નાથ તિવારીએ એક નિવેદનમાં કહ્યું કે, ભાજપ સતત INDIA ગઠબંધનને વિખરાયેલું ગઠબંધન ગણાવે છે; પરંતુ હવે સૌની સામે સ્પષ્ટ થઈ ગયું છે કે તેમણે પોતાના જ ગઠબંધન સાથીને હરાવવા માટે કેવી ષડયંત્ર રચ્યું હતું.
પ્રશાંત કિશોરના નેતૃત્વવાળી 'જન સૂરાજ' પાર્ટીએ પણ સત્તાધારી દળ પર તીખા પ્રહારો કર્યા છે. એક પત્રકાર પરિષદ દરમિયાન 'જન સૂરાજ'ના રાષ્ટ્રીય પ્રવક્તા કુમાર સૌરભે કહ્યું કે, આ ભારતની બંધારણીય લોકશાહીની અત્યાર સુધીની સૌથી ક્રૂર અને ખરાબ મજાક છે. વિધાન પરિષદની 8 બેઠકોની ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બાદ, જનતા વચ્ચે પોતાની છબી સુધારવા માટે ભાજપ દ્વારા કરવામાં આવેલો આ એક પ્રયાસ છે. સૌરભે ભાજપના કેટલાક નેતાઓના દાવાઓને પણ ફગાવી દીધા, જેમણે આ વિવાદને શાંત કરવા માટે એવું કહ્યું હતું કે, આ બંને અપક્ષ MLC પક્ષમાં જોડાયા નથી, પરંતુ માત્ર તેને સમર્થન આપ્યું છે.
જન સૂરાજના પ્રવક્તાએ જણાવ્યું કે, આ બંનેએ મીડિયા સમક્ષ જે નિવેદનો આપ્યા છે તેમાં કોઈ ગેરસમજની સંભાવના નથી. અમારી પાસે એવી તસવીરો પણ છે જેમાં પક્ષની સભ્યપદની સ્લિપ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ તસવીરો વિધાન પરિષદના સભાપતિ અને ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે પોતાના અનેક ચૂકાદાઓમાં સ્પષ્ટ કર્યું છે કે પક્ષપલટા વિરોધી કાયદાના આવા ઉલ્લંઘન અંગે ત્રણ મહિનાની અંદર કાર્યવાહી થવી જોઈએ. જો આ કિસ્સામાં તેમ નહીં થાય, તો અમે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવીશું.

