- Gujarat
- ‘વેસુ, VIP રોડની જેમ વરાછાનો વિકાસ નથી થતો..’, સુરત મનપાની સભામાં અન્યાય થતો હોવાનો ભાજપના જ કોર્પોર...
‘વેસુ, VIP રોડની જેમ વરાછાનો વિકાસ નથી થતો..’, સુરત મનપાની સભામાં અન્યાય થતો હોવાનો ભાજપના જ કોર્પોરેટરોનો આક્ષેપ
તાજેતરમાં મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભામાં ખુદ ભાજપના કોર્પોરેટરોએ જ અન્યાય થતો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વરાછા વિસ્તારના વિકાસને લઈને ભાજપના જ કોર્પોરેટરોએ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા હતા. વરાછામાં વિકાસનાં કામો પૂરતી ગતિએ થતાં ન હોવાનો આક્ષેપ કરીને કોર્પોરેટરોએ વિસ્તાર સાથે અન્યાય થતો હોવાની રજૂઆત કરી હતી.
ABP અસ્મિતાના અહેવાલ અનુસાર, વરાછા વિસ્તારમાં વિકાસના કામો ન થતા હોવાનો અને રસ્તાઓ પર બેફામ થતા દબાણને તાત્કાલિક દૂર કરવાની ભાજપ કોર્પોરેટરોએ રજૂઆત કરી હતી. વોર્ડ નંબર-4ના ભાજપના કોર્પોરેટર મહેશ કાકડીયા, અરવિંદ કાકડીયા, હંસા ગજેરા, સ્વાતિ પટેલ, હેતલ પટેલે વરાછા વિસ્તારમાં રોડ રસ્તા પર દબાણો મુદ્દે સામાન્ય સભામાં ઉગ્ર રજૂઆત કરી હતી. સાથે જ તેમણે વરાછાના વિકાસના પ્રશ્નો સામાન્ય સભામાં રજૂ કર્યા હતા. એટલુ જ નહીં, ભાજપના કોર્પોરેટરોએ આક્ષેપ કર્યો હતો જે રીતે વેસુ, VIP રોડ પર વિકાસ થાય છે, એવી રીતે વરાછા વિસ્તારમાં વિકાસ થતો નથી.
કોર્પોરેટરોએ વરાછા વિસ્તારમાં લાંબા સમયથી રોડ-રસ્તા, બ્રિજ સહિતની વિવિધ સમસ્યાઓ રજૂ કરવામાં આવતી હોવા છતા તેનો યોગ્ય ઉકેલ આવતો ન હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ લાવવા અને વિકાસનાં કામોને વેગ આપવા તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
ભાજપ કોર્પોરેટર ધર્મેશ ભાલાળાએ પાલિકામાં સ્ટાફની અછતથી આકરણી અને વેરા બાબતની કામગીરી ખાડે ગઈ હોવાનો સામાન્ય સભામાં મુદ્દો ઉઠાવ્યો હતો. પોતાના જ ઘરની આકરણી બાકી હોવાની અને વેરાબીલ ન આવતુ હોવાનો ધર્મેશ ભાલાળાએ આક્ષેપ લગાવ્યો હતો. સાથે જ તાત્કાલિક કોન્ટ્રાક્ટ બેઝ પર સ્ટાફની ભરતી કરવાની અને શહેરની તમામ મિલકતોની આકરણી કરવાની માંગ કરી હતી.
બીજી તરફ, ભાજપનાં કોર્પોરેટર કાવ્યા કથીરિયાએ શહેરના રોડ-રસ્તા પરનાં દબાણોનો મુદ્દો ઉઠાવ્યો હતો. રસ્તાઓ પરનાં દબાણોને કારણે લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે દબાણો હટાવવા અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
હોટલાઇન ન્યૂઝના અહેવાલ મુજબ, વોર્ડ નંબર 3ના કોર્પોરેટર કાવ્યા કથીરિયાએ રજૂઆત કરતાં જણાવ્યું કે વરાછા રોડ પર અનેક સ્થળોએ લારી અને પાથરણાંવાળાઓના દબાણને કારણે ટ્રાફિકનું ભારણ જોવા મળે છે. તેમના જણાવ્યા મુજબ, આ સમસ્યા અંગે અગાઉ પણ મનપા અને પોલીસ તંત્રને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી યોગ્ય નિરાકરણ આવ્યું નથી. આથી તેમણે સામાન્ય સભામાં ફરી આ મુદ્દો ઉઠાવી તંત્રને યોગ્ય કામગીરી કરીને સમસ્યાનો ઉકેલ લાવવા રજૂઆત કરી. નોંધનીય છે કે, સુરત મનપાની સામાન્ય સભામાં વિપક્ષને બદલે સત્તાધારી ભાજપના જ કોર્પોરેટરોએ વરાછાના વિકાસ અંગે સવાલો ઉઠાવતાં આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે.
ગુજરાત ફર્સ્ટના અહેવાલ મુજબ, આ ઉપરાંત મહાનગરપાલિકાની તાજેતરમાં મળેલી સાધારણ સભામાં ભાજપના કોર્પોરેટર વ્રજેશ ઉનડકટે શહેરના રમતગમતના વિકાસનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સભામાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સુરતનો વિકાસ ચારેય તરફ ઝડપથી થઈ રહ્યો છે. શહેરને તમામ ક્ષેત્રે અગ્રણી બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે રમતગમતના ક્ષેત્રમાં પણ સુરત પાછળ ન રહેવું જોઈએ. સુરતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ યોજી શકાય તેવી માળખાકીય સુવિધાઓ તાત્કાલિક ધોરણે તૈયાર કરવી જોઈએ.
વ્રજેશ ઉનડકટે સભામાં જણાવ્યું કે રાષ્ટ્રીય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધાઓમાં સુરતના તરવૈયાઓએ અનેક મેડલ જીત્યા છે. આ તેજસ્વી ખેલાડીઓએ દેશભરમાં સુરત શહેરનું નામ રોશન કર્યું છે. આટલી મોટી સિદ્ધિઓ હાંસલ કરી હોવા છતા સુરત શહેરમાં રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓનું આયોજન કરી શકાય તેવા સુસજ્જ સ્વિમિંગ પૂલ નથી. યોગ્ય વ્યવસ્થાના અભાવને કારણે આપણા પ્રતિભાશાળી ખેલાડીઓને મોટો અન્યાય થઈ રહ્યો છે. શહેરમાં 50 મીટર લંબાઈ ધરાવતા ઓલિમ્પિક કદના સ્વિમિંગ પૂલ બનવા ખૂબ જરૂરી છે.
આ સમગ્ર મામલે કોર્પોરેટર વ્રજેશ ઉનડકટે અગાઉ મુખ્યમંત્રી સમક્ષ પણ વિગતવાર રજૂઆત કરી હતી. રાજ્ય સરકારે આ વિષયને ગંભીરતાથી ધ્યાને લીધો હતો. આ બાબતને ધ્યાનમાં રાખીને તેમણે પાલિકા શાસકોને ફરી એકવાર સામાન્ય સભામાં ટકોર કરી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે પાલિકા તંત્ર અને રાજ્ય સરકાર સંકલન સાધીને ત્વરિત જમીનની ફાળવણી કરે. બજેટમાં પૂરતી જોગવાઈ કરીને સુરતને આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમની ભેટ આપે, જેથી સુરત વૈશ્વિક નકશા પર સ્પોર્ટ્સ સિટી તરીકે ઉભરી શકે.

