- Gujarat
- પટેલ-વાણિયા-બ્રાહ્મણોને શંકરસિંહે એવું શું કહ્યું કે બધા બાપુ પર બગડ્યા, બધાની એક માંગ માફી માંગો
પટેલ-વાણિયા-બ્રાહ્મણોને શંકરસિંહે એવું શું કહ્યું કે બધા બાપુ પર બગડ્યા, બધાની એક માંગ માફી માંગો
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલની જમીનના ખેડાણ મુદ્દે ખેડૂતો અને વન વિભાગ વચ્ચે ચાલી રહેલો વિવાદ ફરી વકર્યો છે. આ વિવાદ સંદર્ભે ગાંધી જયંતીના અવસરે સાગબારાના ખોપી ગામે એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિત ચાવડા, પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ તથા BTPના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા સહિતના અગ્રણી રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ એક એવું નિવેદન આપી દીધું કે જેને કારણે વિવાદ ઉભો થઇ ગયો છે.
તેમણે કહ્યું કે, 'અનામત કોઈ મહેરબાની કરીને નથી આપેલી, આખી જિંદગી ભોગવ્યું છે. હું બધાને કહું તમારે જો મેલું ઉપાડવાવાળી નોકરી કરવી હોય, તમે પટેલ-વાણિયા-બ્રાહ્મણ કોઈપણ હોય જે આના વિરોધી હોવ, તો મેલું ઉપાડવા માટે મહિને 50 હજાર પગાર હું તમને આપું, તમે આ લોકોનું મેલું ઉપાડો'.
નર્મદામાં સાગબારાના ખોપીમાં વન અધિકાર સત્યાગ્રહમાં 2 ઓક્ટોબરે શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, જંગલ જમીનના સાચા માલિક આદિવાસીઓ છે. આદિવાસીઓએ આંદોલનના માર્ગે સમય વેડફવાને બદલે સરકારને બદલી નાખવી જોઈએ. ખેડૂતોના આગેવાનોએ આગામી દિવસોમાં બળદગાડા સાથે ગાંધીનગર પહોંચીને સરકાર સામે આંદોલન કરવું જોઈએ. આ સરકાર નકામી છે તો એને બદલી કાઢો. અમે અલગ ભીલિસ્તાન રાજ્યનું સમર્થન જાહેર કરીએ છીએ. આદિવાસીઓ અલગ ભીલિસ્તાન બનાવે એમાં મારું પૂરે પૂરું સમર્થન છે. આખી દુનિયાને ખબર છે કે સૌથી દુઃખી સમાજ આદિવાસી સમાજ છે. દિલ્હી અને ગાંધીનગરમાં બેઠેલા લોકો અનામતના દુશ્મન છે.
બાપુના આ નિવેદનથી ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. બ્રહ્મ સમાજના અગ્રણી અને ભાજપના નેતા યજ્ઞેશ દવે અને પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયાએ વિરોધ કર્યો અને બાપુ માફી માંગે તેવી માગ કરી છે. ભાજપના પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ બાપુના નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢતા કહ્યું કે, તેમની ઉંમર અને પરિપક્વતાની તદ્દન વિરુદ્ધ છે. જ્ઞાતિ-જાતિ વચ્ચે વેરઝેર ફેલાવતી અને રૂપિયા 50,000 આપીને મેલું ઉપાડવાની વાતો માત્ર કોઈ ચોક્કસ વર્ગને ખુશ કરવા માટે જ કરાઈ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા નેતાને આવા નિવેદનો માટે શરમ આવવી જોઈએ અને રાજનેતાઓએ આવી ખુશામતખોરીથી દૂર રહેવું જોઈએ.
અલ્પેશ કથીરિયાએ સ્પષ્ટ માંગણી કરી છે કે શંકરસિંહ વાઘેલાએ પોતાના નિવેદન અંગે માફી માંગવી જ જોઈએ. મોટા મંચ પરથી આવી વાહિયાત વાતો કરવાથી સમાજના લોકોની લાગણીઓ દુભાય છે, અને આ કોઈ એવી સામાન્ય વાત નથી જેને લોકો હસીને કાઢી મૂકે. સ્પષ્ટતા અને માફીની માંગ કરતા તેમણે વધુમાં કહ્યું કે, વડીલોએ આવા નિવેદનોથી બચવું જોઈએ અને તેમની ઉંમર પ્રમાણે અથવા તો તેમણે મૌન રહેવું જોઈએ અથવા તો ન બોલવું જોઈએ.
તો યજ્ઞેશ દવેએ કહ્યું કે, મારે બાપુને એ કહેવાનું છે કે શંકરસિંહ બાપુ આવા શુભ કાર્યોની શરૂઆત તમે તમારા પોતાના જાતથી જ કરો. તમે મારા ઘરનું મેલું ઉપાડો હું પાંચ લાખ રૂપિયા દર મહિને તમને આપીશ. શંકરસિંહ વાઘેલા શરૂઆતથી જ વિવાદિત નિવેદનો અને કાર્યો કરવા માટે ટેવાયેલા છે. ભારતમાં માથે મેલું ઉપાડવાની પ્રથા વર્ષો પહેલા જ નાબૂદ થઈ ચૂકી છે. જે સમાજ આ કામ કરતો હતો તેમને સન્માનભેર જીવવા અગાઉની અને વર્તમાન સરકારોએ અનેક કાર્યો કર્યા છે. ત્યારે માત્ર રાજકીય માઈલેજ લેવા કોમ-કોમ કે ધર્મ વચ્ચે વૈમનસ્ય ફેલાવવું તદ્દન અયોગ્ય છે. બાપુએ કંઈ પણ બોલતા પહેલા વિચાર કરવો જોઈએ કે રાજકીય લાભ ખાતર સમાજને ન છંછેડાય.
યજ્ઞેશ દવેએ સવાલ ઉઠાવ્યો કે, માત્ર ત્રણ સમાજ-પાટીદાર, બ્રાહ્મણ અને વાણિયા સમાજને જ કેમ ટાર્ગેટ કર્યા? તેઓ પોતે ક્ષત્રિય છે અને સવર્ણ સમાજમાંથી જ આવે છે, તો તેમણે પોતાના સમાજનું નામ કેમ ન લીધું? આ બધું દર્શાવે છે કે તેઓ માત્ર વિવાદ ઊભો કરવા માંગે છે. બ્રહ્મ સમાજ કે અન્ય કોઈ સમાજને આવી રીતે ટાર્ગેટ કરવામાં આવશે, તો બ્રહ્મ સમાજ તે સાંખી લેશે નહીં.
સુરત સ્થિત જૈન-વાણિયા સમાજમાં પણ શંકરસિંહ વાઘેલા સામે ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે. સુરતના અગ્રણી અને જૈન સમાજના નેતા નિરવ શાહે બાપુના આ નિવેદનને આકરા શબ્દોમાં વખોડી કાઢતાં જણાવ્યું છે કે, આ પ્રકારની હલકી કક્ષાની વાતોથી બાપુએ પોતાનું તમામ સામાજિક માન-સન્માન ગુમાવી દીધું છે.
જૈન અગ્રણી નિરવ શાહે પોતાના નિવેદનમાં આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, શંકરસિંહ વાઘેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, આવા ઉચ્ચ અને બંધારણીય પદ પર રહી ચૂકેલી વ્યક્તિ આટલું હલકું નિવેદન આપે તે અત્યંત શરમજનક છે. બાપુ અત્યાર સુધી સમગ્ર ગુજરાત માટે સન્માનનીય હતા, પરંતુ જૈન, બ્રાહ્મણ અને પટેલ સમાજની લાગણી દુભાવીને તેમણે પોતાની પ્રતિષ્ઠા ધૂળધાણી કરી નાખી છે. દરેક સમાજ પોતાના પરિશ્રમ અને સંસ્કાર પ્રમાણે કાર્ય કરે છે અને દરેક વર્ગ પ્રત્યે સૌને આદર છે. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં આદિવાસી સમાજ પ્રત્યે તમામ સમાજોને પહેલેથી જ અપાર સ્નેહ, આદર અને લાગણી છે. આ સંજોગોમાં વર્ગવિગ્રહ કરાવવા અને ભાઈચારો તોડવા માટે જ આવા ઉશ્કેરણીજનક નિવેદનો આપવામાં આવી રહ્યા છે.
નિરવ શાહે પૂર્વ મુખ્યમંત્રીને વિનમ્રતાપૂર્વક સ્પષ્ટ ચેતવણી આપતાં જણાવ્યું છે કે, અમે બાપુને હજુ પણ વિનમ્રતાથી સમજાવીએ છીએ કે તેઓ પરિસ્થિતિ વણસે તે પહેલાં ત્રણેય સમાજની બિનશરતી માફી માંગી લે. જો આ નિવેદનથી રોષે ભરાયેલા જૈન, પટેલ અને બ્રાહ્મણ સમાજ એક થઈને રસ્તા પર ઊતરી આવ્યા, તો સમગ્ર ગુજરાતમાં એક એવું પ્રચંડ આંદોલન સર્જાશે જેને સંભાળવું મુશ્કેલ બની જશે."સુરતમાં જૈન સમાજ દ્વારા અપાયેલી આ કડક ચેતવણીથી સ્પષ્ટ થઈ ગયું છે કે શંકરસિંહ વાઘેલાની મુશ્કેલીઓ હવે માત્ર રાજકોટ કે સૌરાષ્ટ્ર પૂરતી સીમિત ન રહેતાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ વધી ગઈ છે.
શંકરસિંહ વાઘેલાના આ નિવેદન સામે રાજકોટ સહિત સમગ્ર રાજ્યના બ્રહ્મ સમાજ અને કર્મકાંડી ભૂદેવોએ સખત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજે બાપુને સીધી ચેલેન્જ ફેંકતા કહ્યું છે કે, જો બાપુ પોતે મેલું ઉપાડે તો અમે તેમને રોજના ₹1 લાખ આપવા તૈયાર છીએ. બાપુએ આવા કોઈ કહેવાતા 'શુભ કામ'ની શરૂઆત પોતાનાથી જ કરવી જોઈએ, અન્ય સુસંસ્કૃત સમાજને આવી વાહિયાત સલાહો આપવાનું બંધ કરે.અગ્રણીઓએ આક્ષેપ કર્યો કે આજના આધુનિક યુગમાં આવી કોઈ વર્ણ વ્યવસ્થા રહી નથી, તેમ છતાં ચૂંટણીઓ નજીક આવતાં જ બાપુ માત્ર લાઇમલાઇટમાં રહેવા અને સસ્તી નકારાત્મક પબ્લિસિટી મેળવવા આવા જ્ઞાતિવાદી ઝેર ઓકીને વર્ગવિગ્રહ કરાવવાનો હીન પ્રયાસ કરી રહ્યા છે.
રાજકોટ ખાતે એકઠા થયેલા બ્રહ્મ સમાજના આગેવાન હિરેન જોશીએ આકરા તેવર બતાવતા જણાવ્યું હતું કે, આ નિવેદન પૂર્વ મુખ્યમંત્રીની વિકૃત માનસિકતા છતી કરે છે. શંકરસિંહ વાઘેલાએ આ નિવેદન તાત્કાલિક બિનશરતી પરત ખેંચીને જાહેર માફી માંગવી પડશે. જો તેઓ માફી નહીં માંગે તો બ્રહ્મ સમાજ, પાટીદાર સમાજ અને વાણિયા સમાજના તમામ અગ્રણીઓ સાથે મળીને સંયુક્ત બેઠક યોજશે અને રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
શું છે સમગ્ર જમીન વિવાદ?
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના આદિવાસીઓ અને સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના સ્થાનિક આદિવાસીઓ વચ્ચે જંગલની જમીન પર કબજા અને ખેડાણને લઈને લાંબા સમયથી ઘર્ષણ ચાલી રહ્યું છે. સાગબારા તાલુકાના આશરે 12 જેટલા ગામોના ઉકાઈ ડેમ અસરગ્રસ્ત ખેડૂતોને ઉમરપાડા વિસ્તારમાં ખેતી માટે જમીન ફાળવવામાં આવી હતી. સાગબારાના ખેડૂતો છેલ્લાં 20 વર્ષથી ઉમરપાડામાં આ જમીન પર ખેતી કરતા આવ્યા છે, પરંતુ છેલ્લાં 2 વર્ષથી બંને તાલુકાના ખેડૂતો વચ્ચે ખેડાણ મુદ્દે વિવાદ વધી ગયો છે.

