- Gujarat
- ગુજરાત ભાડા વિધેયક 2026ના વિરોધમાં આખા ગુજરાતના વકીલો 5 ઓક્ટોબરથી હડતાળ પર જશે
ગુજરાત ભાડા વિધેયક 2026ના વિરોધમાં આખા ગુજરાતના વકીલો 5 ઓક્ટોબરથી હડતાળ પર જશે
ગુજરાત સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા 'ગુજરાત ભાડા વિધેયક, 2026' (Gujarat Rent Bill, 2026) સામે સમગ્ર રાજ્યના વકીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભાડા વિવાદોના નિકાલ માટેની સત્તા સ્મોલ કોઝ કોર્ટ (જુડિશીયલ ઓથોરિટી) પાસેથી આંચકીને એડિશનલ કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટર જેવા એડમિનિસ્ટ્રેટીવ ઓથોરિટીને સોંપવાના નિર્ણય સામે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા મહત્ત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે તાત્કાલિક વર્ચ્યુઅલ અસાધારણ જનરલ બોર્ડ મીટિંગ યોજીને 5 ઓક્ટોબર 2026 (સોમવાર)થી રાજ્યની તમામ કોર્ટો, ટ્રિબ્યુનલો, ન્યાયિક-અર્ધન્યાયિક ઓથોરિટીઓ અને રેવન્યુ કચેરીઓના કામકાજથી અળગા રહી વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાનો સર્વાનુમતે નિર્ણય કર્યો છે.

મુખ્ય મુદ્દાઓ અને વિરોધનું કારણ:
- સત્તાની છીનવાઈ: નવા વિધેયક મુજબ ભાડા તકરારોના નિવારણની સત્તા જુડિશીયલ ઓથોરિટી પાસેથી લઈને એડમિનિસ્ટ્રેટીવ વિભાગને આપવામાં આવી છે, જેનાથી વકીલો, પક્ષકારો અને સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવી પડે તેમ છે.
- ન્યાયિક પ્રક્રિયા પર અસર: એડમિનિસ્ટ્રેટીવ અધિકારીઓ પાસે સમયનો અભાવ હોવો, પુરાવાઓ લેવા અને તેનું યોગ્ય મૂલ્યાંકન કરવાની ક્ષમતા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.
- 5 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળ: જ્યાં સુધી વિધેયકની વિવાદિત જોગવાઈઓ અંગે સંતોષજનક ઉકેલ ન આવે ત્યાં સુધી સમગ્ર ગુજરાતના તમામ વકીલ મંડળો કોર્ટ કામકાજથી સંપૂર્ણપણે અળગા રહેશે.
- સરકાર સમક્ષ રજૂઆત: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન શ્રી પી.ડી. પટેલ સાહેબની આગેવાની હેઠળ એક પ્રતિનિધિમંડળ માનનીય મુખ્યમંત્રીશ્રી તથા કાયદા મંત્રીશ્રી પાસે સમય માંગીને આ જોગવાઈઓમાં સુધારો કરવા અને સત્તાઓ પુનઃ જુડિશીયલ ઓથોરિટીને સોંપવા તાકીદે રજૂઆત કરશે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે સ્પષ્ટ કર્યું છે કે તે વકીલો અને અસીલોના હિતમાં તેમની સાથે મક્કમતાથી ઊભું છે. જ્યાં સુધી કાયદાકીય જોગવાઈઓમાં યોગ્ય સુધારો કરવામાં નહીં આવે ત્યાં સુધી આ વિરોધ પ્રદર્શન અને હડતાળ યથાવત રહેશે.

