- Politics
- કોણ છે યાકુબ જેના પર MLA જિગ્નેશ મેવાણી કડક કાર્યવાહીની માંગ કરી
કોણ છે યાકુબ જેના પર MLA જિગ્નેશ મેવાણી કડક કાર્યવાહીની માંગ કરી
વડગામના કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ સરકાર અને સ્થાનિક નેતાગીરી સામે આકરા પ્રહારો કર્યા હતા. મેવાણીએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ દ્વારા લાંબા સમયથી તેમની છબી ખરડવાના અને ચરિત્રહનનના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ નાણાકીય વ્યવહારો કે ચરિત્ર અંગે અનેક તપાસો છતાં તેમની સામે કશુંય સાબિત થઈ શક્યું નથી.
તાજેતરમાં બનાસકાંઠાના ધવલ દવે નામના વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા પર તેમની બહેન વિશે કરવામાં આવેલી કથિત વાંધાજનક પોસ્ટનો મુદ્દો ઉઠાવતા મેવાણીએ આકરી નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, રાજકારણમાં વૈચારિક વિરોધ હોઈ શકે, પરંતુ તેની પણ એક મર્યાદા અને ગરિમા હોવી જોઈએ. ચૂંટાયેલા જનપ્રતિનિધિના માતા કે બહેન વિશે આવી હલકી કક્ષાની ટિપ્પણીઓ સાંખી લેવાય નહીં. મેવાણીએ દાવો કર્યો હતો કે આ પ્રકારનું કૃત્ય ભાજપ સમર્થકો દ્વારા કરવામાં આવ્યું છે, જેનાથી સમગ્ર દલિત સમાજ, કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. તેમણે રાજ્યના વડા પાસે આ મામલે તાત્કાલિક ધોરણે ફોજદારી ગુનો દાખલ કરાવવાની માંગ કરી છે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મેવાણીએ આસામમાં તેમની સામે થયેલા અગાઉના કેસનો ઉલ્લેખ કરતા તેને તદ્દન ખોટો અને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે બુટલેગરો અને દારૂના કાળા કારોબાર સામે પગલાં લેવાને બદલે શાસક પક્ષે તેમની સામે કાર્યવાહી કરી હતી. તેમણે ઉમેર્યું કે ભાજપ હાલમાં વિપક્ષને હરીફ માનવાને બદલે 'શત્રુ' સમજીને રાજકારણના નિમ્ન સ્તરે ઉતરી આવ્યું છે.
આ સાથે જ વડગામ વિસ્તારમાં બનેલા એક કથિત જમીન કૌભાંડનો મુદ્દો ઉઠાવતા મેવાણીએ યાકુબ નામના વ્યક્તિ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. તેમણે જણાવ્યું કે, ગરીબ લોકોને પ્લોટ અપાવવાની લાલચ આપીને 100થી વધુ લોકો પાસેથી રૂ. 25-25 હજાર ઉઘરાવી લેવાયા હતા. આ અંગે કલેક્ટર અને જિલ્લા અધિકારીઓ મારફતે તપાસ કરાવતા જાણવા મળ્યું કે ભરાયેલા 132 ફોર્મમાંથી 10 આદિવાસીઓ સિવાય એક પણ ફોર્મ ગ્રાહ્ય રાખવામાં આવ્યું નહોતું. મેવાણીએ સવાલ ઉઠાવ્યો હતો કે આટલી મોટી છેતરપિંડી થઈ હોવા છતાં બનાસકાંઠા પોલીસ યાકુબ સામે કેમ ફરિયાદ નોંધતી નથી?
પાટણ અને પાલનપુરમાં પણ યાકુબ સામે આવી જ ફરિયાદો થઈ હોવાનો ઉલ્લેખ કરી મેવાણીએ માંગ કરી કે આ સમગ્ર કૌભાંડમાં ભાજપના કયા નેતાઓ કે મળતિયાઓ સંકળાયેલા છે તેની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. તેમણે આક્ષેપ કર્યો કે ધવલ દવે અને ભાજપના ઈશારે વડગામમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે તણાવ અને વર્ગવિગ્રહ ઊભો કરવાનો કારસો રચાઈ રહ્યો છે. મેવાણીએ ચીમકી આપી હતી કે જો 48 કલાકમાં આ મામલે સંડોવાયેલા ગુનેગારોને જેલમાં નહીં ધકેલવામાં આવે તો આંદોલન કરાશે. સાથોસાથ તેમણે જાહેરાત કરી કે આવતીકાલે સાંજે 4 વાગ્યે રાજ્યના તમામ જિલ્લાઓમાં ધવલ દવે સામે કોંગ્રેસ દ્વારા ફોજદારી ફરિયાદો દાખલ કરવામાં આવશે.
આ પ્રેસ કોન્ફરન્સમાં હાજર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પણ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જિગ્નેશ મેવાણીને નિશાન બનાવીને તેમને અટકાવવાનું એક સુઆયોજિત ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. મેવાણી હંમેશાં ધર્મ કે જ્ઞાતિ જોયા વિના પીડિતો અને ગરીબોના અવાજ બન્યા છે.
ગ્યાસુદ્દીન શેખે દલિત અને મુસ્લિમ સમાજને અપીલ કરતા કહ્યું કે, કોઈના ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિ જાળવી રાખો. સમાજમાં વૈમનસ્ય ફેલાવવાના અને હિન્દુ-મુસ્લિમોને સામસામે લાવી દેવાના પ્રયાસોથી સાવચેત રહેવું જરૂરી છે. તેમણે લોકોને સોશિયલ મીડિયા પર વાતાવરણ ડોહળાય તેવી પોસ્ટ ન મૂકવા વિનંતી કરી હતી અને ઉમેર્યું હતું કે ચૂંટણીઓ તો આવતી-જતી રહેશે, પરંતુ ગુજરાતમાં શાંતિ, એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે સૌથી વધુ મહત્વનું છે.

