- Politics
- 'નીતિશ સેતુ' પર RJDના કાર્યકરોનો હોબાળો, ઉદ્ઘાટન બાદ ફાડી નાખ્યા પોસ્ટર-બેનર
'નીતિશ સેતુ' પર RJDના કાર્યકરોનો હોબાળો, ઉદ્ઘાટન બાદ ફાડી નાખ્યા પોસ્ટર-બેનર
બિહારના વૈશાલીમાં 'નીતિશ સેતુ'ના ઉદ્ઘાટન બાદ RJD કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય અતિથિઓ જતા જ કાર્યકરોએ પુલ પર બબાલ શરૂ કરી દીધી. તેમણે નીતિશ સેતુ અને ભાજપના પોસ્ટરો તથા બેનરો ફાડી નાખ્યા અને વિરોધ પ્રદર્શન કર્યું. શનિવારે, RJD નેતા તેજસ્વી યાદવે વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું.

વીડિયોમાં RJD કાર્યકરો તેજસ્વી યાદવ જિંદાબાદ અને લાલુ યાદવ જિંદાબાદના નારા લગાવતા જોઈ શકાય છે. તેમણે પુલ પર પક્ષના ઝંડા પણ લહેરાવ્યા હતા. ફૂટેજમાં RJD કાર્યકરો ભાજપના ઝંડાને પગ નીચે કચડતા પણ જોવા મળે છે. શનિવારે વડાપ્રધાન મોદીના ગયા પછી આ પુલને જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પુલ ખૂલતાની સાથે જ RJD કાર્યકરો ત્યાં પહોંચી ગયા અને હોબાળો મચાવ્યો.

RJD નેતા તેજસ્વી યાદવે પણ નીતિશ સેતુના મુદ્દે ભાજપ પર નિશાન સાધ્યું હતું. ભાજપ પર કટાક્ષ કરતા તેજસ્વીએ કહ્યું કે, આ પુલનું નામ શીખ ધર્મના દસમા ગુરુ અને ખાલસા પંથના સ્થાપક ગુરુ ગોવિંદ સિંહ મહારાજના નામ પર રાખવું જોઈતું હતું, પરંતુ રાજકીય હેતુઓથી પ્રેરાઈને ભાજપ સરકારે આમ થવા ન દીધું. તેજસ્વીએ આને ભાજપની સંકુચિત માનસિકતાનું ઉદાહરણ ગણાવ્યું.

આ મુદ્દે આમ આદમી પાર્ટી (AAP) પણ હુમલાવર છે. પંજાબ સરકારના મંત્રી હરપાલ સિંહ ચીમાએ કહ્યું કે, જો બિહાર સરકાર નીતિશ કુમારનું સન્માન કરવા માંગતી હતી, તો તેના માટે અન્ય રસ્તાઓ પણ હતા. આ પુલનું નામ ગુરુ ગોવિંદ સિંહ જીના નામ પર રાખવાનું નક્કી હતું, પરંતુ તેને બદલી નાખવામાં આવ્યું. તેમણે આને દુ:ખદ ગણાવતા કહ્યું હતું કે, આ કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી.

