- Gujarat
- ગુજરાતી સાહિત્ય જગતમાંથી દુઃખદ સમાચાર, કવિ, ગઝલકાર અને વિવેચક રાજેન્દ્ર શુક્લએ 84 વર્ષની વયે લીધી વિ...
ગુજરાતી સાહિત્ય જગતમાંથી દુઃખદ સમાચાર, કવિ, ગઝલકાર અને વિવેચક રાજેન્દ્ર શુક્લએ 84 વર્ષની વયે લીધી વિદાય
ગુજરાતી સાહિત્ય જગતમાંથી અત્યંત દુઃખદ સમાચાર આવ્યા છે. જાણીતા કવિ, ગઝલકાર અને વિવેચક રાજેન્દ્ર શુક્લ હવે આપણી વચ્ચે નથી રહ્યા. રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે આજે (22 નવેમ્બર) વહેલી સવારે નિધન થયું. છેલ્લા બે-ત્રણ દિવસથી હાર્ટને લઈને અમદાવાદની હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. આ સારવાર દરમિયાન જ કવિ રાજેન્દ્ર શુક્લએ છેલ્લા શ્વાસ લીધા હતા. તેમના નિધનથી ગુજરાતી સાહિત્ય જગતમાં શોકની લાગણી પ્રસરી છે. તેમની અંતિમયાત્રા આજે સાંજે 6 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી થલતેજ સ્મશાનગૃહ સુધી નીકળશે.

રાજેન્દ્ર અનંતરાય શુક્લનો જન્મ 12 ઓક્ટોબર 1942માં જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામે થયો હતો. આધુનિક ગુજરાતી સાહિત્યના એક અત્યંત પ્રતિષ્ઠિત કવિ, ગઝલકાર અને વિવેચક હતા. ગુજરાતી સાહિત્યમાં તેમના અવિસ્મરણીય યોગદાન બદલ તેમને લગભગ તમામ પ્રતિષ્ઠિત સન્માનો પ્રાપ્ત થયા છે. જેમાં 2006માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને નરસિંહ મહેતા એવોર્ડ, તેમજ 2007માં તેમના ગ્રંથ ‘ગઝલસંહિતા’ માટે રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમને નર્મદ સુવર્ણચંદ્રક (2008), વલી ગુજરાતી ગઝલ એવોર્ડ (2009), કવિ ન્હાનાલાલ પારિતોષિક અને ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક જેવા અનેક મહત્ત્વપૂર્ણ પુરસ્કારોથી પણ નવાજવામાં આવ્યા હતા.
રાજેન્દ્ર શુક્લએ અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કોલેજ અને ગુજરાત યુનિવર્સિટીમાંથી સંસ્કૃત અને પ્રાકૃત વિષયો સાથે અનુસ્નાતકની પદવી મેળવી હતી. 1982 સુધી વિવિધ કૉલેજોમાં અધ્યાપન કાર્ય કર્યા બાદ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને પૂર્ણપણે કાવ્ય સર્જન તથા પોતાના સંતાનોને ઘરે જ શિક્ષણ (હોમ-સ્કૂલિંગ) આપવાના નવતર પ્રયોગમાં સમય ફાળવ્યો હતો. તેમના પત્ની નયના જાની પણ એક જાણીતા ગુજરાતી કવિયત્રી છે. તેમના સર્જન પર ગિરનારની તળેટી અને આદ્યકવિ નરસિંહ મહેતાની કવિતાઓનો ઊંડો પ્રભાવ રહ્યો.

ગુજરાતી ગઝલમાં સંસ્કૃત અને તળપદી ભાષાના અનોખા સમન્વય તેમજ આધ્યાત્મિક ઊંડાણ માટે રાજેન્દ્ર શુક્લ વિશેષ જાણીતા હતા. તેમણે ગઝલ ઉપરાંત ગીત, છંદોબદ્ધ કાવ્યો અને અછાંદસ રચનાઓમાં પણ નોંધપાત્ર પ્રદાન કર્યું, જેમાં ભારતીય તત્વજ્ઞાન, સંગીત અને સૂક્ષ્મ સંવેદનાઓની ઝલક જોવા મળી છે. તેમના મુખ્ય કાવ્યસંગ્રહોમાં પ્રથમ પુરસ્કૃત સંગ્રહ ‘કોમલ રિષભ’ (1970), દીર્ઘકાવ્ય ‘સ્વવાચકની શોધ’ (1972) અને લોકપ્રિય સંગ્રહ ‘અંતર ગાંધાર’ (1981)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેમની 30 વર્ષની ગઝલયાત્રાને સમાવતો પાંચ ભાગનો બૃહદ ગ્રંથ ‘ગઝલસંહિતા’ (2005) ગુજરાતી સાહિત્યની એક અમૂલ્ય મૂડી છે. કવિ રાજેન્દ્ર શુક્લ હવે આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ તેમના શબ્દો અને સર્જનનો ઐતિહાસિક વારસો આપણી વચ્ચે અકબંધ રહેશે.

