- National
- યુટ્યૂબ પર વીડિયો જોઈ 6.78 કરોડની નકલી નોટ છાપી, પછી પોલીસ બનીને લોકોને લૂંટી લીધા
યુટ્યૂબ પર વીડિયો જોઈ 6.78 કરોડની નકલી નોટ છાપી, પછી પોલીસ બનીને લોકોને લૂંટી લીધા
હૈદરાબાદમાં નકલી નોટ છાપતી ગેંગનો પર્દાફાશ થયો છે. પોલીસે અહિયાંથી 6.78 કરોડ રૂપિયાની નકલી નોટ જપ્ત કરી. આ કેસમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ગેંગના મુખ્ય આરોપી યુટ્યુબ વીડિયો જોઈને નકલી નોટ છાપવાનું શીખ્યા હતા. આ પછી, તેણે ભાડાના ઘરમાં નકલી નોટો બનાવવાનું શરૂ કર્યું. ધરપકડ કરાયેલા 4 લોકોમાં મદુપોજુ કર્ણકર, ચિનોલ્લા માણિક્ય રેડ્ડી, ચેરુકુપલ્લી રત્નાકર રેડ્ડી અને કરણમ અજય કુમારનો સમાવેશ થાય છે.
આ મામલો 1 નવેમ્બરના રોજ પ્રકાશમાં આવ્યો હતો. હૈદરાબાદની અબ્દુલ્લાપુરમેટ પોલીસ અને શાદનગર સ્પેશિયલ ઓપરેશન ટીમે નેશનલ હાઇવે 65 પર રામોજી ફિલ્મ સિટી પાસે એક કાર રોકી હતી. કારમાં 4 લોકો હતા. શોધખોળ દરમિયાન, પોલીસને 500 રૂપિયાની નકલી નોટો મળી આવી, જે કુલ 8 લાખ રૂપિયાની હતી. પોલીસે ચારેય લોકોની ધરપકડ કરી અને ત્યારપછી તપાસ શરૂ કરી. હૈદરાબાદની બહારના કુંટલૂરમાં ભાડાના ઘરમાંથી નકલી નોટ છાપવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું. પોલીસે ઘરમાં દરોડો પાડ્યો અને રૂ. 500ની નકલી નોટોના 134 બંડલ જપ્ત કર્યા, જેની કિંમત આશરે રૂ. 6.70 કરોડ છે. પોલીસને કલર પ્રિન્ટર, સ્કેનર, લેપટોપ, લેમિનેશન મશીન અને નોટ કાપવાના સાધનો પણ મળી આવ્યા.

ફ્યુચર સિટી પોલીસ કમિશનર ડૉ. તરુણ જોશીના જણાવ્યા અનુસાર, આ રેકેટનો મુખ્ય આરોપી મદુપોજુ કર્ણકર છે. તેણે યુટ્યુબ અને સોશિયલ મીડિયા પર વીડિયો જોઈને નકલી નોટો બનાવવાનું શીખ્યો. પોલીસના જણાવ્યા અનુસાર, મદુપોજુ પહેલા અસલી રૂ. 500ની નોટ સ્કેન કરતો હતો, પછી ફોટોશોપ જેવા સોફ્ટવેરનો ઉપયોગ કરીને તેને ફોટામાં બદલતો હતો અને પછી પ્રિન્ટરનો ઉપયોગ કરીને નકલી નોટો છાપતો હતો. આરોપીનો પ્લાન રૂ. 1 લાખની અસલી ચલણી નોટોને રૂ. 3થી રૂ. 4 લાખની નકલી નોટોમાં બદલવાનો હતો. પરંતુ, જ્યારે તેઓને આ રીતે ગ્રાહકો મળ્યા નહીં, ત્યારે તેઓએ લોકોને છેતરવાનો બીજો રસ્તો શોધી કાઢ્યો હતો.

એક અંગ્રેજી અખબારે પોલીસનો ઉલ્લેખ કરીને અહેવાલ આપ્યો છે કે, ગેંગ પહેલા ગ્રાહકોને અસલી ચલણી નોટ બતાવીને તેમનો વિશ્વાસ મેળવતી હતી. પછી તેઓ પોતાને પોલીસ તરીકે બતાવતા હતા. આ માટે તેઓએ નકલી ઓળખ કાર્ડ, વોકી-ટોકી, નકલી પિસ્તોલ અને નકલી નંબર પ્લેટવાળા વાહનોનો ઉપયોગ કર્યો. ત્યારપછી તેઓએ ગ્રાહકોને પોલીસ કાર્યવાહીની ધમકી આપતા હતા અને તેમના અસલી પૈસા લઈને ભાગી ગયા. પોલીસના જણાવ્યા અનુસાર, આ ગેંગે અલગ અલગ ઘટનાઓમાં બે વ્યક્તિઓ સાથે રૂ. 2 લાખ અને રૂ. 3 લાખની છેતરપિંડી કરી હતી. પોલીસનું કહેવું છે કે આ કેસમાં વધુ 3 આરોપીઓ ફરાર છે અને પોલીસ તેમણે શોધી રહી છે.

