- Gujarat
- અનામતની તરફેણમાં છો કે વિરુદ્ધમાં? AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આપ્યો જવાબ
અનામતની તરફેણમાં છો કે વિરુદ્ધમાં? AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આપ્યો જવાબ
તાજેતરમાં જ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સાગબારામાં એક કાર્યક્રમ દરમિયાન અનામતને લઈને નિવેદન આપ્યું હતું કે, 'અનામત કોઈ મહેરબાની કરીને નથી આપી, આખી જિંદગી ભોગવ્યું છે. હું બધાને કહું તમારે જો મેલું ઉપાડવાવાળી નોકરી કરવી હોય, તમે પટેલ-વાણિયા-બ્રાહ્મણ કોઈપણ હોય જે આના વિરોધી હોવ, તો મેલું ઉપાડવા માટે મહિને 50 હજાર પગાર હું તમને આપું, તમે આ લોકોનું મેલું ઉપાડો'. બાપુના આ નિવેદનથી વિવાદ છેડાયો હતો અને પટેલ, વાણિયા, બ્રાહ્મણ સમુદાયના લોકો રોષે ભરાયા હતા. આ સમુદાયના અગ્રણી નેતાઓ બાપુ માફી માંગે તેવી પણ માંગ કરી રહ્યા હતા. ત્યારે વિસાવદરથી AAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ એક મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યૂમાં અનામતને લઈને પોતાનો પક્ષ રાખ્યો હતો.

તેમને પૂછવામાં આવ્યું હતું કે, ગોપાલ ઇટાલિયાને શું લાગે છે તમે અનામતની તરફેણમાં છો કે વિરોધમાં? આ સવાલનો જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે, હું અનામતની તરફેણમાં છું. આખો ભારત દેશ અનામતમાં આવે છે. બાકી કોણ છે? તેમણે પત્રકારને વળતો સવાલ કર્યો કે અનામતમાં બાકી કોણ છે એ કહો? અનામતમાં કંઈ જ્ઞાતિ, કંઈ વ્યક્તિ નથી આવતી? એ મને કહો. ST, SC, OBC અને EWC બધા અનામતમાં, આખો ભારત અનામતમાં આવી ગયો. આમાં વિરોધ શું કરવાનો હોય. વાત સાચી છે કે ખોટી?

તેના પર પત્રકારે કહ્યું કે, ઘણા બધા પાટીદાર સંગઠનો તેની સામે છે. ત્યારે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, હવે મને વ્યક્તિગત રીતે કોણ સામેલ છે, કોણ નથી એ મારો પ્રશ્ન નથી, તમે મને ગોપાલભાઈને પુછો તો મારું સ્ટેન્ડ એ છે કે આખો ભારત દેશ અનામત છે. કોઈ બાકી જ નથી. તમે ક્યાં તો ST, SC, OBCમાં છો અથવા તો EWSમાં હશો. અનામત તો તમને પણ મળે છે અને મને પણ મળે છે. બધાને મળે છે. લાભ લેવો, ન લેવો એ વ્યક્તિગત આધાર રાખે છે. પરંતુ જ્યારે ભારતના તમામ નાગરિકો અનામત કેટેગરીમાં આવી ગયા છે, તો આમાં વિરોધ શેનો?

