- National
- શું મુંબઈ એરપોર્ટ પાસે આવેલી મસ્જિદ તોડી પાડવામાં આવશે? MMRDAએ આપેલી નોટિસથી ફફડાટ ફેલાઈ ગયો
શું મુંબઈ એરપોર્ટ પાસે આવેલી મસ્જિદ તોડી પાડવામાં આવશે? MMRDAએ આપેલી નોટિસથી ફફડાટ ફેલાઈ ગયો
મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક ગેરકાયદેસર મસ્જિદને લઈને વિવાદ વધ્યો છે. મહારાષ્ટ્ર મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)એ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL)ને આ માળખું તોડી પાડવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. MMRDA તરફથી મસ્જિદના ગેટ પર નોટિસ પણ લગાવવામાં આવી છે. BJPના નેતા કિરીટ સોમૈયાએ દાવો કર્યો છે કે નોટિસ બહાર પડ્યાના એક અઠવાડિયામાં મસ્જિદ સામે કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે, AIMIM નેતા વારિસ પઠાણે આ કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે, તેને નફરત ફેલાવનારું પગલું ગણાવ્યું છે.

MMRDAના આદેશ મુજબ, મરોલમાં CTS નંબર 1405 પર આવેલી મસ્જિદ અનધિકૃત હોવાનું જાણવા મળ્યું છે. બાંધકામની કાયદેસરતા સાબિત કરવા માટે મેસર્સ અશ્બુલ જન્ના એરપોર્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કેટલાક દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, ઓથોરિટી જણાવે છે કે, આ દસ્તાવેજો મહારાષ્ટ્ર રિજનલ એન્ડ ટાઉન પ્લાનિંગ એક્ટ, 1966 હેઠળ બાંધકામને સુરક્ષિત રાખવા માટે અપૂરતા છે.

આ આદેશમાં મહારાષ્ટ્ર સરકારના મહેસૂલ અને વન વિભાગ દ્વારા 7 સપ્ટેમ્બર, 2010 અને 10 ઓક્ટોબર, 2013ના રોજ બહાર પાડવામાં આવેલા પરિપત્રોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પરિપત્રો હેઠળ, MIALને આદેશ મળતાની સાથે જ અનધિકૃત બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

એની સાથે જ, કરવામાં આવેલી કાર્યવાહી અંગેની માહિતી ડેપ્યુટી કલેક્ટર અને સંબંધિત અનધિકૃત બાંધકામ નિયંત્રણ વિભાગને પૂરી પાડવી આવશ્યક છે. આમ કરવામાં આવે તો નિયમો અનુસાર MIAL સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે.
AIMIM નેતા વારિસ પઠાણે આ બાબતે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, મુસાફિરખાના મસ્જિદ પર અગાઉ પણ નોટિસ લગાવવામાં આવી હતી, ત્યારપછી મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, જેણે કાર્યવાહી પર સ્ટે આપ્યો હતો.

વારિસ પઠાણે કહ્યું, 'તેમનામાં એટલી બધી સમજદારી આવી ગઈ કે, તેઓ બધી મસ્જિદો તોડી પાડવા માટે તૈયાર છે? વચ્ચે તમે જોયું હશે કે બે દિવસ પહેલા મુસાફિરખાના મસ્જિદ પર પણ નોટિસ લગાવવામાં આવી હતી. સારું થયું કે અમે કોર્ટમાં ગયા. કોર્ટે આદેશ આપ્યો, સ્ટે આપ્યો, અને હવે આગળની કાર્યવાહી અટકાવી દીધી છે.'
તેમણે આગળ કહ્યું, 'હવે અહીં પણ કેવો મામલો છે? તેમને એવું તે શું થઇ ગયું છે? ત્યાં પણ, ટ્રસ્ટીઓ કહી રહ્યા છે કે કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. આમ છતાં, MMRDA તોડી પાડવાની ધમકી આપતી નોટિસ બહાર પાડી રહ્યું છે. તો, શું આ દેશ કાયદા અને બંધારણથી ચાલશે, કાયદાના શાસનથી ચાલશે, બુલડોઝરથી ચાલશે કે BJPના નેતાઓની ગેરરીતિ અને ગુંડાગીરી દ્વારા ચાલશે? સવાલ તો એ જ ઊભો થાય છે. હવે જ્યારે કેસ કોર્ટમાં પેન્ડિંગ છે અને સુનાવણી ચાલુ છે, ત્યારે રાહ જુઓને. નફરત બંધ થવી જોઈએ. હવે જોઈએ કે કોર્ટનો આદેશ શું આવે છે.'

બીજી બાજુ, BJPના નેતા અને ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ આ કાર્યવાહીનું સ્વાગત કર્યું. તેમણે દાવો કર્યો હતો કે, મહારાષ્ટ્ર સરકાર વતી MMRDAએ મુંબઈ એરપોર્ટ પરિસરમાં બનેલી કથિત ગેરકાયદેસર મસ્જિદને તોડી પાડવા માટે નોટિસ બહાર પાડી છે. સોમૈયાના મતે, નોટિસ બહાર પડયાના એક અઠવાડિયાની અંદર મસ્જિદ સામે કાર્યવાહી કરવામાં આવશે.

