- Tech and Auto
- ન ચાર્જિંગની ચિંતા... ન રેન્જની! દુનિયાની પહેલી AI બાઇક રજૂ કરાઇ
ન ચાર્જિંગની ચિંતા... ન રેન્જની! દુનિયાની પહેલી AI બાઇક રજૂ કરાઇ
કાર અને SUVની દુનિયામાં પોતાની ઓળખ ઉભી કરનાર ચીનની ઓટોમોબાઈલ કંપની ચેરી (Chery), હવે ટૂ-વ્હીલર માર્કેટમાં પણ પોતાનું નસીબ અજમાવવા જઈ રહી છે. કંપનીએ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ક્ષેત્રમાં પ્રવેશતા જ બે ખાસ મોડલ રજૂ કર્યા છે. તેમાં એક એવી ઇલેક્ટ્રિક ક્રૂઝર (cruiser) સામેલ છે, જે બેટરી સાછે પેટ્રોલ એન્જિનની મદથી પઁ વીજળી ઉત્પન્ન કરી શકે છે.
આ ઉપરાંત, કંપનીએ એક એડવેન્ચર-સ્ટાઇલનું ઇલેક્ટ્રિક સ્કૂટર પણ પ્રદર્શિત કર્યું છે, જેની રેન્જ 200 કિલોમીટર સુધી હોવાનો દાવો કર્યો છે. ખાસ વાત એ છે કે ચેરીનો ઇરાદો માત્ર ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવવા પૂરતા સીમિત નથી; પરંતુ કંપની પોતાની નવી 'સિનોક્સ' (Cinnox) બ્રાન્ડ દ્વારા ટૂ-વ્હીલર માર્કેટમાં કંઈક અલગ કરવાનો પ્રયાસ કરી રહી છે.
ચેરીએ ચીનના વુહૂ શહેરમાં આયોજિત એક ટેક્નોલોજી ઇવેન્ટમાં તેની સિનોક્સ બ્રાન્ડ હેઠળ બે નવી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર રજૂ કરી. તેમાં 'ગ્રો C3' નામનું ઇલેક્ટ્રિક ક્રૂઝર અને એડવેન્ચર ડિઝાઇનવાળું ઇલેક્ટ્રિક સ્કૂટર સામેલ છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ એડવેન્ચર સ્કૂટર એકવાર ચાર્જ કરવા પર 150-200 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે.
AI-પાવર્ડ બાઇક
ચેરીનો 'ગ્રો C3' આ બે મોડલ્સમાંથી સૌથી વધુ ચર્ચામાં છે. કંપની તેને દુનિયાની પહેલી AI-પાવર્ડ રેન્જ-એક્સ્ટેન્ડેડ ઇન્ટેલિજન્ટ ક્રૂઝર ગણાવી રહી છે. જોકે આ માત્ર કંપનીનો દાવો છે અને હજુ સુધી સ્વતંત્ર રીતે તેની પુષ્ટિ થઈ નથી. આ બાઇકમાં રેન્જ-એક્સ્ટેન્ડેડ ઇલેક્ટ્રિક વ્હીકલ' (EREV) ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિસ્ટમમાં, ઇલેક્ટ્રિક મોટર પૈડાં ફેરવે છે, જ્યારે પેટ્રોલ એન્જિનનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા માટે થાય છે.
બાઇકમાં ઉત્પન્ન થતી આ વીજળીથી તેની બેટરીને પાવર મળે છે, જેનાથી લાંબા અંતરની મુસાફરી દરમિયાન માત્ર ચાર્જિંગ સ્ટેશનો પર જ નિર્ભર રહેવાની જરૂરિયાત રહેતી નથી. આ ટેક્નોલોજી રેન્જ-એક્સ્ટેન્ડર વાહનો જેવી જ છે, જેમાં ઇલેક્ટ્રિક મોટર, સાથે એન્જિન અને એક હેવી બેટરી પણ આપવામાં આવે છે.
આ ટેક્નોલોજી રેગ્યુલર પેટ્રોલથી ચાલતી મોટરસાયકલ કરતાં એકદમ અલગ છે, કારણ કે અહીં પેટ્રોલ એન્જિનનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર વીજળી ઉત્પન્ન કરવાનો છે. જોકે, ગ્રો C3માં ઉપયોગ થતા એન્જિન, મોટર અને બેટરીની ક્ષમતા અંગેની ચોક્કસ વિગતો હજુ સુધી સામે આવી નથી. કંપનીએ તેની મોટર પાવર, બેટરી કેપેસિટી, ફ્યૂઅલ ટેન્કની ક્ષમતા, કુલ રેન્જ કે ચાર્જિંગના સમયનો પણ ખુલાસો કર્યો નથી.
ગ્રો C3ને માત્ર એક સિટી બાઇક તરીકે જ નહીં, પરંતુ ટૂરિંગ અને કેમ્પિંગ જેવી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પણ તૈયાર કરવામાં આવી છે. તેમાં 'વ્હીકલ-ટુ-લોડ' (V2L) ફીચર પણ આપવામાં આવ્યું છે, આ તકનીકની મદદથી વાહનની બેટરીથી વીજળી લઇને બીજા ઇલેક્ટ્રિક ડિવાઇસને પાવર આપી શકાય છે. આનાથી કેમ્પિંગ દરમિયાન કે લાંબી મુસાફરી પર જતી વખતે અલગ જનરેટર સાથે રાખવાની જરૂરિયાત રહેતી નથી.
કંપનીએ આ બાઇકને AI આધારિત કનેક્ટેડ વ્હીકલ તરીકે પણ રજૂ કરી છે. જોકે, અત્યારે એ સ્પષ્ટ નથી કે તેના પ્રોડક્શન મોડેલમાં AI સાથે સંબંધિત કયા-કયા ફીચર્સ મળશે. આ ઉપરાંત, કનેક્ટિવિટી, સોફ્ટવેર અથવા 'ઓવર-ધ-એર' (OTA) અપડેટ જેવા ફીચર્સ બાબતે પણ અત્યારે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
શું ભારતમાં પણ લોન્ચ થશે ચેરી (Chery)ની ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ?
લાંબા સમયથી એવી અટકળો ચાલી રહી છે કે ચેરી ભારતીય બજારમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે. તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે કંપની JSW સાથે મળીને ભારતમાં પ્રવેશ કરી શકે છે; જોકે, બ્રાન્ડ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જ્યાં સુધી ટૂ-વ્હીલર્સની વાત છે, તો અત્યારે તેના વિશે કંઈ પણ કહેવું ખૂબ વહેલું ગણાશે.

