- Art & Culture
- આસામની જીવનશૈલીને નૃત્યમાં વણી લેતું બિહુ નૃત્ય
આસામની જીવનશૈલીને નૃત્યમાં વણી લેતું બિહુ નૃત્ય
આસામી સંસ્કૃતિનું પ્રમાણપત્ર એટલે બિહુ નૃત્ય. ભારતના દરેક રાજ્યોમાં તેના નૃત્યોની ભારે બોલબાલા છે તેમ પહાડી રાજ્ય આસામ પણ પોતાના લોક નૃત્યની સુવાસ દુનિયાભરમાં મહેકાવી ચૂક્યું છે. આસામના લોકજીવનમાં ઓળઘોળ થઈ ગયેલા બિહુ નૃત્યમાં સામાજિક વર્ણન અને વ્યંગ તેમજ કટાક્ષોને સ્થાન આપવામાં આવ્યું છે.
બિહુ નૃત્યની દાસ્તાનને જાણીએ તો 1694માં અહોમ રાજા રુદ્ર સિંહે રોગાલી બિહુના અવસર પર બિહુ નર્તકોને રણધર ક્ષેત્રોમાં બિહુના પ્રદર્શન માટે આમંત્રિત કર્યા હતા. તે બિહુનું મૂળ સ્વરૂપ માનવામાં આવતું નથી. કારણ કે રાજાના દરબારમાં જે નૃત્ય થયું તે પહેલાના કોઈ પુરાવા પણ મળી આવ્યા નથી.

સમૂહ નૃત્ય બિહુમાં મહિલાઓ અને પુરુષો એક સાથે નૃત્ય કરે છે પરંતુ જુદી જુદી ભૂમિકાઓ બનાવે છે. મહિલાઓ લાઇન કે રેખામાં રહે તેનું ધ્યાન રાખે છે અને સંગીતકાર નૃત્ય ક્ષેત્રમાં સૌથી પહેલાં આવે છે. જે સમયે સંગીતકાર નર્તક આવે છે, ત્યારે મહિલાઓ પોતાની રેખાઓ બનાવી રાખે છે. જ્યારે મહિલાઓ પ્રવેશ કરે છે ત્યારે જે અગાઉ મહિલાઓ લાઇનમાં ઊભી છે તે લાઇન તોડીને એકબીજાની સાથે ભળે છે. સામાન્ય રીતે નૃત્યમાં મુખ્યત્વે નિશ્ચિત મુદ્રાઓ, લયમાં કમર, હાથ હલાવવા, તેને ફેરવવા અને ઘૂંટણીયે વળવું તેમજ નમવું જેવી મુદ્રાઓ કરવામાં આવે છે પરંતુ છલાંગ લગાવવામાં આવતી નથી.
બિહુને પારંપરિક સંગીત સાથે રજૂ કરવામાં આવે છે. બંને બાજુથી વગાડી શકાય તેવા ઢોલક વગાડાય છે. એક હાથમાં લાકડી અને બીજા હાથની થાપના સહારે ગરદન હલાવતા વગાડવામાં આવે છે. ઢોલ માત્ર એક તાલ નહીં પણ જુદા જુદા લય પ્રમાણે તાલ લઇને વગાડવામાં આવે છે. "સીઉ" નામની તાલબદ્ધ રચનાઓ સાથે ઢોલક વગાડવામાં આવે છે.
બિહુ નૃત્ય કરતી વખતે ગાયન અને વાદનની મદદથી નૃત્યને વધુ રસપ્રદ બનાવવામાં આવે છે. બિહુ નૃત્યમાં તાલા નામથી જાણીતા મંજીરાં, ગોગોના જે એક પ્રકારની વાંસળી છે, વાંસનું ટુનટુના તેમજ માટીમાંથી બનાવેલી સિસોટી જેને જૂટુલી કહેવાય છે તેનો સહારો લેવામાં આવે છે. સાથે જ બિહુ ગીતોમાં આસામના લોકોના નવા વર્ષના સ્વાગતથી લઈને એક ખેડૂતના દૈનિક જીવનનું વર્ણન, આસામ પર થયેલા આક્રમણના ઐતિહાસિક સંદર્ભોથી લઈને વ્યંગ, સામાજિક, આર્થિક અને રાજનૈતિક ટિપ્પણીને પણ રજૂ કરવામાં આવે છે.

આસામના પ્રાચિનતમ ઉત્સવમાં ત્રણ બિહુ નૃત્ય મનાવવામાં આવે છે. વૈશાખ મહિનામાં બોહાગ બિહુ, માગશર મહિનામાં માઘ બિહુ અને કારતક મહિનામાં કાતિ બિહુ નૃત્ય કરવામાં આવે છે. આ ત્રણેય બિહુમાં સૌથી વધુ આકર્ષિત કરનારું બિહુ બૈશાખી બિહુ છે. મધ્ય એપ્રિલમાં ખેતીની ઋતુની શરૂઆત થાય છે અને ત્યારથી એક મહિના સુધી ચાલતા ખેતીકામ દરમિયાન બિહુ નૃત્ય કરવામાં આવે છે.

