- Business
- જન ધન ખાતાધારકોમાં ગભરાટ કેમ ફેલાયો, શું આવા ખાતા બંધ થવાના છે?
જન ધન ખાતાધારકોમાં ગભરાટ કેમ ફેલાયો, શું આવા ખાતા બંધ થવાના છે?
છેલ્લા કેટલાક દિવસોમાં, કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સરકાર નિષ્ક્રિય PM જન ધન યોજના ખાતાઓ બંધ કરવાની યોજના બનાવી રહી છે. ત્યારપછી આ યોજના હેઠળ ખાતા ખોલનારા કરોડો ખાતાધારકોમાં ગભરાટ ફેલાયો હતો. પરંતુ હવે નાણાકીય સેવાઓ વિભાગ (DFS) અને નાણાં મંત્રાલયે નિષ્ક્રિય PM જન ધન યોજના ખાતાઓ બંધ કરવાના કોઈપણ પ્રકારના અહેવાલને નકારી કાઢ્યો છે. નાણાકીય સેવાઓ વિભાગ દ્વારા બહાર પડાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'બેંકોને નિષ્ક્રિય પ્રધાનમંત્રી જન ધન યોજના ખાતાઓ બંધ કરવા માટે કહેવામાં આવ્યું નથી.'
કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, સરકારે પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) હેઠળ આવા ખાતાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે, જેમાં છેલ્લા 24 મહિનામાં કોઈ વ્યવહાર થયો નથી. અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે ,સરકાર દ્વારા આ ખાતાઓનો દુરુપયોગ અટકાવવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, સરકારે જણાવ્યું હતું કે, દેશભરમાં જન ધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના અને અટલ પેન્શન યોજના અપનાવવા માટે DFS દ્વારા 1 જુલાઈથી ત્રણ મહિનાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
આ અભિયાન દરમિયાન બેંકો ફરી એકવાર બધા બાકી ખાતાઓનું KYC પણ કરશે. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, DFS નિષ્ક્રિય PMJDY ખાતાઓની સંખ્યા પર સતત નજર રાખે છે અને બેંકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ સંબંધિત ખાતાધારકોનો સંપર્ક કરીને તેમના ખાતા કાર્યરત કરે. PMJDY ખાતાઓની સંખ્યા સતત વધી રહી છે. વિભાગને નિષ્ક્રિય PMJDY ખાતાઓ મોટા પાયે બંધ થયાનો કોઈ કેસ સામે આવ્યો નથી.
સરકારે 28 ઓગસ્ટ 2014ના રોજ આ યોજના શરૂ કરી હતી. જન ધન યોજના દ્વારા, સરકાર દેશના ગરીબ અને વંચિત વર્ગને બેંકિંગ સિસ્ટમ સાથે જોડવામાં સફળ રહી છે. આ સાથે, સામાજિક સુરક્ષા યોજનાઓના લાભો ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર (DBT) દ્વારા લાભાર્થીઓને સીધા પહોંચાડવામાં આવી રહ્યા છે. PMJDY વેબસાઇટ અનુસાર, આ યોજનામાં અત્યાર સુધીમાં 55.69 કરોડ લાભાર્થીઓ છે. આ ખાતાઓમાં કુલ 2,59,622.39 કરોડ રૂપિયા જમા થયા છે.

