- Business
- ઓનલાઈન ફ્રોડમાં રૂ. 50,000 ડૂબે કે 1 લાખ, RBI આપશે માત્ર 25,000 સુધી; જાણો નવો નિયમ
ઓનલાઈન ફ્રોડમાં રૂ. 50,000 ડૂબે કે 1 લાખ, RBI આપશે માત્ર 25,000 સુધી; જાણો નવો નિયમ
ભારતીય રિઝર્વ બેંક (RBI) ઓનલાઈન ફ્રોડ અંગે નવા નિયમો લાવવાની છે. રિઝર્વ બેંક અનુસાર, જો કોઈ ગ્રાહક સાથે નાનું ઓનલાઈન ફ્રોડ થાય છે અને પૈસા ડૂબી જાય છે તો તેમને કેટલીક નાણાકીય સહાય મળશે, જોકે મર્યાદા નિશ્ચિત રહેશે. નવા નિયમો અનુસાર, જો તમારી સાથે ક્યારેય ઓનલાઈન ફ્રોડ થાય છે અને પૈસા ડૂબી જાય છે, તો RBI તમને 25,000 રૂપિયા સુધીની સહાય આપી શકે છે.
ગ્રાહકો માટે ડિજિટલ ચુકવણીને વધુ સુરક્ષિત બનાવવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે. રિઝર્વ બેંક ટૂંક સમયમાં આ સંદર્ભમાં ડ્રાફ્ટ ગાઈડલાઇન જાહેર કરશે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ શુક્રવારે આ જાણકારી આપી હતી. ગવર્નરે જણાવ્યું હતું કે આ નિયમ ઇલેક્ટ્રોનિક બેંકિંગ ફ્રોડમાં ગ્રાહકની જવાબદારીને લઈને પણ તપાસ કરશે.
નવા નિયમની બે મોટી વાતો:
રિઝર્વ બેંકે એમ પણ કહ્યું હતું કે, ‘આ વળતર માત્ર એક જ વખત જ મળશે, દર વર્ષે નહીં. આમ એટલે કરવામાં આવી રહ્યું છે, જેથી લોકો સતર્ક રહે અને વારંવાર ભૂલો ન કરે.
ફ્રોડના કિસ્સામાં તમને મહત્તમ 25,000 રૂપિયા સુધીનું વળતર મળશે. તમને કેટલી રકમ મળશે તે તમારા નુકસાનના 85% અથવા 25,000 રૂપિયા, જે ઓછી હશે તે હશે.
ઉદાહરણથી સમજો કેટલા રૂપિયા મળશે:
જો તમારી સાથે ઓનલાઈન 50,000 રુપિયાનું ફ્રોડ થાય છે, તો 85%ના હિસાબે 42,500 રૂપિયા બને છે. પરંતુ, તમને માત્ર 25,000 રૂપિયા જ મળશે, કારણ કે આ મહત્તમ મર્યાદા છે.
જો તમારી સાથે 1 લાખ રૂપિયાનું ફ્રોડ થાય છે, તો 1 લાખના 85% 85,000 રૂપિયા થાય છે. આ કિસ્સામાં પણ મહત્તમ 25,000 રૂપિયાનું વળતર મળશે.
જો તમારું 20,000નું નુકસાન થાય છે, તો રકમના 85%ના હિસાબે ₹17,000 બને છે. આ કિસ્સામાં તમને 17,000 રૂપિયાનું પૂરું વળતર મળશે.
કેટલું ફ્રોડ થયું?
રિઝર્વ બેંકના ડેટા અનુસાર, પાછલા નાણાકીય વર્ષ 2024-25માં, કાર્ડ અને ઇન્ટરનેટ સાથે જોડાયેલા ફ્રોડના 13,469 કેસ નોંધાયા હતા, જેમાં 5.2 અબજ રૂપિયાનું નુકસાન થયું. આ અગાઉ, 2023-24માં, 29,080 ફ્રોડ થયા હતા અને 14.57 અબજ રૂપિયાનું નુકસાન થયું હતું.
આ નિયમની પણ સમીક્ષા
રિઝર્વ બેંક વર્ષ 2017ના નિયમની પણ સમીક્ષા કરી રહી છે, જેમાં અનધિકૃત ઇલેક્ટ્રોનિક બેંકિંગ ફ્રોડમાં ગ્રાહકની કેટલી જવાબદારી હશે? એ જણાવવામાં આવ્યું છે. આ નિયમમાં જણાવવામાં આવ્યું છે કે, કેવી પરિસ્થિતિઓમાં ગ્રાહકોની કોઈ જવાબદારી નહીં રહે અને કયામાં કેટલીક જવાબદારી રહેશે. રિઝર્વ બેંક ટૂંક સમયમાં આ અંગે જાહેર અભિપ્રાય મેળવવા માટે સંશોધિત નિર્દેશ જાહેર કરશે.

