- Business
- આ ભારતીય કંપનીએ બ્રિટનમાં રૂ. 5,100 કરોડમાં 118 પેટ્રોલ પંપ ખરીદ્યા; શું ફાયદો થશે?
આ ભારતીય કંપનીએ બ્રિટનમાં રૂ. 5,100 કરોડમાં 118 પેટ્રોલ પંપ ખરીદ્યા; શું ફાયદો થશે?
દેશના અગ્રણી બિઝનેસ સમૂહ, એસ્સાર ગ્રુપના રિટેલ યુનિટ, EET રિટેલે UKના ઇંધણ બજારમાં એક મોટો સોદો કર્યો છે. EET રિટેલે UKના અગ્રણી ફોરકોર્ટ ઓપરેટર, SGN રિટેલને હસ્તગત કરવા માટે એક મોટો કરાર કર્યો છે. જોકે, કંપનીએ આ સોદા વિશે કોઈ વિગતો જાહેર કરી નથી. ઉદ્યોગ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સોદાનું મૂલ્ય આશરે રૂ. 5,166 કરોડ (400 મિલિયન પાઉન્ડ) છે. આ મહત્વપૂર્ણ સોદા સાથે, એસ્સાર ગ્રુપ UKના ઊર્જા ક્ષેત્રમાં તેની પકડ મજબૂત કરી રહ્યું છે.
SGN રિટેલની સ્થાપના ગ્રેહામ પીકોક અને સુસાન ટોબેલ દ્વારા કરવામાં આવી હતી. આ વ્યવસાયિક સોદા હેઠળ, EET રિટેલ SGNનો 100 ટકા હિસ્સો હસ્તગત કરશે. આ સોદો EET રિટેલના નેટવર્કમાં 118 નવા ઉચ્ચ-ગુણવત્તાવાળા પેટ્રોલ પંપ ઉમેરશે. કંપની પહેલાથી જ 117 સાઇટ્સનું સંચાલન કરે છે. નવા 118 પેટ્રોલ પંપના સંપાદનથી તેનું કુલ નેટવર્ક 235 થશે. આનાથી EET રિટેલ UKનું બીજું સૌથી મોટું ફોરકોર્ટ ઓપરેટર બનશે જેમાં ડાયરેક્ટ રિફાઇનરી ઇન્ટિગ્રેશન હશે.
આ સોદા સાથે, EET રિટેલની વાર્ષિક તેલ વેચાણ ક્ષમતા 65 કરોડ લિટરથી વધુ થશે. કંપનીનું લક્ષ્ય ફક્ત આટલા પૂરતું મર્યાદિત રાખવાનું નથી. એસ્સારની લાંબા ગાળાની યોજના 2031 સુધીમાં તેના નેટવર્કને 800 પેટ્રોલ પંપ સુધી વિસ્તૃત કરવાની છે, જે UKના ઇંધણ બજારમાં આશરે 9 ટકા બજાર હિસ્સો પ્રાપ્ત કરશે. ચેશાયરમાં એસ્સારની પ્રખ્યાત સ્ટેનલો રિફાઇનરીમાંથી આ તમામ રિટેલ આઉટલેટ્સને તેલ પૂરું પાડવામાં આવશે, જેનાથી આયાત પરની નિર્ભરતા ઓછી થશે.
EET રિટેલના CEO અરવન રુઈયાએ જણાવ્યું હતું કે, UKમાં એક વિશાળ અને સંકલિત રિટેલ પ્લેટફોર્મ બનાવવું તેની નીતિનો એક ભાગ છે. છેલ્લા બે દાયકામાં, મોટી કંપનીઓએ રિફાઇનિંગમાં તેમના રોકાણમાં ખુબ મોટો ઘટાડો કર્યો હોવાથી UKનું ઇંધણ બજાર વિભાજિત થયું છે. હવે, સ્ટેનલો રિફાઇનરીથી રિટેલ સ્ટેશનો સુધી સીધું તેલ પહોંચાડવાથી સપ્લાય ચેઇનમાં મધ્યસ્થીઓ ઓછા થઇ જશે, જેનાથી UKના વાહનચાલકોને સ્પર્ધાત્મક અને સસ્તા ભાવે પેટ્રોલ અને ડીઝલ મળી રહેશે.
આ સોદા માટે નાણાં રોકડ અને 250 મિલિયન પાઉન્ડની Senior Debt Facility દ્વારા પૂરા પાડવામાં આવી રહ્યા છે. આ ભંડોળની વ્યવસ્થા અગ્રણી વૈશ્વિક બેંકો દ્વારા કરવામાં આવી છે, જેમાં ફર્સ્ટ અબુ ધાબી બેંક, મેક્વેરી બેંક, મિઝરાહી ટેફાહોટ બેંક, નેટીક્સિસ, ઓકનોર્થ બેંક અને રોયલ બેંક ઓફ કેનેડાનો સમાવેશ થાય છે. EET ખાતે સ્ટ્રેટેજિક ટ્રાન્ઝેક્શનના વડા વિરલ ગાથાનીએ જણાવ્યું હતું કે, 4 ખંડોમાં ટોચની બેંકો તરફથી આ સમર્થન YKના રિટેલ બજાર અને અમારા સંકલિત વૃદ્ધિ મોડેલમાં વૈશ્વિક નાણાકીય સમુદાયના વિશ્વાસને દર્શાવે છે. આ સોદાની સીધી અસર દેશના અર્થતંત્ર અને વૈશ્વિક પ્રતિષ્ઠા પર પડશે.
બ્રિટન જેવા બજારમાં 118 પેટ્રોલ પંપનું એક સાથે ટેકઓવર કરવું એ ભારતીય કોર્પોરેટ જગતની વધતી જતી તાકાત દર્શાવે છે. તે વૈશ્વિક સ્તરે સંદેશ આપે છે કે, ભારતીય કંપનીઓ માત્ર વિદેશી રોકાણ આકર્ષિત કરી રહી નથી પરંતુ વિકસિત દેશોના મુખ્ય ક્ષેત્રોમાં સોદાઓ માટે વાટાઘાટો કરવા માટે પણ સક્ષમ છે. આ સોદો દેશમાં વિદેશી ચલણના પ્રવાહમાં વધારો કરશે.
આ સોદો ભારત અને બ્રિટન વચ્ચે આર્થિક ભાગીદારી અને વ્યાપારિક સંબંધોને મજબૂત બનાવશે. આ સોદાનો બીજો ફાયદો એ છે કે તેને 4 ખંડોની અગ્રણી આંતરરાષ્ટ્રીય બેંકો દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. આનાથી ભારતીય કંપનીના વ્યાપારિક મોડેલમાં વિદેશી બેંકોનો વિશ્વાસ મજબૂત બન્યો છે.

