- Business
- શું ₹2000થી વધુના UPI પેમેન્ટ્સ બંધ થશે? અનેક દુકાનો અને પેટ્રોલ પંપ પર જોવા મળી રહ્યા છે બોર્ડ
શું ₹2000થી વધુના UPI પેમેન્ટ્સ બંધ થશે? અનેક દુકાનો અને પેટ્રોલ પંપ પર જોવા મળી રહ્યા છે બોર્ડ
જો તમારા ખિસ્સામાં રોકડ નથી રહેતી અને તેમે ₹5ની ચાથી લઈને ₹5,000ની ખરીદી કે ઈંધણ સુધીની દરેક વસ્તુ માટે UPI કોડ સ્કેન કરીને ચૂકવણી કરવાનું પસંદ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્ત્વના છે. દેશના વિવિધ ભાગો, ખાસ કરીને ગાઝિયાબાદના બજારો અને મધ્ય પ્રદેશના પેટ્રોલ પંપ બહાર દુકાનોની બહાર એક અજીબ નોટિસ જોવા મળી રહી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે 15 ઓક્ટોબરથી ₹2,000થી વધુના UPI પેમેન્ટ્સ સ્વીકારવામાં આવશે નહીં.
હવે પ્રશ્ન ઉઠે છે કે અચાનક એવું શું થયું કે જે દુકાનદાર કાલ સુધી QR કોડ સામે કરીને જણાવતા હતા કે ભાઇ ઓનલાઇન કરી દો, તેઓ હવે રોકડની માંગ કેમ કરી રહ્યા છે? ચાલો આ સમગ્ર મુદ્દાને સરળ શબ્દોમાં સમજીએ.
15 ઓક્ટોબરથી શું બદલાઈ રહ્યું છે?
સરકાર 15 ઓક્ટોબરથી ₹2,000થી વધુના મોટા P2M (Person-to-Merchant) એટલે કે ગ્રાહકો દ્વારા દુકાનદારોને કરવામાં આવતા UPI ટ્રાન્ઝેક્શન પર 0.4%નો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગૂ કરવાની યોજના બનાવી રહી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ 0.4%નો ચાર્જ ગ્રાહકો નહીં, વેપારીઓએ ચૂકવવો પડશે. ₹75,000 કે તેથી વધુની ચૂકવણી પર આ ચાર્જ માટે મહત્તમ ₹300 નક્કી કરવામાં આવી છે. જો તમે કોઈ મિત્ર, સંબંધી અથવા શાકભાજી વિક્રેતાને પૈસા ટ્રાન્સફર કરો છો, અથવા ₹2,000થી ઓછી ખરીદી કરો છો, તો તમારે કે દુકાનદારે એક પણ વધારાનો પૈસો ચૂકવવો નહીં પડે.
ગાઝિયાબાદના વેપારીઓ અને ઓલ ઈન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન (AIPDA)નું કહેવું છે કે તેઓ પહેલેથી જ ઓછા માર્જિન અને વધતા ખર્ચથી ઝઝૂમી રહ્યા છે. એવામા, જો ₹2,000થી વધુની ચૂકવણી પર 0.4% ચાર્જ કાપવામાં આવે, તો તેમની કમાણીમાં વધુ ઘટાડો થશે. વેપારીઓએ તેમની દુકાનોની બહાર પોસ્ટરો લગાવ્યા છે જેમાં ગ્રાહકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ 15 ઓક્ટોબરથી મોટી ચૂકવણી માટે રોકડ લઇને આવે, કારણ કે તેઓ પોતે આ વધારાના ચાર્જનો બોજ ઉઠાવવા તૈયાર નથી.
મધ્ય પ્રદેશ સહિતના અનેક રાજ્યોમાં પેટ્રોલ પંપ ડીલરોએ માંગ કરી છે કે ઈંધણના વેચાણને આ MDRમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવે. જો તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે, તો તેમણે ₹2,000થી વધુની રકમના UPI પેમેન્ટ્સ સ્વીકારવાનું બંધ કરવાની ચીમકી આપી છે. વેપારીઓના મુખ્ય સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ પણ પેટ્રોલ પંપ અને દુકાનદારો દ્વારા UPI પેમેન્ટ્સ બંધ કરવાના નિર્ણય અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.
સરકાર અને NPCIનું માનવું છે કે આ પગલાની સામાન્ય જનતાના રોજિંદા વ્યવહારો પર કોઈ અસર નહીં પડે. ડેટા મુજબ, 86% વેપારીઓના વ્યવહારો ₹500થી ઓછી રકમના હોય છે અને 10% વ્યવહારો ₹501 અને ₹2,000ની વચ્ચે હોય છે; એટલે કે માત્ર 4% મોટા ટ્રાન્ઝેક્શન જ આ દાયરામાં આવશે.
સરકારે બેંકો અને પેમેન્ટ પ્લેટફોર્મ્સને સ્પષ્ટ કહ્યું છે કે દુકાનદારો ગ્રાહકો પાસેથી બળજબરીપૂર્વક વધારાનો UPI ચાર્જ ન વસૂલે. જો તમે મોટી રકમનું પેમેન્ટ કરવા માંગતા હો, તો RuPay ડેબિટ કાર્ડથી કોઈપણ MDR ફી ચૂકવ્યા વિના મફતમાં પેમેન્ટ કરવાનું ચાલુ રહેશે.

