- Gujarat
- મોનસૂન વિથડ્રોલની પ્રક્રિયા શરૂ, શું વરસાદની ઘટ સાથે જ ચોમાસું પૂર્ણ થઈ જશે?
મોનસૂન વિથડ્રોલની પ્રક્રિયા શરૂ, શું વરસાદની ઘટ સાથે જ ચોમાસું પૂર્ણ થઈ જશે?
હાલમાં ખેડૂતોને થોડી રાહત થઇ છે, કારણ કે જ્યારે વરસાદની ખૂજ જરૂરિયાત હતી, ત્યારે પડ્યો ખરો. પરંતુ હવે નૈઋત્યના ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે. આપેક્ષા પ્રમાણે, ચોમાસાની વિદાયની સાનુકૂળ સ્થિતિ વચ્ચે મોનસૂન વિથડ્રોલની પ્રક્રિયા શરૂ થઈ ગઇ છે. પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગમાંથી ચોમાસાની વિદાય થઈ છે. હવામાન વિભાગે આ અંગે જાણકારી આપી છે. આવામાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ચોમાસાની વિદાય માટે 3-4 દિવસ અનુકૂળ છે. વરસાદની ઘટ સાથે જ ચોમાસું પૂર્ણ થઈ શકે છે.
ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ એવામાં ખેડા જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. નડિયાદ શહેર સહિત જિલ્લાના નડિયાદ, મહેમદાબાદ અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. નડિયાદમાં માત્ર એક કલાકમાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા અને ભારે વરસાદને કારણે રોડ પર વિઝિબિલિટી પણ ઘટી હતી. જિલ્લાના અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા નોંધાયા હતા.
બીજી તરફ આણંદમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને આણંદ-વિદ્યાનગર રોડ પર પાણી ભરાઈ ગયા હતા, જેથી અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી હતી. અરવલ્લીના શામળાજીના ગડાદર પંથકમાં વરસાદ ખાબક્યો હતો. જ્યારે આજે બપોર બાદ આણંદ, ખેડા, છોટાઉદેપુર સહિત મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, રાજ્યમાં ચાલુ વર્ષે સામાન્ય કરતા 8 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 25 ઈંચ એટલે કે 625 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન 677 મીમી વરસાદ થવો જોઈએ. આમ, રાજ્યમાં સામાન્ય વરસાદની સરખામણીએ 8 ટકા ઘટ જોવા મળી રહી છે. બીજી તરફ, સૌરાષ્ટ્રમાં વરસાદની ઘટ વધુ નોંધાઈ છે અને અહીં સામાન્ય કરતા 22 ટકા ઓછો વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આજે શનિવારે જણાવ્યું કે, આગામી સાત દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે થંડર સ્ટ્રોમની ચેતવણી છે. જ્યારે પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિકલાક રહેશે. ગુજરાત અને તેની આસપાસ રહેલી સિસ્ટમ વિશે તેમણે જણાવ્યું કે, નોર્થ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે. આ સિસ્ટમને ધ્યાનમાં રાખીને આવનારા સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન છે.
તો આગાહીકાર રમણીક વામજાએ ણે સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. હાથિયા નક્ષત્રમાં સૌરાષ્ટ્રમાં વરસાદ થવાનું તેમનું અનુમાન છે. આગાહીકાર રમણીક વામજાએ જણાવ્યું છે કે, આગામી 25-27 સપ્ટેમ્બર સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ભાદરવા સુદ અમાસના દિવસે હાથિયા નક્ષત્ર બેસે છે અને આ નક્ષત્રમાં વરસાદ થશે.
તેમના મતે, 2-5 ઓક્ટોબર દરમિયાન ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. 9-15 ઓક્ટોબરના સમયગાળા દરમિયાન ગાજવીજ સાથે નોરતા (નવરાત્રી) દરમિયાન પણ વરસાદનું પૂર્વ અનુમાન છે. તેમના જણાવ્યા અનુસાર, 22-26 ઓક્ટોબર દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્રમાં માવઠા રૂપી વરસાદ થશે.
પાછોતરા વરસાદના મુખ્ય કારણો આપતાં તેમણે જણાવ્યું કે, આ વર્ષે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ આવેલા હોવાથી વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. પવનની દિશા બદલાવાને કારણે (પૂર્વનો પવન અને ફૂલ પવન ફૂંકાવાથી) વરસાદની સ્થિતિ સર્જાય છે. અતિ ભારે ગરમીનું પ્રમાણ વધવાને કારણે ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે કેટલાક વિસ્તારમાં સારો વરસાદ નોંધાશે. ઠંડી ઓછી પડશે અને પાછોતરો વરસાદ રહેશે. દિવાળી સુધી વરસાદ આંબી જાય તેવી સંભાવના છે.
ગુજરાતમાં આ વખતે અત્યાર સુધીમાં 87.68 ટકા વરસાદ પડી ગયો છે જેમાં કચ્છમાં સૌથી ઓછો 57 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 70 ટકા કરતા વધુ વરસાદ પડી ગયો છે, જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં 88 ટકા કરતા વધુ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 68 ટકા વરસાદ નોંધાયો છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 113 ટકા કરતા વધુ વરસાદ પડી ગયો છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મોટા ભાગના તાલુકામાં વરસાદની ઘટ છે જેના કારણે ખેતીને નુકસાન પહોંચવાનો અંદાજ છે. જેમ કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં 15 ટકા કરતા પણ ઓછો વરસાદ છે, જ્યારે પોરબંદર તાલુકામાં માત્ર 27 ટકા વરસાદ નોંધાયો છે. જામનગરમાં પણ ફક્ત 40 ટકા વરસાદ પડ્યો છે, જ્યારે રાજકોટમાં 57 ટકા, બનાસકાંઠામાં 63 ટકા, સાબરકાંઠામાં 60 ટકા, અરવલ્લીમાં 62 ટકા વરસાદ નોંધાયો છે.

