- Charcha Patra
- ચોમાસામાં સાંધા અને શરીરના દુખાવા કેમ વધી જાય છે? જાણો વૈજ્ઞાનિક કારણો અને બચાવના ઉપાયો
ચોમાસામાં સાંધા અને શરીરના દુખાવા કેમ વધી જાય છે? જાણો વૈજ્ઞાનિક કારણો અને બચાવના ઉપાયો
ચોમાસુ આવતા જ ઘણા લોકો એક જ ફરિયાદ લઈને અમારી પાસે આવે છે – "સાહેબ, વરસાદ શરૂ થયો એટલે ઘૂંટણમાં દુખાવો વધી ગયો", "આખું શરીર દુખે છે", "કમરમાં અસહ્ય પીડા છે." ખાસ કરીને વડીલો, આર્થરાઇટિસના દર્દીઓ અને જૂની ઈજા થઈ હોય એવા લોકોને આ દર્દ વધુ સતાવે છે.
હવે પ્રશ્ન એ છે કે શું ખરેખર વરસાદ અને સાંધાના દુખાવા વચ્ચે કોઈ સંબંધ છે? તેનો જવાબ છે – હા, પરંતુ તેનું કારણ માત્ર વરસાદ નહીં, હવામાનમાં થતા ફેરફારો છે.

ચોમાસામાં દુખાવાનું શું છે વૈજ્ઞાનિક કારણ
ચોમાસાના સમયમાં હવાનું દબાણ (Atmospheric Pressure) ઓછું થઇ જાય છે. આપણા શરીરના સાંધાઓની આસપાસના સ્નાયુઓ અને પેશીઓ પર આ દબાણની અસર પડે છે. જ્યારે બહારનું દબાણ ઓછું થાય છે ત્યારે સાંધાની આસપાસના ટિશ્યૂમાં થોડો સોજો આવી શકે છે. જેના કારણે દુખાવો અને જકડાશ વધુ અનુભવાય છે.
ભેજ વધવાથી પણ સ્નાયુઓમાં જકડાશ
ચોમાસામાં હવામાં ભેજનું પ્રમાણ સામાન્ય કરતા ખૂબ વધી જાય છે. આ વધેલા ભેજના કારણે સ્નાયુઓ અને લિગામેન્ટ્સમાં જકડાશ અનુભવાય છે. સવારે ઊઠ્યા પછી અથવા લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવાથી સાંધા વધુ કડક લાગતા હોય છે.
ઠંડક અને ઓછી શારીરિક પ્રવૃત્તિ
વરસાદી વાતાવરણમાં લોકો બહાર નીકળવાનું પણ ઓછું કરે છે. ચાલવાનું, કસરત કરવાનું અને નિયમિત શારીરિક પ્રવૃત્તિ પ્રમાણમાં ઘટી જાય છે. પરિણામે સ્નાયુઓ નબળા પડે છે અને સાંધા વધુ કઠોર બની જાય છે. આ પણ દુખાવાનું એક મહત્વનું કારણ છે.
જૂની ઈજાની અસર
જે લોકોને અગાઉ ફ્રેક્ચર થયું હોય, લિગામેન્ટ ફાટ્યું હોય અથવા સાંધાનું ઓપરેશન કરાવ્યું હોય, તેમને ચોમાસામાં તે જગ્યાએ સામાન્ય કરતા વધુ દુખાવો અનુભવાય છે. હવામાનમાં ફેરફાર થતાં જૂની ઈજાવાળા ભાગ વધુ સંવેદનશીલ બની જાય છે.
કેવા લોકોને વધુ અસર થાય છે?
- ઘૂંટણના આર્થરાઇટિસના દર્દીઓ
- કમરના દુખાવાથી પીડાતા લોકો
- ગરદનના દુખાવાવાળા દર્દીઓ
- 50 વર્ષથી વધુ ઉંમરના લોકો
- સ્થૂળતા ધરાવતા લોકો
- ડાયાબિટીસ અથવા વિટામિન-Dની ઉણપ ધરાવતા લોકો
- જૂની ઈજા અથવા ઓર્થોપેડિક સર્જરી કરાવી હોય એવા દર્દીઓ

તો શું કરવું જોઇએ?
પહેલા એક ગેરસમજ દૂર કરીએ
ઘણા લોકો માને છે કે ચોમાસામાં દુખાવો વધે એટલે હાડકાં ખરાબ થઈ રહ્યાં છે. હકીકતમાં દરેક કિસ્સામાં એવું હોતું નથી. મોટા ભાગે વાતાવરણમાં થતા ફેરફારોથી પહેલેથી રહેલી સમસ્યાના લક્ષણો વધુ સ્પષ્ટ બની જાય છે. યોગ્ય તપાસ, સમયસર સારવાર અને નિયમિત કસરતથી આ તકલીફને ઘણાં અંશે નિયંત્રિત કરી શકાય છે.
1. દરરોજ હળવી કસરત કરો
ઘૂંટણ, કમર અને ખભાના સાંધા માટેની સરળ કસરતો સ્નાયુઓને મજબૂત બનાવે છે.
2. લાંબા સમય સુધી એક જ જગ્યાએ ન બેસો
દર 30-40 મિનિટે થોડું ચાલો અથવા શરીરને હલાવો.
3. શરીરને ગરમ રાખો
જરૂર પડે ત્યારે ગરમ પાણીની થેલી અથવા હોટ ફોમેન્ટેશનનો ઉપયોગ કરી શકાય.
4. વજન નિયંત્રણમાં રાખો
વધારે વજન સીધો ભાર ઘૂંટણ અને કમરના સાંધા પર પડે છે.
5. સંતુલિત આહાર લેવાનું રાખો
પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન-Dથી ભરપૂર ખોરાક લો. પૂરતું પાણી પીવાનું પણ એટલું જ જરૂરી છે.
6. ઘરમાં પણ સક્રિય રહો
વરસાદને કારણે બહાર ન જઈ શકો તો વાંધો નહીં પરંતુ ઘરમાં જ વૉકિંગ, સ્ટ્રેચિંગ અથવા યોગ કરો.

ડૉક્ટરનો સંપર્ક ક્યારે કરવો?
જો નીચેના લક્ષણો જોવા મળે તો તરત ઓર્થોપેડિક સર્જનની સલાહ લો.
- સાંધામાં ખૂબ સોજો આવી જવો
- લાલાશ અને ગરમી અનુભવવી
- ચાલવામાં મુશ્કેલી પડવી
- તીવ્ર દુખાવો જે સામાન્ય દવાથી પણ ઓછો ન થાય
- તાવ સાથે સાંધાનું દુખાવું
અંતમાં
ચોમાસું કુદરતની સૌથી સુંદર ઋતુ છે, પરંતુ જો શરીરનો યોગ્ય ખ્યાલ ન રાખવામાં આવે તો તે સાંધાના દુખાવાની ઋતુ પણ બની શકે છે. દુખાવાને અવગણશો નહીં, પેઇનકિલર સ્વયં લેતા ન રહો અને જરૂર પડે ત્યારે ઓર્થોપેડિક નિષ્ણાતની સલાહ લો. યોગ્ય જીવનશૈલી, નિયમિત કસરત અને સમયસર સારવારથી ચોમાસાનો આનંદ પણ માણી શકાય અને સાંધાઓને પણ સ્વસ્થ રાખી શકાય.
About The Author
Dr. Manish M. Mendpara is an Orthopaedic and Robotic Joint Replacement Surgeon with expertise in advanced robotic-assisted knee and hip replacement surgeries. He is associated with OM Hospital, Surat, where he specializes in minimally invasive joint replacement techniques, including the Subvastus approach, helping patients recover faster with less pain. Dr. Mendpara regularly writes on orthopaedic health, arthritis, sports injuries, joint preservation, and innovations in robotic surgery, with the aim of creating awareness about evidence-based bone and joint care.

