- World
- ભાજપ સરકારના મંત્રીના ભત્રીજી સ્વીડનના સાંસદ બન્યા, જાણો કોણ છે મહારાષ્ટ્રના નીલા વિખે પાટીલ
ભાજપ સરકારના મંત્રીના ભત્રીજી સ્વીડનના સાંસદ બન્યા, જાણો કોણ છે મહારાષ્ટ્રના નીલા વિખે પાટીલ
મહારાષ્ટ્રના વિખે પરિવાર સાથે સંકળાયેલા નીલા વિખે પાટીલ સ્વીડનની સંસદમાં ચૂંટાયા છે. ભારતીય મૂળના નીલા પાટીલને સ્વીડનની 'ગ્રીન પાર્ટી'નું સમર્થન પ્રાપ્ત છે. તેમણે આ પક્ષના ચૂંટણી ચિન્હ પર સ્ટોકહોમથી ચૂંટણી લડી હતી અને સંસદ (રિક્સડેગ) પહોંચ્યા. આ ઐતિહાસિક પ્રસંગે નીલાએ ભારતમાં રહેલા તેમના રાજકીય મૂળને પણ યાદ કર્યા હતા. તેમણે તેમના દાદા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી બાળાસાહેબ વિખે પાટીલને યાદ કરતા જણાવ્યું હતું કે, જ્યારે તેઓ માત્ર 15 વર્ષના હતા ત્યારે તેમના દાદા તેમને સમગ્ર કેન્દ્રીય બજેટ વાંચવા માટે કહેતા હતા.
PTI સાથે વાત કરતા તેમણે કહ્યું કે, મને આશા છે કે હું મારા દાદાને ગૌરવ અપાવી શકીશ. જ્યારે હું 15 વર્ષની હતી ત્યારે તેઓ મને આખું કેન્દ્રીય બજેટ વાંચવા માટે કહેતા હતા. ઉલ્લેખનીય છે કે, નીલાના કાકા રાધાકૃષ્ણ વિખે પાટીલ હાલમાં મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી છે.
નીલા વિખે પાટીલ કોણ છે?
નીલા વિખે પાટીલ એ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી બાળાસાહેબ વિખે પાટીલના પુત્ર અશોક વિખે પાટીલના પુત્રી છે. તેમનો જન્મ સ્વીડનમાં થયો હતો. જોકે, તેમણે તેમનું શરૂઆતનું બાળપણ મહારાષ્ટ્રના અહમદનગરમાં વિતાવ્યું હતું.
ત્યારબાદ, તેઓ તેમના પરિવાર સાથે સ્વીડન પરત જતા રહ્યા. સ્વીડનની ગોથેનબર્ગ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી અર્થશાસ્ત્ર અને કાયદામાં સ્નાતક થયા પછી, તેમણે MBA કર્યું. તેમણે મેડ્રિડની કોમ્પ્લુટેન્સ યુનિવર્સિટી ડી કોમ્યુટેન્સમાંથી પણ MBA પૂર્ણ કર્યું. શિક્ષણ પૂર્ણ કર્યા પછી નીલાએ ધીમે ધીમે સ્વીડિશ રાજકારણમાં પોતાની આગવી ઓળખ બનાવી. ચૂંટણી લડતા પહેલા, તેમણે સ્વીડનના વડાપ્રધાન કાર્યાલયમાં સલાહકાર તરીકે કામ કર્યું હતું.
સ્વીડનમાં સાંસદ બનેલા નીલા વિખે પાટીલે જણાવ્યું હતું કે તેઓ હજી પણ તેમના ભારતીય મૂળને ભૂલ્યા નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે સ્વીડનમાં રહેવા અને કામ કરવા છતા તેઓ ભારત સાથે જોડાયેલા છે. તેમણે કહ્યું કે, મને ભારત ખૂબ ગમે છે. હું એક મજબૂત જોડાણ અનુભવું છું. મારા ઘણા નજીકના મિત્રો ભારતીય છે.
વિખે પરિવાર મહારાષ્ટ્રમાં એક જાણીતું નામ રહ્યું છે અને શિક્ષણ તથા રાજકારણના ક્ષેત્રો સાથે તેમનો લાંબા સમયથી સંબંધ રહ્યો છે. નીલાના પરદાદા વિઠ્ઠલરાવ વિખે પાટીલે એશિયાની પ્રથમ સહકારી ખાંડ મિલની સ્થાપના કરી હતી. તેમના દાદા કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે અને તેમના પિતા જાણીતા શિક્ષણવિદ્ છે. તો, તેમના કાકા રાધાકૃષ્ણ વિખે પાટીલ હાલમાં મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી છે.

