- Sports
- 700 રન બનાવ્યા તેમ છતા હાથમાં આવેલી મેચ કેવી રીતે ગુમાવી બેઠી ભારતીય ટીમ, બેસિન રિઝર્વમાં થાપ ખાઈ ગય...
700 રન બનાવ્યા તેમ છતા હાથમાં આવેલી મેચ કેવી રીતે ગુમાવી બેઠી ભારતીય ટીમ, બેસિન રિઝર્વમાં થાપ ખાઈ ગયો ગિલ?
સાંભળવામાં ખૂબ જ વિચિત્ર લાગી શકે છે કે કોઈ ટીમ 720 રન બનાવીને પણ મેચ ન જીતી શકી. પરંતુ બેસિન રિઝર્વમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમ સાથે પણ બિલકુલ આવું જ થયું. મેચમાં ટોસ જીતીને, ભારતે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને યજમાન ન્યૂઝીલેન્ડની ટીમને પ્રથમ ઇનિંગ્સમાં 368 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ત્યારબાદ ભારતે 720 રનનો વિશાળ સ્કોર બનાવીને પોતાની ઇનિંગ્સ ડિકલેર કરી. ભારતને પ્રથમ ઇનિંગમાં 352 રનની લીડ મળી હતી.
અહીંથી, ભારતીય ટીમ પાસે તક હતી કે તે ઇનિંગથી જીતી શકતી હતી, પરંતુ છેલ્લા દિવસે ડેરીલ મિચેલ અને ગ્લેન ફિલિપ્સે આ આશાઓ પર પાણી ફેરવી દીધું. ચાલો સમજીએ કે ભારતીય ટીમ ક્યાં થાપ ખાઈ ગઈ, જેના કારણે તેને ડ્રોથી સંતોષ માનવો પડ્યો.
શું ભારતે પોતાની ઇનિંગ બહુ મોડી ડિક્લેર કરી?
ભારતે પોતાની પ્રથમ ઇનિંગ 9 વિકેટે 720 રન બનાવીને ડિકલેર કરી. કેપ્ટન શુભમન ગિલે ચોથા દિવસે લંચ બ્રેક નજીક આ નિર્ણય લીધો હતો. જો ગિલે થોડી ઓવરો પહેલા લગભગ 300 રનની આસપાસની લીડ સાથે ઇનિંગ ડિકલેર કરી હોત, તો કદાચ બોલરોને ન્યૂઝીલેન્ડને છેલ્લી ઇનિંગમાં ઓલઆઉટ કરવા માટે વધારાની 15-20 ઓવરો મળી શકી હોત, જેનાથી કદાચ ડ્રો થયેલી મેચ જીતમાં પરિણમી શકી હોત.
રમતના પાંચમા દિવસે ફિલ્ડિંગમાં પણ કેટલીક ગંભીર ભૂલો થઈ. ભારતને જીતવા માટે માત્ર 5 વિકેટની જરૂર હતી, ત્યારે 95મી ઓવરમાં સિલી પોઈન્ટ પર તૈનાત દેવદત્ત પડિક્કલે એક મહત્ત્વપૂર્ણ કેચ છોડી દીધો. પ્રથમ ઇનિંગમાં પણ પડિક્કલ અને રિષભ પંત વચ્ચે તાલમેલના અભાવને કારણે હેનરી નિકોલ્સને 102 રનના સ્કોર પર જીવનદાન મળ્યું હતું. આ ઉપરાંત, પાંચમા દિવસે ડેરીલ મિશેલને રન-આઉટ કરવાની તક પણ હાથમાંથી જતી રહી. ફિલ્ડિંગમાં થયેલી આ ભૂલો ભારતીય ટીમને ભારે પડી ગઇ.
શું ભારતીય ટીમને એક નિષ્ણાત સ્પિનરની ખોટ અનુભવાઇ
ન્યૂઝીલેન્ડ સામેની આ ટેસ્ટ મેચ માટે, ભારતીય ટીમે ચાર ફાસ્ટ બોલરોને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે વોશિંગ્ટન સુંદર એકમાત્ર સ્પેશિયાલિસ્ટ સ્પિનર હતો. બેસિન રિઝર્વમાં ચોથા અને પાંચમા દિવસે પિચની સ્થિતિ જે રીતે બદલાઈ, તેને જોતા રવિન્દ્ર જાડેજા અથવા અન્ય કોઈ સ્પેશિયાલિસ્ટ સ્પિનરની ગેરહાજરી સ્પષ્ટપણે જોવા મળી હતી. ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમે બોલિંગમાં સારી શરૂઆત કરી હતી. ન્યૂઝીલેન્ડની પ્રથમ ઇનિંગમાં એક સમયે ભારતે 70 રનના સ્કોર પર 5 વિકેટ હાંસલ કરી લીધી હતી; પરંતુ ત્યારબાદ તેઓ કિવી ટીમના મિડલ ઓર્ડરના બેટ્સમેનોને જલદી આઉટ ન કરી શક્યા, જેને કારણે ન્યૂઝીલેન્ડે પોતાની પ્રથમ ઇનિંગમાં 368 રન બનાવ્યા અને પોતાને મેચમાં મજબૂત સ્થિતિ જાળવી રાખી.

