- Sports
- ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટમાં સિરાજને બહાર બેસાડવાનો નિર્ણય યોગ્ય છે, બેટિંગ કોચે કર્યો ટીમ મેનેજમેન્ટ...
ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટમાં સિરાજને બહાર બેસાડવાનો નિર્ણય યોગ્ય છે, બેટિંગ કોચે કર્યો ટીમ મેનેજમેન્ટનો બચાવ
ભારતીય ટીમના બેટિંગ કોચ સિતાંશુ કોટકે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચ માટેની પ્લેઈંગ ઈલેવન માંથી ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને બહાર રાખવાના નિર્ણયનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે ટીમની પસંદગી માત્ર પ્રથમ દિવસના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી નથી, પરંતુ 5 દિવસની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતા શ્રેષ્ઠ સંયોજન પસંદ કરવામાં આવ્યું.
ભારતે ન્યૂઝીલેન્ડ સામે 4 ફાસ્ટ બોલરોને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો. જસપ્રીત બૂમરાહના નેતૃત્વમાં આ બોલિંગ આક્રમણમાં પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ અને અંશુલ કંબોજને જગ્યા મળી, જ્યારે અનુભવી મોહમ્મદ સિરાજે બહાર બેસવું પડ્યું.
સિરાજને બહાર રાખવાના નિર્ણય અંગેના પ્રશ્નોના જવાબમાં કોટકે કહ્યું કે, સિરાજ સાથે કોઈ સમસ્યા નથી. જ્યારે અમે ટીમની પસંદગી કરી, ત્યારે અમને લાગ્યું કે આ જ શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન છે. મને નથી લાગતું કે સિરાજને બહાર રાખવો એ ખોટો નિર્ણય હતો. આ તો માત્ર પ્રથમ દિવસ છે; અમે પસંદગી માત્ર પ્રથમ દિવસ માટે કરતા નથી, પરંતુ બીજા, ત્રીજા અને ચોથા દિવસને પણ ધ્યાનમાં લઈએ છીએ.
કોટકે ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કરવા પાછળનું કારણ પણ જણાવ્યું. તેમણે કહ્યું કે ન્યૂઝીલેન્ડના ટોપ ઓર્ડરમાં ચાર ડાબા હાથના બેટ્સમેનો હોવાને કારણે સુંદરને પ્રાથમિકતા આપવામાં આવી. કોટકે કહ્યું કે, અમે વોશિંગ્ટનને પ્રાથમિકતા આપી કારણ કે તેમના ટોપ ઓર્ડરમાં ચાર ડાબા હાથના બેટ્સમેનો હતા. આ મેચ માટે આ શ્રેષ્ઠ બોલિંગ આક્રમણ છે.
ભારતીય બોલરોએ સારી શરૂઆત કરતી ન્યૂઝીલેન્ડની 4 વિકેટ માત્ર 60 રનમાં પાડી દીધા હતા. જોકે, 30 ઓવર પછી જ્યારે 'કૂકાબુરા' બોલની ચમક ઓછી થઈ ગઈ, ત્યારે ભારતીય ફાસ્ટ બોલરોને વધુ વિકેટ લેવામાં મુશ્કેલી પડી. ત્યારબાદ, હેનરી નિકોલ્સ અને ગ્લેન ફિલિપ્સે શાનદાર બેટિંગ કરીને પોતાની ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢી. દિવસના અંત સુધીમાં, ન્યૂઝીલેન્ડે તેમની પ્રથમ ઇનિંગમાં 5 વિકેટ ગુમાવીને 243 રન બનાવ્યા હતા, જેમાં નિકોલ્સ (113*) અને ફિલિપ્સ (94*) અણનમ રહ્યા હતા.
કોટકે યુવા ફાસ્ટ બોલર અંશુલ કંબોજની બોલિંગ ગતિનો પણ બચાવ કર્યો હતો. આ મેચમાં, કંબોજ 126 થી 130 કિમી/કલાકની ઝડપે બોલિંગ કરી રહ્યો છે. તેની ગતિ અંગે ઉઠી રહેલા સવાલો પર કોટકે કહ્યું કે, હા, ગતિ ત્રીજા સ્પેલમાં મહત્ત્વપૂર્ણ બની જાય છે. કંબોજની ગતિ 130, 128 અને કેટલાક બૉલ પર 126 કિમી/કલાક છે, જે એકદમ યોગ્ય છે.
તો, પ્રસિદ્ધ કૃષ્ણાની બોલિંગનો બચાવ કરતા કોટકે જણાવ્યું કે તે આક્રમક બોલર છે, અને આ કારણે ક્યારેક-ક્યારેક રન પણ ખર્ચે છે. તેમણે કહ્યું કે, પ્રસિદ્ધ એક આક્રમક બોલર છે, અને અમે જાણીએ છીએ કે તે થોડા રન આપશે. જ્યારે તે વિકેટ લે છે ત્યારે આપણને સારું લાગે છે, પરંતુ જ્યારે તેની બોલિંગ પર રન બને છે ત્યારે આપણને નથી ગમતું. કોઇ ખેલાડીને જોવાની આ રીત ઉચિત નથી.

