- Gujarat
- ‘રિફંડ નથી જોઈતું, તમારી ભિખારી કંપનીને ડોનેટ કરું છું..’, અમદાવાદ એરપોર્ટ પર સ્પાઇસજેટની ફ્લાઇટ 10
‘રિફંડ નથી જોઈતું, તમારી ભિખારી કંપનીને ડોનેટ કરું છું..’, અમદાવાદ એરપોર્ટ પર સ્પાઇસજેટની ફ્લાઇટ 10 વખત ડીલે થઈ કેન્સલ થતા મુસાફર વિફર્યા
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફરી એકવાર ખાનગી એરલાઇન્સ કંપની સ્પાઇસજેટની ઘોર બેદરકારી અને અણઘડ વહીવટને કારણે બુધવારે રાત્રે 10.20 વાગ્યે અમદાવાદથી નવી દિલ્હી જવા રવાના થનારી ફ્લાઇટને એક-બે વાર નહીં, પરંતુ અંદાજે 10 વખત ડીલે કર્યા બાદ અંતે રાત્રે 12:00 વાગ્યે અચાનક જ કેન્સલ કરી દેવામાં આવી હતી. એરલાઇન્સના આ મનસ્વી નિર્ણયને કારણે 100થી વધુ મુસાફરો અડધી રાત્રે એરપોર્ટ પર રઝળી પડ્યા હતા, જેના પગલે ટર્મિનલ પર ભારે હોબાળો મચી ગયો હતો.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, આ ઘટનાને પગલે મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને સ્પાઇસજેટના કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. લોકોના જણાવ્યાં મુજબ, એરલાઇન્સના સ્ટાફ દ્વારા શરૂઆતમાં ફ્લાઇટ જશે, તેવો ખોટો ભરોસો આપીને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા, જેના કારણે તેઓ કોઈ બીજો વિકલ્પ પણ પસંદ કરી શક્યા નહોતા.
https://twitter.com/middaygujarati/status/2123315166477783295?a=Kfr6iu37Om2WsO4SzsQ&s=20
કલાકો સુધી હેરાન થયા બાદ જ્યારે સ્પાઇસજેટના કર્મચારીઓએ મુસાફરોને ટિકિટનું રિફન્ડ આપવાની વાત કરી ત્યારે એક મુસાફરનું મગજ છટકી ગયું. તેણે ભારે આક્રોશ સાથે સ્ટાફને કહી નાખ્યું કે, મારે રિફન્ડ નથી જોઈતું, હું તમને અને તમારી આ ભિખારી કંપનીને ડોનેટ કરું છું. આ સાથે અન્ય મુસાફરે કહ્યું કે, રિફન્ડની વાત ન કરો તમે, અગાઉ પણ મારી સાથે આવું જ થયું હતુ, જેનું રિફન્ડ મને ચાર મહિના બાદ મળ્યું હતું. રિફન્ડ પણ સમયસર મળતું નથી.
https://twitter.com/Jamawat3/status/2123318680192954605?a=5nPamq8Y_CFRGjYgcY4&s=20
આ ઉપરાંત, મુસાફરોએ એવો પણ ગંભીર આરોપ લગાવ્યો હતો કે, લોકોની લાચારી અને મુશ્કેલી જોઈને સ્પાઇસજેટના કર્મચારીઓ મદદ કરવાને બદલે હસીને મજાક ઉડાવી રહ્યા હતા. વીડિયોમાં લોકો સ્પાઇસજેટના કર્મચારીઓને કહી રહ્યા છે કે, લોકોની સમસ્યા જોઈને તમે લોકો દાંત કાઢી રહ્યા છો. અત્યાર સુધીમાં પાણીનું પણ પૂછવામાં આવ્યું નથી.
સૌથી વધુ કફોડી હાલત દૂર-દૂરથી આવેલી મહિલા મુસાફરો અને પરિવારોની થઈ છે. ફ્લાઇટ રદ થયા બાદ એરલાઇન્સ દ્વારા મુસાફરો માટે ન તો રહેવાની હોટેલ અથવા સ્ટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે, કે ન તો અન્ય કોઈ ફ્લાઇટમાં વૈકલ્પિક મુસાફરીની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. આ ઉપરાંત, કલાકોથી હેરાન થઈ રહેલા મુસાફરોને એરપોર્ટ પર પ્રાથમિક સુવિધા કે પીવાના પાણી માટે પણ પૂછવામાં ન આવ્યું હોવાના ગંભીર આક્ષેપો સાથે મુસાફરોએ એરપોર્ટ પર ભારે હોબાળો મચાવ્યો હતો.

