- Gujarat
- પાટીદાર આંદોલનના 11 વર્ષે દિનેશ બાંભણિયાને આનંદીબેનની માફી કેમ માંગવી છે?
પાટીદાર આંદોલનના 11 વર્ષે દિનેશ બાંભણિયાને આનંદીબેનની માફી કેમ માંગવી છે?
ગુજરાતના રાજકારણમાં 11 વર્ષ અગાઉ થયેલું પાટીદાર અનામત આંદોલન ય ચર્ચાનું વિષય બન્યું છે. જસદણ ખાતે યોજાયેલા એક સ્નેહમિલન કાર્યક્રમમાં દિનેશ બાંભણિયાએ કહ્યું કે પાટીદાર સમાજે અનામત આંદોલન દરમિયાન એક સારા મુખ્યમંત્રી ગુમાવ્યા છે. અમે આ ઘટનામાં નિમિત્ત બન્યા તેનું અમને દુઃખ છે. સાથે જ તેમણે આનંદીબેન પટેલને મળીને માફી માંગવાની પણ ઇચ્છા વ્યક્ત કરી હતી. દિનેશ બાંભણિયાના આ નિવેદનથી પાટીદાર અનામત આંદોલનના જૂના દિવસોની ચર્ચા ફરી શરૂ થઈ છે.
આંદોલન દરમિયાન આનંદીબેન પટેલ અને પાટીદાર આગેવાનો વચ્ચે ભારે રાજકીય ખેંચતાણ જોવા મળી હતી. તે સમયે હાર્દિક પટેલ દ્વારા આનંદીબેનને વારંવાર ફોઈ કહીને સંબોધિત કરવાના મુદ્દે પણ વિવાદ સર્જાયો હતો. હવે આંદોલનના વર્ષો બાદ દિનેશ બાંભણિયાએ જાહેરમાં વસવસો વ્યક્ત કરતા આનંદીબેન પટેલને મળીને માફી માંગવાની વાત કરી છે. પાટીદાર સંમેલનના મંચ પરથી પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવ્યાનો અફસોસ વ્યક્ત કરતા રાજ્યના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ત્યારબાદ એક એક બાદ પાટીદાર આંદોલન સાથે જોડાયેલા તત્કાલીન ચહેરાઓ અને વર્તમાન રાજકીય નેતાઓના નિવેદન સામસામે આવી ગયા છે.
બીજી તરફ, દિનેશ બાંભણિયાના નિવેદન બાદ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલનું નિવેદન પણ ચર્ચામાં આવ્યું છે. અનાર પટેલે જણાવ્યું હતું કે તેમની માતા આનંદીબેન પટેલના હૃદયમાં કંઈ નથી. પાટીદાર સમાજના દીકરાઓ પ્રત્યે કોઈ દુઃખ કે નારાજગી નથી. તેમણે પાટીદાર આગેવાનોને આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરાવવાનું વચન પણ આપ્યું છે. અનાર પટેલના આ નિવેદનથી પાટીદાર આગેવાનો અને આનંદીબેન પટેલ વચ્ચે ફરી સંવાદનો માર્ગ ખુલે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
ગુજરાત ફર્સ્ટના અહેવાલ મુજબ, જસદણના સંમેલન બાદ દિનેશ બાંભણિયાએ પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, પાટીદાર આંદોલનથી સમાજને બે મોટા નુકસાન થયા છે. એક તરફ આંદોલનમાં સમાજના 14 આશાસ્પદ દીકરાઓ શહીદ થયા અને અનેક યુવાનોને જેલવાસ ભોગવવો પડ્યો. બીજી તરફ, આંદોલનના બહાને આપણે એક સારા અને મજબૂત પાટીદાર મુખ્યમંત્રી ગુમાવ્યા.

બાંભણિયાએ પૂર્વ CM આનંદીબેન પટેલના રાજીનામાને સમાજ માટે મોટું નુકસાન ગણાવતા કહ્યું કે, આનંદીબેનને દૂર કરીને સમાજને નુકસાન થયું છે, જેનું અમને દિલથી ખૂબ દુઃખ થાય છે. તેથી જ મેં જાહેરમાં આનંદીબેન પટેલની માફી માંગી છે. જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તેમના આ નિવેદનથી આગામી 2027ની વિધાનસભા ચૂંટણી પર કોઈ અસર નહીં પડે.
આ સમગ્ર વિવાદમાં સરદાર પટેલ ગ્રુપ (SPG)ના અધ્યક્ષ લાલજી પટેલે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘હું 11 વર્ષથી અપીલ કરતો આવ્યો છું કે પાટીદાર નેતાઓનો વિરોધ ન કરો, પરંતુ 11 વર્ષ બાદ આજે લોકોને સાચા નેતાની ઓળખ થઈ છે. તે સમયે પાટીદાર નેતાઓને રાજકીય રીતે ખતમ કરવાનું મોટું ષડયંત્ર રચાયું હતું અને તેમાં પાટીદાર નેતાઓનો ભોગ લેવાયો હતો. તેમણે આનંદીબેન પટેલની વહીવટી પકડ મજબૂત હોવાનું સ્વીકારતા ટકોર કરી કે હવે પસ્તાવો કરવાને બદલે સમાજના બાકી રહેલા પ્રશ્નો અને આંદોલન પર ધ્યાન આપવાની જરૂર છે.’
પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના અગ્રણી ગીતા પટેલે કહ્યું કે, તેમણે સામાજિક મંચ પરથી પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. કેટલાય લોકો એવું માને છે કે આંદોલનના કારણે રાજીનામું થયું, પરંતુ આનંદીબેનના રાજીનામાના દોષિત અમે આંદોલનકારીઓ નથી. ભાજપના આંતરિક વિવાદને કારણે આનંદીબેન પટેલે રાજીનામું આપવું પડ્યું હતું. અમારું આંદોલન સમાજને અનામત અપાવવા માટે હતું, કોઈ મુખ્યમંત્રીને હટાવવા માટે નહોતું. આંદોલનમાં અનેક યુવાનોએ જીવ ગુમાવ્યો અને પરિવારોએ પોતાના દીકરા ગુમાવ્યા એ વાતનું અમને સૌને ઊંડું દુઃખ છે.

તો ભાજપના ધારાસભ્ય અને તત્કાલીન આંદોલનના મુખ્ય ચહેરા હાર્દિક પટેલે બાંભણિયાના આ નિવેદનને તેમનું અંગત મંતવ્ય ગણાવ્યું, તેમણે કહ્યું કે, પાટીદાર આંદોલન કોઈ વ્યક્તિ કે મુખ્યમંત્રીને હટાવવા માટે નહોતું, પરંતુ સમગ્ર સમાજના હિત અને અધિકાર માટે હતું. આંદોલનને કારણે કોઈએ રાજીનામું આપવું પડ્યું નથી. ઉલટાનું આ આંદોલનના કારણે જ દેશના બિન-અનામત વર્ગને 10 ટકા EWS અનામતનો ઐતિહાસિક લાભ મળ્યો છે.
કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ આનંદીબેન પટેલને CM પદેથી હટાવ્યાનો અફસોસ વ્યક્ત કરવાની સાથે જ બાંભણિયાના દાવાને પાયાવિહોણો ગણાવ્યો હતો. વસોયાએ સ્પષ્ટ કહ્યું કે, પાટીદાર આંદોલન આનંદીબેન પટેલની સામે નહોતું અને તેમને હટાવવા માટે કોઈ રણનીતિ ઘડાઈ નહોતી.
પાટીદાર આગેવાન પૂર્વીન પટેલે કહ્યું કે, હું દિનેશ બાંભણિયાના નિવેદન સાથે સહમત છું. આંદોલનના કારણે આનંદીબેન પટેલે હટવું પડ્યું હતું અને આજે ગુજરાતના વહીવટમાં આનંદીબેન પટેલની ગેરહાજરી હાલ સ્પષ્ટપણે વર્તાય છે.
જ્યારે સમગ્ર વિવાદ જ્યાંથી શરૂ થયો તે જસદણના કાર્યક્રમ અંગે ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, તે ખોડલધામનો સામાજિક મંચ હતો. મેં અગાઉથી જ કહ્યું હતું કે આ મંચ પરથી કોઈપણ પ્રકારની રાજકીય ટિપ્પણી ન થવી જોઈએ. આમ, 11 વર્ષ બાદ પાટીદાર આંદોલનના ઇતિહાસ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના રાજીનામાના મુદ્દે શરૂ થયેલા આત્મમંથને ગુજરાતના રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે.
નોંધનીય છે કે પાટીદાર અનામત આંદોલન દરમિયાન ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. આંદોલન વચ્ચે આનંદીબેન પટેલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામા બાદ આનંદીબેન પટેલે એક ગુજરાતી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં આંદોલન અને હાર્દિક પટેલ અંગે ખુલીને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે હાર્દિક સરકારને ખોટી રીતે બદનામ કરી રહ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. હવે 11 વર્ષ બાદ દિનેશ બાંભણિયાના નિવેદને ગુજરાતના રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા જગાવી છે

