CM ભૂપેન્દ્ર પટેલે દાહોદ પ્રવાસના બીજા દિવસે આદિવાસી પરિવારની ઓચિંતી મુલાકાત લીધી

સામાન્ય રીતે એવું જોવા મળે કે મુખ્યમંત્રીનો કાફલો પસાર થાય અને લોકો તેમને માત્ર દૂરથી જ જોતા રહી જાય. પરંતુ દાહોદ જિલ્લાના પ્રવાસના બીજા દિવસે રતનમહાલ પ્રોજેક્ટની મુલાકાત પૂર્ણ કરીને ગરબાડા જતી વખતે તેમણે રસ્તામાં આવતા પીપર ગોટા ગામે અચાનક કાર થોભાવી હતી. ત્યારબાદ ગામના કાચા રસ્તા પરથી ચાલીને તેઓ આદિવાસી ખેડૂત બકુલભાઈ વાખળાના ઘરે પહોંચ્યા હતા અને પરિવાર સાથે ખેતીથી લઈને બાળકોના અભ્યાસ સુધીની વાતો કરી હતી. મુખ્યમંત્રીના આ સાદગીભર્યા અંદાજથી ગામના લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

bhupendra patel
x.com/Bhupendrapbjp

મુખ્યમંત્રીએ બકુલભાઈ વાખળા અને તેમના પરિવાર સાથે મુલાકાત દરમિયાન મકાઈની ખેતી, ખેતીમાંથી થતી આવક અને પરિવારની આજીવિકા અંગે વાતચીત કરી હતી. આ ઉપરાંત પરિવારના બાળકો સાથે પણ તેમણે વાત્સલ્યભર્યા અંદાજમાં સંવાદ કર્યો હતો અને તેમના અભ્યાસ તથા શાળા વિશે વિગતો જાણી હતી.

પીપર ગોટા જેવા નાનકડા આદિવાસી ગામમાં મુખ્યમંત્રીની ઓચિંતી મુલાકાતથી સ્થાનિક પરિવારોમાં આનંદની લાગણી જોવા મળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરળ અને સહજ શૈલીથી ગ્રામજનોને પોતાના પરિવારના કોઈ વડીલ ઘરે હાલચાલ પૂછવા આવ્યા હોય તેવી લાગણી થઈ હતી. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ સામાન્ય આદિવાસી પરિવાર સાથે સીધો સંવાદ સાધ્યો હતો.

તેમણે આ અંગે ટ્વીટ કરતા લખ્યું કે, રતનમહાલથી ગરબાડા પરત આવી રહ્યો હતો ત્યારે માર્ગમાં આવેલા નાનકડા આદિવાસી ગામ પીપર ગોટા પાસે ગાડી રોકાવી.. ત્યાંના રહેવાસી અને ખેડૂત બકુલભાઈના ઘરે પહોંચ્યો.. તેમના પરિવારજનો સાથે વાતચીત કરી.  મકાઈની ખેતી અને આજીવિકા અંગે વિગતો જાણી. ઘરના દીકરા સાથે અભ્યાસ અને શાળા વિશે વાતચીત કરી.. મન વાત્સલ્યના ભાવથી ભરાઈ ગયું. દીકરાના ઉજ્જવળ ભવિષ્યની કામના સહજ થઈ આવી.  આદિવાસી પરિવારોનો નિખાલસ પ્રેમ અને ઉષ્માસભર આવકાર હૃદયને સ્પર્શી જાય તેવો છે.

ભુપેન્દ્ર પટેલે દાહોદ જિલ્લાના મારા પ્રવાસના બીજા દિવસે ધાનપુર તાલુકાના પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર રતનમહાલ પ્રોજેક્ટની મુલાકાત લીધી. ​વિંધ્યાચલ, અરવલ્લી અને સાતપુડાની ગિરિમાળાઓના સંગમ સમો આ વિસ્તાર અને રીંછ અભયારણ્ય પર્યાવરણ સંરક્ષણ તેમજ ઇકો-ટૂરિઝ્મની અપાર સંભાવનાઓ ધરાવે છે. તેમણે આ અંગે લખ્યું કે, પ્રકૃતિના ખોળે સ્થાનિક વિકાસ કાર્યોના આયોજનની સમીક્ષા કરી. સ્થાનિકો સાથે ચા ની ચૂસ્કીનો આનંદ લીધો અને સહજ સંવાદ કર્યો.. પ્રકૃતિની સુંદરતા નિહાળીને અનોખી ઊર્જાનો અનુભવ થયો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદ જિલ્લાની ત્રિદિવસીય મુલાકાતના બીજા દિવસે ધાનપુર તાલુકાના રતનમહાલના ગાઢ જંગલની વચ્ચે આવેલા ભુવેરો ગામના પ્રાચીન બાબાદેવના સ્થાનકે પહોંચીને શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા હતા. આદિવાસી સમાજની ધાર્મિક આસ્થા, પરંપરા અને સંસ્કૃતિના પ્રતીક સમાન આ સ્થાનકે મુખ્યમંત્રીશ્રીએ ગ્રામજનો સાથે જમીન પર સાદગીપૂર્વક બેસીને સંવાદ કર્યો હતો તેમજ ગ્રામજનોની વાતો અને સ્થાનિક પ્રશ્નો સાંભળ્યા હતા. મુખ્યમંત્રીએ આ સાથે સખી મંડળની બહેનો દ્વારા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો, ખજૂરીના પાનમાંથી બનાવેલ છાબડી, હર્બલ સાબુ, તીર કમાન જેવી બનાવટો પ્રદર્શિત કરતા સ્ટોલની મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગરબાડા તાલુકાના 72 કલાકના પ્રવાસ દરમિયાન પ્રથમ દિવસે સરાબલી (ગાંગરડી) ગામ ખાતે એક અદના આદિવાસી પરિવારના ઘરે નીચે બેસીને પરંપરાગત આદિવાસી ભોજન લીધું હતું. મુખ્યમંત્રીએ આ પરિવારના વડિલો અને બહેનો સાથે વાતચિત કરીને પારિવારિક સ્થિતી જાણી હતી તેમજ બાળકોના અભ્યાસ, પરિવારની આજિવિકા અંગે વાત કરી હતી. ગરબાડા તાલુકાના ભિંડોલ ગામમાં રાત્રિ રોકાણ દરમિયાન ગ્રામજનો સાથે ખાટલા બેઠક કરીને ગ્રામીણ નાગરિકોની રજૂઆતો સાંભળી હતી તેમજ સહજ સંવાદ સાધીને ગ્રામીણ જનજીવનની જાણકારી મેળવી હતી.

bhupendra patel
x.com/Bhupendrapbjp

આદિવાસી ભજન મંડળીના ભજન-કીર્તન શ્રવણનો પણ લ્હાવો લીધો હતો. આદિવાસી વિસ્તાર ગરબાડાના પોતાના ત્રીદિવસીય પ્રવાસની પ્રથમ રાત્રીએ ધાનપુરના ભિંડોલ ગામના આદિજાતિ તડવી પરિવારના ઘરે જમીન પર બેસી પરિવારજનો સાથે પડિયા-પતરાળીમાં પરંપરાગત આદિવાસી ભોજનનો સ્વાદ માણ્યો હતો.

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાહોદ જિલ્લાના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન અલગ-અલગ વિસ્તારોની મુલાકાત લઈને સ્થાનિક લોકો સાથે સંવાદ કરી રહ્યા છે. આ પ્રવાસનો મુખ્ય હેતુ લોકોની વચ્ચે જઈ તેમની સમસ્યાઓ અને જરૂરિયાતો સમજવાનો છે. રતનમહાલમાં ચાર ગામના લોકો સાથેની ચર્ચા અને પીપર ગોટા ગામે ખેડૂત પરિવારની મુલાકાતે મુખ્યમંત્રીના આ પ્રવાસને ખાસ બનાવ્યો છે.

About The Author

Top News

પાટીદાર આંદોલનના 11 વર્ષે દિનેશ બાંભણિયાને આનંદીબેનની માફી કેમ માંગવી છે?

ગુજરાતના રાજકારણમાં 11 વર્ષ અગાઉ થયેલું પાટીદાર અનામત આંદોલન ય ચર્ચાનું વિષય બન્યું છે. જસદણ ખાતે યોજાયેલા એક સ્નેહમિલન કાર્યક્રમમાં...
Gujarat 
પાટીદાર આંદોલનના 11 વર્ષે દિનેશ બાંભણિયાને આનંદીબેનની માફી કેમ માંગવી છે?

મેં કોર્પોરેટ ટેક્સ 30%થી ઘટાડી 22% કર્યો, તમે તમારા કર્મચારીઓની સેલેરી વધારી કે નહીં? ઉદ્યોગપતિઓને PM મોદીનો સવાલ

ગુરુવારે નવી દિલ્હીમાં FICCIના એક કાર્યક્રમમાં બોલતા PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, હાલના તબક્કે ભારતનો વિકાસ દર...
National 
મેં કોર્પોરેટ ટેક્સ 30%થી ઘટાડી 22% કર્યો, તમે તમારા કર્મચારીઓની સેલેરી વધારી કે નહીં? ઉદ્યોગપતિઓને PM મોદીનો સવાલ

CM ભૂપેન્દ્ર પટેલે દાહોદ પ્રવાસના બીજા દિવસે આદિવાસી પરિવારની ઓચિંતી મુલાકાત લીધી

સામાન્ય રીતે એવું જોવા મળે કે મુખ્યમંત્રીનો કાફલો પસાર થાય અને લોકો તેમને માત્ર દૂરથી જ જોતા રહી જાય. પરંતુ...
Gujarat 
CM ભૂપેન્દ્ર પટેલે દાહોદ પ્રવાસના બીજા દિવસે આદિવાસી પરિવારની ઓચિંતી મુલાકાત લીધી

વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતોએ ડાકોરમાં મંદિર માટે જમીન ખરીદવાના નામે ભક્તને 1.25 કરોડનો ચૂનો લગાવ્યો

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો નિવેદનો અને કેટલાક કાર્યોને લઈને અવરનવાર ચર્ચામાં રહે છે. ખાસ કરીને હિન્દુ દેવી-દેવતાઓને લઈને તેઓ સતત વિવાદોમાં...
વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતોએ ડાકોરમાં મંદિર માટે જમીન ખરીદવાના નામે ભક્તને 1.25 કરોડનો ચૂનો લગાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.