- National
- કાકાના ઘરેથી 15 તોલું સોનું ચોરી ભત્રીજો થાર ખરીદી લાવ્યો, પછી પૂજામાં કાકાને જ બોલાવતા ભાંડો ફૂટ્યો...
કાકાના ઘરેથી 15 તોલું સોનું ચોરી ભત્રીજો થાર ખરીદી લાવ્યો, પછી પૂજામાં કાકાને જ બોલાવતા ભાંડો ફૂટ્યો!
મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના પન્હાલા તાલુકાના સાતવે ગામમાંથી ચોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 19 વર્ષીય એક ભત્રીજાએ પોતાના જ કાકાના ઘરેથી 15 તોલા સોનાના ઘરેણાં ચોરી લીધા. ત્યારબાદ તેણે આ ચોરીની રકમમાંથી નવી મહિન્દ્રા થાર ગાડી ખરીદી અને વિડંબના તો જુઓ કે, એ જ ગાડીની પૂજા માટે તેણે પોતાના પીડિત કાકાને જ આમંત્રણ આપી દીધું! કોડોલી પોલીસે ભત્રીજા અને ચોરાયેલા ઘરેણાં ખરીદનાર સોનીની પણ ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાક્રમ કંઈક આ પ્રકારે છે. સાતવે ગામમાં રહેનાર 19 વર્ષીય સમર પોપટ ચવ્હાણના પાડોશમાં જ તેના પિતરાઇ કાકા ઉમેશ મારુતિ ચવ્હાણનું ઘર છે. લગભગ એક મહિના પહેલા તક મળતા જ સમરે તેના કાકાના ઘરેથી 15 તોલા સોનાના ઘરેણાં ચોરી લીધા. ત્યારબાદ તેણે સ્થાનિક સોની સંગ્રામ બાબાસો મોરે માર્ફતે આ ઘરેણાં 10 લાખ રૂપિયામાં વેચી દીધા. ઘરેણાં વેચીને મળેલા 10 લાખ રૂપિયામાંથી સમરે તરત જ નવી મહિન્દ્રા થાર ગાડી ખરીદી લીધી.
ગાડી ઘરે લાવ્યા પછી, સમરે તેના કાકા ઉમેશ ચવ્હાણને ગાડીની પૂજામાં હાજર રહેવા આમંત્રણ આપ્યું. પૂજામાં જવા માટે તૈયારી કરતી વખતે, ઉમેશ ચવ્હાણે પહેરવા માટે પોતાના ઘરેણાં શોધ્યા, ત્યારે તેમને ખબર પડી કે કબાટમાંથી ઘરેણાં ગાયબ છે! હેરાનીની વાત એ હતી કે, નજીકમાં જ રાખેલાં દાદીના ઘરેણાં સુરક્ષિત હતા; માત્ર ઉમેશ ચવ્હાણ અને તેની પત્નીના ઘરેણાં જ ગાયબ થયા હતા. આનાથી પરિવારને શંકા ગઈ કે ચોરી કોઈ બહારની વ્યક્તિએ નહીં, પરંતુ પરિવારના જ કોઈ નજીકના સભ્યએ કરી છે.
પોતાના ઘરેણાં ગાયબ હોવાનું માલૂમ પડતા ઉમેશ ચવ્હાણે કોડોલી પોલીસ સ્ટેશનમાં ચોરીની લેખિત ફરિયાદ નોંધાવી. તપાસ શરૂ થતા જ સમર ચવ્હાણ દ્વારા અચાનક ખરીદવામાં આવેલી મોંઘી ગાડી ખરીદવા અને તેની પાસે અચાનક આવેલી મોટી રકમ પર શંકા ગઇ. કડક પૂછપરછ દરમિયાન સમર ભાંગી પડ્યો અને તેણે પોતાના કાકાના ઘરે ચોરી કરી હોવાની કબૂલાત કરી. ત્યારબાદ, પોલીસે મુખ્ય આરોપી સમર ચવ્હાણ અને ચોરાયેલું સોનું ખરીદનાર ઝવેરી સંગ્રામ મોરેની ધરપકડ કરી.
આ કાર્યવાહી તાલીમાર્થી ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DySP) શ્રીકાંત ઠિકણેના માર્ગદર્શનમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ યુવરાજ પાટીલ અને બાબાસો કીટે, પોલીસ કોન્સ્ટેબલ મહેશ કદમ, અમોલ ચવ્હાણ અને મહેશ શિંદેની ટીમે કરી હતી. કાકાના ઘરે ચોરી કરીને તેને જ પૂજામાં બોલાવવાની આ અજીબોગરીબ હરકત બાદ સમગ્ર સાતવે વિસ્તારમાં આ ઘટનાની ખૂબ ચર્ચા થઇ રહી છે. આ પહેલાં, એક અન્ય ચોરે મંદિરમાં ચોરી કરી હતી, પરંતુ તેને દાનપેટીમાંથી માત્ર 170 રૂપિયા જ મળ્યા હતા; તે ઘટના પણ ખૂબ ચર્ચામાં રહી હતી.

