- Education
- સરકાર ખાનગી શાળાઓમાં અન્ય રાજ્યોની જેમ ફિક્સ વધારો કરે: શાળા સંચાલક મંડળ
સરકાર ખાનગી શાળાઓમાં અન્ય રાજ્યોની જેમ ફિક્સ વધારો કરે: શાળા સંચાલક મંડળ

રાજકોટ સહિત રાજ્યની ખાનગી શાળાઓની ફી નક્કી કરતી ફી નિયમન સમિતિમાં ચેરમેન અને શિક્ષણવિદ સિવાયના 3 સભ્યોની જગ્યા છેલ્લા 3 મહિનાથી ખાલી છે, ત્યારે હવે ફી રેગ્યૂલેશન સમિતિ નાબૂદ કરવા માટે શાળા સંચાલકોની માગ ઉઠી રહી છે. દરમિયાન રાજકોટ ખાનગી શાળા સંચાલક મંડળના પ્રમુખે અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં ટકાવારી મુજબ ફિક્સ ફી વધારો કરવાનું સૂચન કર્યુ છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2017માં રાજ્યના 4 ઝોનમાં ફી નિયમન સમિતિની રચના કરવામાં આવી હતી.
રાજકોટ ફી નિયમન સમિતિના પૂર્વ સભ્ય અને હાલના ખાનગી શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતાએ જણાવ્યું કે, 6 વર્ષના સમયગાળામાં રાજ્યની બધી શાળાઓની ફી નક્કી થઈ ગઈ છે. જેમાં 85 ટકા શાળાઓ એવી છે કે જે રાજ્ય સરકારની પ્રાથમિકમાં 15,000, માધ્યમિકમાં 27,000 અને ઉચ્ચતર માધ્યમિકમાં 30,000 રૂપિયાની ફી સૂચન મુજબ છે. રાજ્યની લગભગ 2,500 ખાનગી શાળાઓ એવી છે જે રાજ્ય સરકારે નક્કી કરેલા ફીના માળખાથી વધારે છે.
ફી નિયમન સમિતિ જે તે શાળાનું બિલ્ડિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટાફ, વિદ્યાર્થીઓને ભણતરમાં ઉપયોગમાં આવતી ટેક્નોલોજી સહિતની બાબતોમાં દસ્તાવોજોને આધારે શાળાની ફી નક્કી કરતી હોય છે. કોઈ પણ શાળાની ફી છેલ્લા 6 વર્ષથી ફી નિયમન સમિતિ નક્કી કરતી હોય ત્યારે શાળાઓના તમામ પાસાઓનું મૂલ્યાંકન થઈ ગયું હોય, ત્યારે ફી નિયમન સહિતની બાબતોમાંથી બહાર નીકળવું હોય તો ખાનગી શાળા સંચાલકો દ્વારા રાજ્ય સરકારને ફિક્સ ફી વધારો કરવાનું સૂચન કરાયું છે.
જેમાં જે ખાનગી શાળાની ફી 50,000 રૂપિયા કે તેથી ઓછી હોય તો તેમાં 7-10 ટકાનો ફી વધારો, 50,000 થી 1 લાખ સુધીની ફી હોય તો તેમને 5-7નો ફી વધારો અને 1 લાખથી વધુ ફી હોય તો 3-5 ટકાનો વધારો શાળાઓ કરી શકે. આ પ્રકારના કોઈ પણ સ્ટેપ સરકાર નક્કી કરી શકે છે. આ પ્રકારની વ્યવસ્થા ભારત દેશના અન્ય રાજ્યોમાં થયેલી છે, ત્યારે આ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે તેવી અપીલ છે. કારણકે દર વર્ષે મોંઘવારીનો દર 5-10 ટકા દર વર્ષે હોય જ છે. તેને RBI અને રાજ્યનું નાણાં મંત્રાલય અનુમોદન આપે છે.
તેમણે આગળ જણાવ્યું કે, કોઈ પણ ખાનગી શાળાઓનો 70 ટકા ખર્ચ શિક્ષકો અને સ્ટાફના પગાર માટે થતો હોય છે. મોંઘવારીના કારણે સ્ટાફના પગારમાં વધારો કરવાનો હોય છે. આ સતત ચાલતી પ્રક્રિયા છે, તેનું જો સરળીકરણ કરવું હોય તો રાજ્ય સરકારનું શિક્ષણ વિભાગ એક્સપર્ટ્સના મંતવ્યોને ધ્યાનમાં લઇ 5-10 ટકાનો ફી વધારો કોઈ શાળાએ કરવો હોય તો તે શાળા કરી શકે. 10 ટકાથી વધુ ફીનો વધારો કોઈ શાળાઓએ કરવો હોય તો તે શાળા સમિતિ સમક્ષ જાય. જેથી વિદ્યાર્થીઓ, વાલીઓ, વિદ્યાર્થી સંગઠનો સાથેની અસમંજસ અને ઘર્ષણ દૂર થાય તેવું શાળા સંચાલક મંડળનું સ્પષ્ટ માનવું છે.
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2017માં ફી નિયમન સમિતિની રચના કરવામાં આવી હતી. એ સમયે એવું જાહેર કરવામાં આવ્યું હતું કે, પ્રાથમિક શાળાઓની ફી 15,000 રૂપિયા, માધ્યમિક શાળાઓની 25,000 અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ફી 27,000 રૂપિયા લેવામાં આવશે. તે સમયે વાલીઓને પણ એમ થયું હતું કે ફીમાં ઘટાડો આવશે, પરંતુ ત્યારબાદ એવું જાહેર થયું કે ઉપરોક્ત સરકારી માળખા મુજબ જે શાળાઓ ફી લે છે તે શાળાઓએ ફી નિયમન સમિતિ સમક્ષ એફિડેવિટ જ્યારે ફી વધારો લેવા માગતી શાળાઓએ દરખાસ્ત કરવાની રહેશે. ત્યારબાદ શાળાઓની ફી 2 લાખ રૂપિયા કે તેનાથી વધુ નિર્ધારિત થવા લાગતા વિદ્યાર્થીઓ અને વાલીઓનો અનેક વખત ગુસ્સો સામે આવી ચૂક્યો છે.