- Gujarat
- અમદાવાદમાં બટેટા અને કેમિકલમાંથી બનતો 'ટોમેટો કેચઅપ'ના નામે વેચાતો 10 હજાર કિલો સોસ જપ્ત
અમદાવાદમાં બટેટા અને કેમિકલમાંથી બનતો 'ટોમેટો કેચઅપ'ના નામે વેચાતો 10 હજાર કિલો સોસ જપ્ત
બજારમાં મળતું ટોમેટો કેચઅપમાં જો ટામેટાંને બદલે બટેટાની પેસ્ટનો ઉપયોગ થતો હોય, તો તમે શું કહેશો? અમદાવાદમાં આવી જ એક ફેક્ટરી પર આરોગ્ય વિભાગે દરોડો પાડ્યો છે. આ ફેક્ટરીમાં ટામેટાંની જગ્યાએ બટેટાની પેસ્ટ, રંગ અને ફ્લેવરનો ઉપયોગ કરીને કેચઅપ બનાવવામાં આવતું હતું. તપાસ ટીમે ત્યાંથી 10,630 કિલો જેટલો જથ્થો જપ્ત કર્યો છે અને ફેક્ટરીને સીલ કરી દીધી છે.
આ કાર્યવાહી અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા મેલડી એસ્ટેટમાં સ્થિત 'આઈ શ્રી ખોડિયાર ગૃહ ઉદ્યોગ'માં કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમને ત્યાંથી ટોમેટો કેચઅપ, ચટણી અને શરબત જેવો સામાન મળી આવ્યો હતો. જેમાં બજારમાં વેચવા માટે તૈયાર થયેલ લગભગ 5000 કિલો તૈયાર માલ અને 5000 કિલોથી વધુ કાચો માલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, ગોતા રેલવે સ્ટેશન નજીક આવેલા મેલડી એસ્ટેટમાં ‘આઈ શ્રી ખોડિયાર ગૃહ ઉદ્યોગ’ નામના એકમમાં સોસ બનાવવામાં આવતો હોવાની માહિતી ફૂડ વિભાગને મળી હતી. તેના આધારે અધિકારીઓએ સ્થળ પર તપાસ કરતાં ટામેટાં સોસના નામે વેચાતો પદાર્થ અને તેને તૈયાર કરવા માટે વપરાતી સામગ્રી મળી આવી હતી. અધિકારીઓના જણાવ્યાનુસાર, એકમમાં ટામેટાંને બદલે પપૈયાના પલ્પ, બટેટા, ખાંડ અને જોખમી કલરનો ઉપયોગ કરીને સોસ જેવો પદાર્થ તૈયાર કરવામાં આવતો હતો. ફૂડ વિભાગે અંદાજે પાંચ ટન જથ્થો જપ્ત કરીને એકમને સીલ કર્યો છે. હવે સંબંધિત એકમ સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસર મહેન્દ્ર પટેલના જણાવ્યા અનુસાર, આ ફેક્ટરીમાં ટામેટાંના વિકલ્પ તરીકે બટેટાનો ઉપયોગ કરવામાં આવતો હતો. બટેટામાંથી પેસ્ટ બનાવવામાં આવતી હતી અને ત્યારબાદ તેનો પાઉંડર તૈયાર કરવામાં આવતો હતો. આ પાઉંડરમાં પાણી મિક્ષ કરીને તેમજ વિવિધ રંગો અને ફ્લેવર નાખવામાં આવતા હતા. ત્યારબાદ, આ તૈયાર સામાનને ટોમેટો કેચઅપના નામે બજારમાં વેચવામાં આવતું હતું.
દરોડા દરમિયાન, અધિકારીઓને 5 કિલોના ડબ્બાઓમાં ભરેલું કેચઅપ મળી આવ્યું હતું. આ ઉપરાંત, દાબેલી અને વડાપાઉંની દુકાનો માચે એક રૂપિયાના નાના પેકેટ પણ તૈયાર કરવામાં આવી રહ્યા હતા. તેમને દુકાનો પર સપ્લાઇ કરવાના હતા એટલે કે, ડબ્બા અને પેકેટોને ટોમેટો કેચઅપ ગણાવીને વેચવામાં આવી રહ્યા હતા, તેમાં ટામેટાંનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નહોતો. આરોગ્ય વિભાગે ઘટનાસ્થળ પરથી પાંચ સેમ્પલ લીધા છે, જેથી તેમાં ઉપયોગ થયેલી સામગ્રી અને તેને બનાવવાની પ્રક્રિયાની તપાસ કરી શકાય.
આરોગ્ય વિભાગે ફેક્ટરીને સીલ કરી દીધી છે અને તેનું લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. ત્યાંથી મળી આવેલો જથ્થો બજારમાં ન જાય તે માટે તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સેમ્પલોનો તપાસ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદમાં આ પ્રકારની આ બીજી કાર્યવાહી છે. બે દિવસ અગાઉ, આરોગ્ય વિભાગે બહેરામપુરા વિસ્તારમાં એક ફેક્ટરી પર દરોડો પાડીને આશરે 2000 કિલોગ્રામ ટમેટા કેચઅપ જપ્ત કર્યું હતું. ગોતા વિસ્તારમાં થયેલી આ તાજેતરની કાર્યવાહી બાદ, કેચઅપ બનાવવા માટે અપનાવવામાં આવતી પદ્ધતિઓ અંગે ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે.

