- Gujarat
- રાજનીતિમાં પરિવર્તન-જનતા આંદોલન કરતી નથી તેથી રાજકીય પાર્ટીઓને જલસા છે
રાજનીતિમાં પરિવર્તન-જનતા આંદોલન કરતી નથી તેથી રાજકીય પાર્ટીઓને જલસા છે

લોકશાહીમાં પરિવર્તન આવી રહ્યું છે. કોઇપણ ચૂંટણી આવે, હવે મોંઘવારી અને બેકારી ચૂંટણી મુદ્દા રહ્યા નથી. આજે રાજ્ય અને દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ બેકાબૂ બની રહ્યાં છે. દૂધ, શાકભાજી, ખાદ્યતેલ અને જીવન આવશ્યક ચીજવસ્તુઓ મોંઘી થઇ રહી છે છતાં શાસક પક્ષ કે વિપક્ષના પેટનું પાણી પણ હાલતું નથી.
ચૂંટણીમાં જનતાને રૂપાળા ચહેરા દેખાય છે પરંતુ વકરેલી મોંઘવારી નજર સામે આવતી નથી. રાજનીતિ એટલે રાજકીય કાદવ ઉછાળ પ્રવૃત્તિ અને જ્ઞાતિવાદને પ્રોત્સાહન. લોકોની યાતનાને વાચા આપવાનું વિપક્ષ પણ વિસરી ચૂક્યું છે. આયારામ ગયારામની નીતિના કારણે એક રાજકીય નેતા આજે કોંગ્રેસમાં હોય છે અને કાલે ભાજપનો પાલવ પકડે છે.
સત્તા અને સંપત્તિ વચ્ચે રાજનીતિનુ વિભાજન થયું છે. લોકોની આર્થિક સમસ્યા સાથે પાર્ટી કે સરકારને કોઇ લેવાદેવા નથી. કોરોના સંક્રમણના સમયમાં મધ્યમવર્ગીય લાખો પરિવારો ગરીબીની રેખા હેઠળ આવી ચૂક્યાં છે. દેશમાં સંપત્તિવાન અને ગરીબ એમ બે વર્ગ દેખાઇ રહ્યાં છે. મધ્યમવર્ગનો એકડો નિકળી રહ્યો છે. ભૂખમરો અને ખેડૂતોના પ્રશ્નો પણ સમાપ્ત થઇ ચૂક્યાં છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકીય પાર્ટીઓ પાસે મોંઘવારી અને બેકારી નહીં પણ જ્ઞાતિવાદી અને શક્તિશાળી ઉમેદવારોનો જમાનો આવ્યો છે. જે પાર્ટીમાં શક્તિશાળી ઉમેદવાર હશે તેને લોભ, લાલચ અને ડરથી પોતાના કરી લેવાની હોડ મચી છે. એક સમય હતો જ્યારે કોંગ્રેસના શાસન વખતે ગુજરાતમાં સિંગતેલના ભાવમાં એક રૂપિયાનો વધારો થતો હતો ત્યારે ભાજપના નેતાઓ તેલિયા રાજા અને સરકારની સાંઠગાંઠના આરોપ મૂકીને ગુજરાત બંધનું એલાન આપતા હતા.
ભાજપ વિપક્ષમાં હતો ત્યારે સિંગતેલમાં ભાવવધારાના મુદ્દે ખાડીયાના માર્ગ પર જાહેરમાં પાણીમાં પૂરી તળાતી હતી. આજે મગફળી અને કપાસના વિક્રમ વાવેતર છતાં ખાદ્યતેલના ભાવ આસમાને પહોંચી ગયા છે છતાં શાસક કે વિપક્ષને આ મુદ્દો લાગતો નથી.
વાહનમાં એક લીટર પેટ્રોલ પુરાવો કે ડીઝલ એક સરખું છે. ખાદ્યતેલમાં સિંગતેલ ખાવ કે કપાસિયા, એક જ ભાવે મળે છે. પ્રાઇવેટ નોકરીઓમાં લોકોના પગાર વધતા નથી પરંતુ મોંઘવારી વધે છે. પેટ્રોલિયમ પેદાશોમાં ભાવવધારાના કારણે ઘરના બજેટ છિન્નભિન્ન થયાં છે. નવી નોકરીએ લાગેલા એક યુવાનને મળતા 15000 રૂપિયાના પગારમાંથી તે ઘરખર્ચ માટે માત્ર 5000 રૂપિયા બચાવી શકે છે, બાકીની રકમ ઇંધણ અને વિવિધ પ્રકારના ટેક્સમાં જતી રહે છે. કોરોના પછી લોકોના આરોગ્ય બીલ મોટા બન્યાં છે પરંતુ તેમના પગાર સ્થિર રહ્યાં છે.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) આવ્યો ત્યારે કહેવામાં આવ્યું કે એક દેશમાં એક જ ટેક્સની આ ફોર્મ્યુલા છે, પરંતુ લોકો 25 જાતના ટેક્સ ભરી રહ્યાં છે. 2014માં જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે બેન્ક ટ્રાન્ઝેક્શન ટેક્સની મોટા ઉપાડે વાતો થઇ હતી અને કહેવાતું હતું કે નવી સરકાર ઇન્કમટેક્સ નાબૂદ કરશે પરંતુ તેવું થયું નથી. ચૂંટણી સમયે આપવામાં આવેલા વચનો વિસરાઇ ચૂક્યાં છે.
જનતા આંદોલન કરતી નથી તેથી રાજકીય પાર્ટીઓને જલસા છે. લોક આંદોલનનો જુવાળ એ ભૂતકાળ બની ચૂક્યો છે. ઘરની પાસે કચરો છે તો તે ઉપાડીને બીજાના ઘર પાસે કેમ નાંખવો તેવી યુક્તિ અજમાવાઇ રહી છે. મોંઘવારી અને બેકારીમાં ખરેખર દેશની જનતાના ધૈર્યની કસોટી થઇ રહી છે. દેશમાં કોંગ્રેસનું શાસન હોય કે ભાજપનું શાસન હોય—મોંઘવારીના મુદ્દે બન્ને પાર્ટીઓ ચૂપ રહી છે.
રાજનીતિમાં એક નવો મુદ્દો ઉમેરાયો છે અને તે રાષ્ટ્ર અને રાજ્યનો વિકાસ છે. રાજકીય નેતાઓ આ મુદ્દાને વિકાસશીલ રાજનીતિ તરીકે મૂલવે છે. વધતી જતી મોંઘવારીને આસાનીથી વિકાસની રાજનીતિ કહેવામાં આવી રહી છે. માર્ગો સુધરી રહ્યાં છે. સરકારી કચેરીઓ કોર્પોરેટ કલ્ચર ધારણ કરી રહી છે. ખોટ કરતી સરકારી અસ્ક્યામતોનું ખાનગીકરણ થઇ રહ્યું છે. જો કે જનતા પણ કહી રહી છે કે સરકાર ટેક્સ લઇને લોકોને સુખાકારી આપી રહી છે.
Related Posts
Top News
₹88 લાખ ફી સાથે H-1B વીઝા અંગે મોટા સમાચાર, USએ કહ્યું - ભારતથી ઉતાવળમાં પાછા ફરવાની જરૂર નથી
નવરાત્રિ માટે ખોડલધામ સમિતિનો ક્રાંતિકારી નિર્ણય, 28 જગ્યાએ ગરબા થશે
PM મોદી જયા ગયા તે અમદાવાદના નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ વિશે જાણો
Opinion
