- Gujarat
- ગુજરાતમાં ભાડૂઆતો અને મકાનમાલિકો માટે નવો યુગ, ૩ મહિનાથી વધુ ડિપોઝિટ નહીં લેવાય, 2 મહિના ભાડું ન ચૂક...
ગુજરાતમાં ભાડૂઆતો અને મકાનમાલિકો માટે નવો યુગ, ૩ મહિનાથી વધુ ડિપોઝિટ નહીં લેવાય, 2 મહિના ભાડું ન ચૂકવાય તો...
ગુજરાત વિધાનસભામાં ‘ગુજરાત ભાડા વિધેયક-2026’ કોઈપણ વિરોધ વગર સર્વાનુમતે પસાર થઈ ગયું છે. શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં આ વિધેયક રજૂ કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધી અમલી 1947ના જૂના 'મુંબઈ ભાડા અને નિવાસ ગૃહદર નિયંત્રણ અધિનિયમ'ની જગ્યાએ હવે સમયાનુકૂળ અને નવો આધુનિક કાયદો લાવવામાં આવ્યો છે. આ કાયદાથી રાજ્યમાં ભાડાની મિલકતો સંબંધિત તમામ વ્યવહારોમાં પારદર્શિતા આવશે.
હવે લિખિત ભાડા કરાર વિના મિલકત ભાડે નહીં આપી શકાય
નવા કાયદાની મુખ્ય જોગવાઈ અનુસાર, રહેણાંક કે કોમર્શિયલ તમામ પ્રકારની મિલકતો માટે લિખિત ભાડા કરાર કરવો ફરજિયાત બનશે. કરાર કર્યા બાદ તેની વિગતો રેન્ટ ઓથોરિટીને આપવાની રહેશે.
સિક્યોરિટી ડિપોઝિટ અને ડિપોઝિટ પરત કરવાના નિયમો
ડિપોઝિટની મર્યાદા: ભાડૂઆતોના હિતમાં મોટા નિર્ણય લેતાં સિક્યોરિટી ડિપોઝિટની મહત્તમ મર્યાદા 3 મહિનાના ભાડા જેટલી જ નક્કી કરવામાં આવી છે.
ડિપોઝિટ રિફંડ: મિલકત ખાલી કરતી વખતે તમામ હિસાબ-કિતાબ પૂર્ણ થયા બાદ 1 મહિનાની અંદર મકાનમાલિકે ભાડૂઆતને ડિપોઝિટ પરત કરવાની રહેશે.
તરત મકાન ખાલી નહીં કરાવાયઃ સતત 2 મહિના સુધી ભાડું ન ચૂકવાય તો મકાન ખાલી કરાવવા કાર્યવાહી કરી શકાશે
વિવાદોના ઉકેલ માટે 3 સ્તરીય ત્રિ-સ્તરીય વ્યવસ્થા
મકાનમાલિક અને ભાડૂઆત વચ્ચેના વિવાદોના ઝડપી અને સમયબદ્ધ ઉકેલ માટે કાયદા હેઠળ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે:
1. રેન્ટ ઓથોરિટી
2. રેન્ટ કોર્ટ
3. રેન્ટ ટ્રિબ્યુનલ
મકાનમાલિકો મનમાની કરીને મૂળભૂત સુવિધાઓ બંધ કરી શકશે નહીં
મકાનમાલિક હવે ભાડૂઆતની વીજળી, પાણી કે ગેસ કનેક્શન જેવી જીવનજરૂરી સેવાઓ પોતાની મરજીથી બંધ કરી શકશે નહીં. જો કોઈ મકાનમાલિક આવું કરશે, તો રેન્ટ ઓથોરિટી તુરંત આ સેવાઓ પુનઃ શરૂ કરાવવાનો આદેશ આપી શકશે.
ભાડું ન ચૂકવનાર ભાડૂઆત સામે મકાનમાલિકોને રાહત
નવા કાયદામાં ભાડૂઆત સાથે મકાનમાલિકના હિતોનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. જો ભાડૂઆત સતત ભાડું ન ચૂકવે, મિલકતને નુકસાન પહોંચાડે અથવા માલિકની મંજૂરી વગર મિલકત અન્ય કોઈને પેટા-ભાડે આપે, તો મકાનમાલિક રેન્ટ કોર્ટ મારફતે મિલકત ખાલી કરાવવાની કાનૂની કાર્યવાહી કરી શકશે.
કુદરતી આપત્તિ વખતે ભાડૂઆતોને રક્ષણ
પૂર કે ભૂકંપ જેવી કુદરતી આપત્તિને કારણે જો મિલકતમાં રહેવું શક્ય ન રહે, તો ભાડૂઆતને ભાડું ચૂકવવામાંથી મુક્તિ અથવા કરાર લંબાવવાની વ્યાજબી તક આપવાની જોગવાઈ છે. આ સાથે જ પ્રોપર્ટી મેનેજરની ભૂમિકાને પણ કાયદાકીય માન્યતા આપવામાં આવી છે.

ડિજિટલ પ્લેટફોર્મ અને યુનિક ID સિસ્ટમ
રેન્ટ ઓથોરિટી આગામી 3 મહિનામાં એક ખાસ ગુજરાતી ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરશે. દરેક ભાડા કરારને એક 'યુનિક આઈડેન્ટિફિકેશન નંબર' (Unique ID) ફાળવવામાં આવશે અને તેને પોર્ટલ પર અપલોડ કરાશે. આ ઓનલાઈન કરાર ભવિષ્યમાં ભાડૂઆત અને મકાનમાલિક બંને માટે સત્તાવાર કાનૂની પુરાવો બનશે.
આ મિલકતોને નવા કાયદામાંથી મુક્તિ
- સરકારી પરિસરો અને મિલકતો
- કંપનીઓ દ્વારા કર્મચારીઓને આપેલા સર્વિસ ક્વાર્ટર્સ
- ધાર્મિક અને સખાવતી સંસ્થાઓની મિલકતો
- વક્ફ બોર્ડ અને પબ્લિક ટ્રસ્ટ હેઠળની મિલકતો
મકાનમાલિક અને ભાડૂઆત વચ્ચે સંતુલનનો દાવો
શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ ઉમેર્યું હતું કે, આ કાયદો માત્ર એક કાનૂની દસ્તાવેજ નથી પરંતુ રાજ્યના આર્થિક અને સામાજિક માળખાને મજબૂત બનાવતો મહત્વનો સુધારો છે. વિધાનસભામાં વિધેયક સર્વાનુમતે પસાર થતાં હવે રાજ્યમાં ભાડાની મિલકતોના કારોબારમાં વધુ પારદર્શિતા અને સરળતા આવશે.

