- Gujarat
- તમે આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ તો નથી ખાઈ રહ્યા ને? બંને વચ્ચેનો તફાવત સમજાવવા સરકારે શરૂ કર્યું...
તમે આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ તો નથી ખાઈ રહ્યા ને? બંને વચ્ચેનો તફાવત સમજાવવા સરકારે શરૂ કર્યું ‘ઓપરેશન હેલ્થ’
રાજ્યમાં આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટને લઇને ઓપરેશન હેલ્થ શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ અને ખોરાક-ઔષધ નિયમન તંત્રનું રાજ્યવ્યાપી અભિયાન કરવામાં આવશે. આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો લોકોને તફાવત સમજાવવા માટે પ્રયાસ કરાશે. આઈસ્ક્રીમ મિલ્ક ફેટમાંથી, જ્યારે ફ્રોઝન ડેઝર્ટ વેજીટેબલ ફેટમાંથી તૈયાર થાય છે. ગ્રાહકોને ખરીદી પહેલાં પેકેટનું લેબલ વાંચવા તંત્ર દ્વાર અપીલ કરવામાં આવી છે. ઉત્પાદનનું નામ, ઘટકો અને પોષકતત્વોની માહિતી ચકાસવા પણ તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, ગુજરાતમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને ગ્રાહકોમાં જાગૃતિ લાવવા માટે આરોગ્ય વિભાગે રાજ્યવ્યાપી ‘ઓપરેશન હેલ્થ’ અભિયાનની આજથી શરૂઆથ કરવામાં આવી છે. આ અભિયાન હેઠળ હવે રાજ્યભરમાં વેચાતા આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત લોકોને સમજાવવામાં આવશે. ખાસ કરીને ગ્રાહકો જે ઉત્પાદન ખરીદી રહ્યા છે તે ખરેખર આઈસ્ક્રીમ છે કે ફ્રોઝન ડેઝર્ટ તે અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ છે.
આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં મળેલી આરોગ્ય વિભાગ અને ખોરાક તથા ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રનાં કમિશનર રતનકંવર ગઢવી ચારણ સહિત આરોગ્ય વિભાગ અને ખોરાક તથા ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ જણાવ્યું હતું કે, આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ દેખાવ, ઠંડક અને સ્વાદમાં લગભગ સરખાં હોવાથી મોટાભાગના ગ્રાહકો બંનેને આઈસ્ક્રીમ સમજીને ખરીદે છે. જોકે, બંનેની બનાવટમાં મહત્ત્વનો તફાવત છે.
આરોગ્યમંત્રીએ લોકોને અપીલ કરી છે કે, આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ખરીદતા પહેલા પેકેટ પરનું લેબલ અવશ્ય વાંચો. તેમાં ઉત્પાદનનું નામ, વપરાયેલા ઘટકો અને પોષકતત્ત્વોની વિગતો તપાસવી જોઈએ. માત્ર પેકેટના દેખાવ કે જાહેરાતના આધારે ઉત્પાદનની પસંદગી ન કરવી જોઈએ. આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટનું છૂટક વેચાણ કરતા વેપારીઓને પણ ગ્રાહકોને ઉત્પાદનની સાચી માહિતી આપવા અપીલ કરી છે. વેપારીઓએ યોગ્ય ડિસ્પ્લે બોર્ડ અથવા માર્કિંગ કરવું જોઈએ, જેથી ગ્રાહકોને તેઓ કયું ઉત્પાદન ખરીદી રહ્યા છે તેની સ્પષ્ટ જાણકારી મળી રહે.
મંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં મીડિયાના સહયોગથી એનાલોગ પનીર, ચીઝ અને બટર અંગે લોકોમાં જાગૃતિ આવી છે. તેવી જ રીતે આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેના તફાવત અંગે પણ વ્યાપક જનજાગૃતિ લાવવાની જરૂર છે. શિક્ષિત વર્ગ અને સોશિયલ મીડિયા યુઝર્સને આ અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરી છે, જેથી આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે.
પ્રફૂલ પાનશેરીયાએ સોશિયમ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા જણાવ્યું કે તફાવત અંગે ગ્રાહકોમાં રાજ્યવ્યાપી જનજાગૃતિ અર્થે ‘ઓપરેશન હેલ્થ’નો પ્રારંભ... ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ અને ખોરાક તથા ઔષધ નિયમન તંત્ર દ્વારા ‘ઓપરેશન હેલ્થ’ અભિયાન અંતર્ગત બજારમાં ઉપલબ્ધ ‘આઈસ્ક્રીમ’ અને ‘ફ્રોઝન ડેઝર્ટ’ વચ્ચેના તફાવત અંગે નાગરિકોને માહિતગાર કરવામાં આવશે, જેથી દરેક ગ્રાહક જાગૃત બનીને યોગ્ય પસંદગી કરી શકે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આઈસ્ક્રીમ મિલ્ક ફેટમાંથી જ્યારે ફ્રોઝન ડેઝર્ટ વેજિટેબલ ફેટમાંથી બનાવવામાં આવે છે. બંને કાયદેસર ખાદ્ય ઉત્પાદનો છે, પરંતુ તેમની બનાવટ અલગ છે. તેથી કોઈપણ ખાદ્યપદાર્થ ખરીદતા પહેલાં તેનું લેબલ, ઘટકો અને પોષકતત્ત્વોની માહિતી અવશ્ય વાંચો. રાજ્યના નાગરિકો, શિક્ષિત વર્ગ અને સોશિયલ મીડિયા યુઝર્સને અપીલ છે કે આ અભિયાનની માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડીને જનજાગૃતિના આ કાર્યમાં સહભાગી બને.
ઉલ્લેખનીય છે કે, છૂટક વેચાણમાં આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટની સ્પષ્ટ ઓળખ આપવી જરૂરી રહેશે. શિક્ષિત વર્ગ, સોશિયલ મીડિયા યુઝર્સને જનજાગૃતિ અભિયાનમાં જોડાવવા માટે અપીલ કરવામાં આવી છે. ઘણા વેપારીઓ ફ્રોઝન ડેઝર્ટની સસ્તા ભાવે ખરીદી કરે છે અને તેને આઈસ્ક્રીમના નામે ગ્રાહકોને ઊંચા ભાવે તેનું વેચાણ કરે છે. તંત્ર દ્વારા આવા લેભાગુ તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બંને ઉત્પાદનો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006 હેઠળ નિર્ધારિત ધોરણોને આધીન છે. જોકે, મોટાભાગના ગ્રાહકો આ તફાવતથી અજાણ હોવાથી ફ્રોઝન ડેઝર્ટને પણ આઈસ્ક્રીમ સમજીને આરોગતા હોય છે.
ફ્રોઝન ડેઝર્ટ હોવાનો અર્થ એ નથી કે ઉત્પાદન ભેળસેળયુક્ત કે અસુરક્ષિત છે. જો ઉત્પાદન લાગૂ પડતા ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તાના ધોરણોનું પાલન કરતું હોય તો તે કાયદેસર રીતે વેચી શકાય છે. બંને ઉત્પાદનોનું પોષક મૂલ્ય અને ગુણવત્તા તેમાં વપરાયેલા ઘટકો તથા ઉત્પાદન પ્રક્રિયા પર આધારિત હોય છે.
જેમ પનીર અને એનાલોગ પનીરમાં તફાવત કરવો ગ્રાહકો માટે મુશ્કેલ હોય છે તે જ રીતે ફ્રોઝન આઈસ્ક્રીમ પણ એવી જ વસ્તુ છે, જેને સરળતાથી ગ્રાહકો ઓળખી શકતા નથી. ત્યારે હવે લોકોમાં આ અંગે જાગૃતિ લાવવા રાજ્ય સરકાર દ્વારા ઓપરેશન હેલ્થ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં લોકોને આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત સમજાવાશે. એટલું જ નહીં વેપારીઓએ પણ છૂટક વેચાણમાં આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટની સ્પષ્ટ ઓળખ આપવી પડશે.

