- Gujarat
- રાજપીપળામાં મંદિરના મકાનમાંથી 40થી વધુ વાઘના ચામડા અને 100થી વધારે નખ મળ્યા, ગુજરાતની પ્રથમ ઘટના
રાજપીપળામાં મંદિરના મકાનમાંથી 40થી વધુ વાઘના ચામડા અને 100થી વધારે નખ મળ્યા, ગુજરાતની પ્રથમ ઘટના
થોડા સમય અગાઉ ગુજરાતમાં 30 વર્ષ બાદ વાઘ દેખાયો હતો ત્યારે હવે નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર નજીક આવેલ સુપ્રસિદ્ધ ધર્મેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી પ્રાણીઓના નખ અને ચામડા મળી આવતા વન વિભાગ પણ ચોંકી ગયો છે અને વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં કદાચ આ પહેલી ઘટના છે, જ્યારે આટલી મોટી માત્રામાં વાઘના અવશેષો મળી આવ્યા હોય છે.
રાજપીપળાના હનુમાન ધર્મેશ્વર મંદિર ખાતે મંદિરનું જૂનું મકાન જર્જરિત હોવાથી તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન તીવ્ર દુર્ગંધ આવતા ટ્રસ્ટીઓએ વન વિભાગને જાણ કરી હતી. રાજપીપળા રેન્જ ફોરેસ્ટ ઓફિસર જીગ્નેશ સોની અને તેમની ટીમ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી અને એક રૂમમાંથી વાઘના ચામડા અને નખ ભરેલી આખી પેટી બહાર કાઢવામાં આવી હતી.
વન વિભાગની ટીમને લુપ્ત થતા વાઘના 37 આખા ચામડા, 4 ચામડાના ટુકડા અને 133 જેટલા વાઘના નખ મળી આવ્યા છે. આ ચામડાને સમાચાર પાત્રમાં વિટાળીને રાખવામા આવ્યા હતા, જે વર્ષ 1992 અને 1993ના પેપરો હતા.
વન વિભાગની પ્રાથમિક તપાસ મુજબ, આ ચામડા અને નખ આશરે 35 વર્ષથી વધુ સમયથી આ જગ્યા પર હોવાનું અનુમાન છે. જોકે, આ વસ્તુઓ અસલી છે કે નકલી તેની ખાતરી કરવા માટે વન વિભાગે નમુનાઓ FSLમાં મોકલી આપ્યા છે. મંદિરમાં રહેતા મહારાજ, જેઓ મૂળ મધ્ય પ્રદેશના હોવાનું કહેવાય છે, તેમનું 7 જુલાઈ, 2025ના રોજ નિધન થઇ ગયું હતું. જ્યાં મહારાજ રહેતા હતા તે રૂમમાંથી જ આ તમામ વાઘના નખ અને ચામડા મળી આવ્યા છે.
મંદિરના ટ્રસ્ટી પ્રકાશ વ્યાસે જણાવ્યું કે આ મહારાજ મધ્ય પ્રદેશના હતા. બહારથી અન્ય સાધુઓની અવર-જવર પણ રહેતી હતી. કેટલાક સાધુઓ રાત્રિ રોકાણ પણ કરતા હતા. હવે જે મળ્યું છે તે મંદિર પરિસરમાં અને મહારાજના રૂમમાં કોણ લાવ્યું જે તપાસનો વિષય છે.
RFO જીગ્નેશ સોનીએ જણાવ્યું હતું કે, ‘અમને તપાસ દરમિયાન 37 જેટલા આખા ચામડા અને બીજા ટુકડા મળી 40થી વધુ ચામડા તથા 133 જેટલા નખ મળી આવ્યા છે.આ તમામ વસ્તુઓ ધ્યાનમાં રાખી અમે વન્ય પ્રાણી અધિનિયમ 172 હેઠળ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી સરકારને જાણ કરી છે. વન્ય પ્રાણીના આ ચામડા અને નખ મહારાજની જ રૂમમાંથી મળી આવ્યા છે. જો FSLની તપાસમાં આ ચામડું વાઘનું હશે એવું નીકળશે તો આ મહારાજ સાથે કોણ-કોણ જોડાયેલું હતું એ દિશામાં તપાસ કરી જવાબદારો સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે. વનવિભાગે મંદિરના મૃત્યુ પામેલા મહારાજ સાથે કોણ-કોણ સંપર્કમાં હતા તેની તપાસ ચાલુ કરી છે.’
વન વિભાગ હવે એ દિશામાં તપાસ કરી રહ્યો છે કે સ્વર્ગીય મહારાજ કોના-કોના સંપર્કમાં હતા? આટલો મોટો જથ્થો અહીં ક્યાંથી અને કોના દ્વારા લાવવામાં આવ્યો હતો? શું આ આંતરરાજ્ય તસ્કરીનું કોઈ મોટું નેટવર્ક છે? વન વિભાગે આ મામલે ફોરેસ્ટ અધિનિયમ (તસ્કરી) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હવે તપાસ બાદ જ કોઇ મોટો ખુલાસો થઇ શકે છે.

