- Gujarat
- ગુજરાત સ્થાપના દિવસે સુરતીઓને જોવા મળશે દિલ્હીના રાજપથ જેવો નજારો, પોલીસ જવાનો કરશે દિલધડક બાઈક સ્ટં...
ગુજરાત સ્થાપના દિવસે સુરતીઓને જોવા મળશે દિલ્હીના રાજપથ જેવો નજારો, પોલીસ જવાનો કરશે દિલધડક બાઈક સ્ટંટ
સુરત શહેરના આંગણે આગામી 1લી મે, 'ગુજરાત ગૌરવ દિવસ'ની રાજ્ય કક્ષાની ઉજવણી માટેની તડામાર તૈયારીઓ થઇ રહી છે, ત્યારે આ ગૌરવશાળી અવસરને યાદગાર બનાવવા તા.1લીએ સાંજે 5.00 વાગ્યે સુરતના Y જંકશન ખાતે એક ભવ્ય પરેડ યોજાશે. જેમાં પોલીસના વિવિધ વિભાગોની શિસ્તબદ્ધ પ્લાટુનો, ટેબ્લો, બાઈક સ્ટંટ સાથે સાંસ્કૃતિક કૃતિઓ જોવા મળશે. Y જંકશનથી લાલભાઈ સ્ટેડીયમ સુધીની આ સમગ્ર પરેડનું નેતૃત્વ પરેડ કમાન્ડર તરીકે એ.એસ.પી જસદણ-રાજકોટ (ગ્રામ્ય)ના નવીન ચક્રવતી રેપુડી સંભાળશે, જ્યારે સેકન્ડ પરેડ કમાન્ડર તરીકે પ્રો. DySP(મહીસાગર) નિલકંઠ બવાડિયા અને DySP(પશ્ચિમ કચ્છ-ભુજ) અંકિત પટેલ સેવા આપશે.
આ પરેડમાં રાજ્યના સુરક્ષા દળો અને અન્ય વિભાગોની વિવિધ શ્રેણીઓ જોવા મળશે. જેમાં ચેતક કમાન્ડો પ્લાટુન, એસ.આર.પી. જુથ-18 નર્મદા અને જુથ-14 કલગામની પ્લાટુન સામેલ થશે. આ ઉપરાંત સુરત શહેર, નવસારી, તાપી અને ડાંગ જિલ્લાની પોલીસ પુરુષ પ્લાટુન તેમજ ગુજરાત મરીન કમાન્ડોની ટુકડીઓ આકર્ષણનું કેન્દ્ર બનશે. મહિલા શક્તિનું પ્રતિનિધિત્વ કરતા સુરત શહેર, સુરત ગ્રામ્ય, વલસાડ અને ભરૂચ જિલ્લાની સાથે ગુજરાત જેલ વિભાગની મહિલા પ્લાટુન પણ પરેડમાં કદમતાલ મિલાવશે.
પરેડના અન્ય આકર્ષણોમાં સુરત શહેર હોમગાર્ડઝ, એન.સી.સી., એસ.પી.સી. અને વન વિભાગ, એસ.એ.એફ. જુથ-11 વાવની પ્લાટુન પણ ભાગ લેશે. આ કાર્યક્રમમાં શિસ્તની સાથે મનોરંજન અને સાહસના દ્રશ્યો પણ નિહાળવા મળશે, જેમાં ચેતક કમાન્ડો અને SDRF જૂથ 9(બરોડા)નો ટેબલો, બ્રાંસ બેન્ડ, પાઇપ બેન્ડ અમદાવાદ, અશ્વદળ અને યુવાનોમાં રોમાંચ જગાવતા આકર્ષક બાઇક સ્ટંટ પ્રદર્શિત થશે.

