સિંહની ઘટના બાદ ગિરનારમાં નિયમ બદલાયા, ચઢનારા લોકોએ ID પ્રૂફ સાથે રાખવું પડશે, IN-OUT રજિસ્ટ્રેશન સિસ્ટમ લાગૂ અને...

થોડા દિવસ અગાઉ ગીરનાર પર્વત ઉપર 50 પગથિયા પરથી 12 વર્ષીય છોકરાને સિંહ ઉપાડી ગયો હતો. જંગલમાંથી બાળકના હાડકાં મળ્યા હતા. નજર સમક્ષ જ વ્હાલસોયાને સિંહ લઈ જતા પરિવારજનોએ ચીસાચીસ કરી હતી. જે બાદ શોધખોળ કરતા જંગલમાંથી બાળકના બૂટ, કપડાં અને શરીરના થોડા અવશેષો હાથ લાગ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે ગીરનારના મુખ્ય પગથિયાની આસપાસનો વિસ્તાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ આજથી ગીરનાર પર જવું હોય તો રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. ગીરનાર  ચઢતા દરેક લોકોએ તેમની સાથે કોઈપણ એક ID પ્રૂફ રાખવું પડશે.

જૂનાગઢ ગિરનાર પર્વત પર યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા આજથી(18 જુલાઈ) જ અવરજવર માટે 'IN/OUT' ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તંત્ર દ્વારા દાવો કરાયો હતો કે યાત્રાળુઓ સ્થળ પર પણ QR કોડ સ્કેન કરી સરળતાથી રજીસ્ટ્રેશન કરી શકશે.

ગુજરાતના સર્વોચ્ચ શિખર અને લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન ગિરનાર પર આવતા પ્રવાસીઓની સુરક્ષા અને વન્યજીવોના સંરક્ષણને ધ્યાનમાં રાખીને વન વિભાગ તેમજ સ્થાનિક પ્રશાસન દ્વારા એક નવી ડિજિટલ રજીસ્ટ્રેશન સિસ્ટમ લાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત આજથી ગિરનાર ચઢતા તમામ યાત્રીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવું અથવા ક્યુઆર કોડ સ્કેન કરવો ફરજિયાત બનાવવાનો આદેશ હતો. જોકે, વહીવટી તંત્રની ગંભીર બેદરકારીને કારણે આ સમગ્ર પ્રોજેક્ટનો પહેલા જ દિવસે મોટો ફિયાસ્કો થઈ ગયો છે.

આજ સવારથી જ ગિરનારના પગથિયાં ચઢવા માટે ઉત્સુક હજારો પ્રવાસીઓ જ્યારે તળેટીમાં પહોંચ્યા, ત્યારે તેમને ખબર પડી કે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા તો હજુ શરૂ જ થઈ નથી! ઓનલાઈન પોર્ટલ અથવા તો બંધ છે અથવા લિંક કામ કરતી નથી. સૌથી આશ્ચર્યની વાત એ છે કે, ડિજિટલ ટ્રેકિંગ માટે જે મુખ્ય પ્રવેશદ્વાર અને નિકાસદ્વાર પર 'ઇન અને આઉટ QR કોડ' લગાવવાના હતા, તેવા કોઈ બોર્ડ કે સ્ટીકર જ તંત્ર દ્વારા લગાવવામાં આવ્યા નથી. સાઇન બોર્ડના અભાવે પ્રવાસીઓએ ક્યાં જવું અને કોને પૂછવું તેની ભારે ગૂંચવણ ઊભી થઈ છે.

પૂર્વ આયોજન અને મોક ડ્રિલ (ટ્રાયલ) કર્યા વિના જ માત્ર મોટી જાહેરાતો કરી દેવાતા પ્રવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તળેટીમાં પૂછપરછ બારીઓ પર ભક્તોની લાંબી લાઈનો જોવા મળી રહી છે, જ્યાં તંત્રના કર્મચારીઓ પાસે પણ કોઈ સંતોષકારક જવાબ નથી. ટૂરિસ્ટ ગાઈડ અને સ્થાનિક વેપારીઓ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે, અત્યારે સામાન્ય દિવસોમાં જો આવી હાલાકી છે, તો આગામી દિવાળીના તહેવારો અને વેકેશનના દિવસોમાં જ્યારે લાખોની સંખ્યામાં માનવમહેરામણ ગિરનારની પરિક્રમા અને દર્શન માટે ઉમટશે, ત્યારે આ ગૂંચવણયુક્ત સિસ્ટમ મોટી આફત નોતરી શકે છે. પ્રવાસીઓએ માંગ કરી છે કે તંત્ર કાં તો આ સિસ્ટમ સત્વરે સુધારે અથવા તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને તેને હાલ પૂરતી મોકૂફ રાખે.

girnar1
divyabhaskar.co.in

દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ,  ગિરનાર પર્વત પર દર્શનાર્થે આવતા હજારો યાત્રાળુઓની સુરક્ષાને સર્વોપરી ગણીને વહીવટી તંત્ર દ્વારા એક અત્યંત મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. યાત્રાળુઓની સુવ્યવસ્થિત અવરજવર સુનિશ્ચિત કરવા, તેમની ચોક્કસ સમયસર માહિતી મેળવવા અને કોઈપણ પ્રકારની આપત્તિ કે કટોકટીના સમયે ઝડપી અને અસરકારક પ્રતિસાદ આપી શકાય તે હેતુથી પ્રાયોગિક ધોરણે 'IN/OUT' ઓનલાઈન રજીસ્ટ્રેશન સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. આ નવીન સિસ્ટમનો અમલ આજથી શરૂ કરવામાં આવ્યો છે. દરેક યાત્રાળુએ પોતાની સાથે કોઈપણ એક અધિકૃત ઓળખ કાર્ડ ફરજિયાતપણે સાથે રાખવાનું રહેશે.

​જે યાત્રિકો પાસે સ્માર્ટફોન ઉપલબ્ધ નહીં હોય અથવા જેમને ઓનલાઈન પ્રક્રિયામાં મુશ્કેલી પડતી હોય, તેમની ચિંતા કરવાનું કોઈ કારણ નથી. તેમની સુવિધા માટે સ્થળ પર જ વહીવટી તંત્ર અને વન વિભાગનો સ્ટાફ ફરજરત રહેશે. આ સ્ટાફની મદદથી આવા યાત્રિકોનું ઓફલાઈન રજીસ્ટ્રેશન સ્થળ પર જ વિનામૂલ્યે અને સરળતાથી કરી આપવામાં આવશે.

આ નવી રજીસ્ટ્રેશન વ્યવસ્થા ગિરનાર પર્વત પર જનારા તમામ યાત્રાળુઓ માટે લાગૂ પડશે, પછી ભલે તેઓ નવી સીડી, જૂની સીડી કે રોપવે મારફતે યાત્રા કરતા હોય. જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની સુરક્ષા માટે જ શરૂ કરવામાં આવેલી આ વ્યવસ્થામાં સંપૂર્ણ સહકાર આપે. યાત્રાળુઓની સરળતા ખાતર રજીસ્ટ્રેશનની પ્રક્રિયાને ખૂબ જ સહેલી બનાવવામાં આવી છે.

આ ઓનલાઈન પોર્ટલ અને સિસ્ટમનું નિર્માણ જિલ્લા NIC ટીમના ડીઆઈઓ ભુવનેશ્વર બુડગયા, હિતેશ ટાંક અને શાયર રાઠોડ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર, વન વિભાગ અને પોલીસ તંત્રના સંયુક્ત પરામર્શથી કરવામાં આવ્યું છે. વહીવટી તંત્ર યાત્રાળુઓની સુરક્ષા અને વન્યજીવોના સંરક્ષણ બંને માટે કટિબદ્ધ છે અને તેથી જ દરેક યાત્રાળુએ પોતાની સાથે કોઈપણ એક અધિકૃત ઓળખ કાર્ડ (આઈડી પ્રૂફ) ફરજિયાતપણે સાથે રાખવાનું રહેશે.

ગિરનાર પર્વત પર આરોહણ શરૂ કરતા પહેલા તમામ યાત્રિકોએ નવી સીડી પાસે અથવા એન્ટ્રી પોઈન્ટ પર મૂકવામાં આવેલી સ્ટેન્ડી પરનો QR કોડ પોતાના મોબાઈલમાં સ્કેન કરવાનો રહેશે. જે યાત્રિકો સીધા વેબસાઈટ પર જવા માંગતા હોય તેઓ https://Register.bhavnathtemple.com લિંક ઓપન કરી શકશે.

આ વેબસાઈટ કે ક્યુઆર કોડ મારફતે પોર્ટલ પર પોતાની જરૂરી વિગતો ભરીને યાત્રા શરૂ કરતી વખતે ઓનલાઈન નોંધણી કરી 'IN' (એન્ટ્રી) નોંધાવવાની રહેશે. ત્યારબાદ, જ્યારે યાત્રિક પોતાની યાત્રા અને દર્શન પૂર્ણ કરીને હેમખેમ નીચે પરત ફરે ત્યારે તેમણે ફરજિયાતપણે ફરીથી આ જ પોર્ટલ પર 'OUT' (એક્ઝિટ) એન્ટ્રી કરાવવાની રહેશે. આનાથી તંત્રને પર્વત પર હાલમાં કેટલા યાત્રિકો છે તેની ચોક્કસ સંખ્યા મળતી રહેશે. પરંતુ અત્યારે ગ્રાઉન્ડ પર કોઈ વ્યવસ્થા જ ઉપલબ્ધ ન હોવાના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પ્રશાસન દ્વારા જે પ્રકારની જાહેરાત કરાઈ હતી તેનાથી વિપરીત સ્થળ પર ઇન અને આઉટ માટેના QR કોડ હજુ સુધી લગાવવામાં જ આવ્યા નથી, જેના લીધે પ્રક્રિયા વધુ ગૂંચવણભરી બની ગઈ છે. વર્તમાન સમયમાં જ જો આવી સ્થિતિ હોય, તો આગામી વેકેશન અને દિવાળીના તહેવારો દરમિયાન જ્યારે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડશે, ત્યારે રજીસ્ટ્રેશનની આ અસ્પષ્ટ પ્રક્રિયાના કારણે પર્વત પર અરાજકતા અને મોટી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે.

girnar3
divyabhaskar.co.in

પ્રવાસી સૂરજે જણાવ્યું હતું હતું કે ઉપર જતી વખતે તેમનું કોઈ સ્કેનિંગ કે ઓફલાઇન રજીસ્ટ્રેશન થયું ન હતું, વન વિભાગ દ્વારા હાલ આ પ્રક્રિયા બંધ રાખવામાં આવી છે અને માત્ર સામાનની સામાન્ય તપાસ જ કરાય છે. તેમણે પર્વત પર પ્રવાસીઓની સુરક્ષા તાકીદે વધારવા પર ભાર મૂકતા ઉમેર્યું હતું કે, જ્યારે તેઓ રાત્રે 12 વાગ્યે પર્વત પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વાતાવરણ એકદમ ભયભીત હતું. સિંહોના હુમલાના ડરને કારણે યાત્રાળુઓ ભારે ફફડાટ સાથે ડરી-ડરીને ચાલી રહ્યા હતા. ગિરનાર જેવા સંવેદનશીલ વિસ્તારમાં પ્રવાસીઓ સુરક્ષિત અને ભયમુક્ત રહી શકે તે માટે વન વિભાગના કર્મચારીઓ પર્વત પર ચોવીસ કલાક હાજર રહે તે અત્યંત અનિવાર્ય છે.

પુણેથી ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસી પ્રણિશ કદમે જણાવ્યું હતું કે, તેઓ પર્વત પર ચડવા આવ્યા ત્યારે એન્ટ્રી પોઇન્ટ પર પ્રવાસીઓની નોંધણી માટેની કોઈ વ્યવસ્થા કાર્યરત ન હતી. તેમના મતે, વન વિભાગ અને સ્થાનિક પ્રશાસન દ્વારા ગેટ પાસ અથવા ફરજિયાત રજીસ્ટ્રેશનની સિસ્ટમ લાગુ કરવી જ જોઈએ, જેથી ચોક્કસ આંકડો મળી શકે કે કેટલા પ્રવાસીઓ ઉપર ગયા, કેટલા પરત ફર્યા અને કેટલો સમય રોકાયા. તેઓ જ્યારે પર્વત પર ગયા ત્યારે રસ્તામાં વન વિભાગના કોઈ કર્મચારી કે પોલીસ પણ તહેનાત જોવા મળ્યા ન હતા, જે સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ગંભીર બાબત છે.

ઉલ્લેખનીય છે કે, ગિરનાર પર્વત પર સિંહના હુમલામાં બાળકનું મૃત્યુ થયા બાદ વન વિભાગ અને જિલ્લા પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ગિરનાર અને દાતાર પર્વત પર પ્રવાસીઓની વધતી સંખ્યા, ઇલેક્ટ્રોનિક સાધનો અને મ્યૂઝિક સિસ્ટમના ઉપયોગને કારણે વન્યજીવોની શાંતિ ખોરવાતી હતી, જેનાથી માનવ-વન્યજીવ સંઘર્ષની સંભાવના વધી ગઈ છે. આગામી સમયમાં વિશ્વ જૈન સંગઠન, રૈવતક સમિતિ, શ્રી ગુરુ દત્તાત્રેય ભક્ત મંડળ અને શ્રી ગોરક્ષનાથજી સેવા સંઘ જેવા સંગઠનો દ્વારા ગિરનાર ખાતે પાદૂકા પૂજન, પગથિયા પૂજન અને નિર્વાણ લાડુ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. શ્રદ્ધાળુઓ અને વન્યપ્રાણીઓની સુરક્ષાને ધ્યાને રાખીને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા તત્કાલિક અસરથી 14 સપ્ટેમ્બર સુધી આ વિસ્તારને 'સાયલન્સ ઝોન' જાહેર કરતું ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આવતીકાલે લાડુ નિર્વાણ દિનને લઈ પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આગામી 19 અને 20 જુલાઈ દરમિયાન ગિરનાર પર નિર્વાણલાડુ મહોત્સવની ઉજવણીને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભવનાથ વિસ્તારથી લઈને દત્તાત્રેય ટૂંક સુધી 3 દિવસ માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા ઊભી કરાઈ છે.

​આ સુરક્ષા વ્યવસ્થામાં DySP હિતેશ ધાંધલ્યા અને રવિરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ 445 પોલીસ કર્મીઓ તહેનાત રહેશે, જેમાં 20 PI, 35 PSI, LCB અને SOGની મળીને 4 ટીમો, તેમજ 1 SRP કંપનીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગિરનાર પર્વત પર પહેલીવાર SDRFની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.

વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા જાળવવા માટે 8 નાયબ મામલતદારોની પણ નિમણૂક કરવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા પર નજર રાખવા માટે 150 CCTV કેમેરા ગોઠવવામાં આવ્યા છે. આ સાથે પ્રવાસીઓની ઈમરજન્સી સ્વાસ્થ્ય સેવાઓ માટે અંબાજી, ગૌમુખી અને કમંડલ કુંડ ખાતે 3 મેડિકલ ટીમો પણ તૈનાત રાખવામાં આવી છે.

girnar4
facebook.com

તાજેતરમાં જૂનાગઢના ગિરનારના પગથિયા પર બાળક પર સિંહના હુમલાની બનેલી દુર્ઘટના બાદ સરકારે યાત્રાળુઓની સુરક્ષા માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે, જે અંતર્ગત ગિરનારમાં 25 ટ્રેકર્સની ભરતી કરવામાં આવશે અને મુસાફરોની સલામતી માટે એક ખાસ SOP તૈયાર કરાશે. આ સાથે જ વન્યજીવોની શાંતિ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગિરનારના દાતાર વિસ્તારને કાયમી ધોરણે સાયલેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. 13 જુલાઈના વન મંત્રી અર્જુન મોઢવાડીયાએ વન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી. ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં ચેક પોસ્ટ ઉભી કરીને યાત્રાળુઓની અવરજવર પર નજર રાખવામાં આવશે.

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસી પરિવારના 12 વર્ષના બાળક પર સિંહે અચાનક હુમલો કર્યો હતો. પરિવારજનોએ જઈને તપાસ કરતા જંગલમાંથી બાળકના અવશેષો મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે સિંહના માણસ પર હુમલાની 46 દિવસમાં આ નવમી ઘટના છે. જેમાં 8ના મોત અને એક વ્યક્તિ ગંભીર ઈજાગ્રસ્ત થયો છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતા ગિરનાર પર્વત પર પ્રવાસીઓની સુરક્ષા અને સુવિધાઓ તદ્દન શૂન્ય જોવા મળી રહી છે.

ગિરનાર જવા માટે કેવી રીતે રજીસ્ટ્રેશન કરાવવું:

સ્ટેપ 1: QR કોડ સ્કેન કરો અથવા વેબસાઈટ ઓપન કરો https://Register.bhavnathtemple.com

સ્ટેપ 2: તમારી જરૂરી વિગતો (જેમ કે નામ, મોબાઈલ નંબર વગેરે) ભરો.

સ્ટેપ 3: એક અધિકૃત ઓળખ કાર્ડ (ID Proof) સાથે રાખો અને તેની વિગત પોર્ટલમાં સબમિટ કરો.

સ્ટેપ 4: યાત્રા શરૂ કરતી વખતે પોર્ટલ પર 'IN' ઓપ્શન સિલેક્ટ કરીને તમારી ઓનલાઈન એન્ટ્રી કન્ફર્મ કરો.

સ્ટેપ 5: યાત્રા પૂર્ણ થયા બાદ 'OUT' કરો ફરીથી પોર્ટલ ઓપન કરી ‘OUT' ઓપ્શન પર ક્લિક કરો.

About The Author

Related Posts

Top News

ભારતની પહેલી ડેન્ગ્યુ રસીને મળી ગઈ મંજૂરી; જાણો 'Qdenga'નો આ ડોઝ કેવી રીતે કામ કરશે, કોણ લઈ શકશે?

દર વર્ષે, વરસાદની ઋતુ શરૂ થતાંની સાથે જ, મચ્છરોની વસ્તી વધી જાય છે. આ સમય દરમિયાન દેશભરમાં ડેન્ગ્યુના...
Lifestyle 
ભારતની પહેલી ડેન્ગ્યુ રસીને મળી ગઈ મંજૂરી; જાણો 'Qdenga'નો આ ડોઝ કેવી રીતે કામ કરશે, કોણ લઈ શકશે?

ટ્રેનમાંથી સોનાનું મંગળસૂત્ર અને રોકડની ચોરી, કોર્ટે કહ્યું- મુસાફરને રૂપિયા ચૂકવો

પંજાબનું એક દંપતિ 14 ડિસેમ્બર 2021ના દિવસે ડિબ્રુગઢથી નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યું હતું તેમણે થર્ડ એસી કોચમા...
National 
ટ્રેનમાંથી સોનાનું મંગળસૂત્ર અને રોકડની ચોરી, કોર્ટે કહ્યું- મુસાફરને રૂપિયા ચૂકવો

જંતર-મંતર પર હજારો લોકો ઉમટ્યા, પોલીસનો લાઠીચાર્જ, સરકાર વાત કરવા તૈયાર

દેશમાં NEET પેપર લીક અને વધતી જતી બેરોજગારી સામે કોકરોચ જનતા પાર્ટી (CJP)નો વિરોધ વધુ તીવ્ર બન્યો છે....
National 
જંતર-મંતર પર હજારો લોકો ઉમટ્યા, પોલીસનો લાઠીચાર્જ, સરકાર વાત કરવા તૈયાર

જયપુરની હવેલીના ખોદકામમાં સોનાના સિક્કા ભરેલા 15 કળશ અને 8 હજારથી વધુ ચાંદીના સિક્કા મળ્યા, કોન્ટ્રાક્ટરે અંદરોઅંદર વેચી લીધા

આ સમાચાર રાજસ્થાનના જયપુરથી આવ્યા છે. ત્રિપોલિયા બજારના વિદ્યાધરનો માર્ગ વિસ્તારમાં એક પૂર્વજોની હવેલીમાં કરોડો રૂપિયાનો ખજાનો મળી આવ્યાના દાવાથી...
National 
જયપુરની હવેલીના ખોદકામમાં સોનાના સિક્કા ભરેલા 15 કળશ અને 8 હજારથી વધુ ચાંદીના સિક્કા મળ્યા, કોન્ટ્રાક્ટરે અંદરોઅંદર વેચી લીધા
Copyright (c) Khabarchhe All Rights Reserved.