- Gujarat
- ખંડણી કેસમાં સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ અને કીર્તિ પટેલની સાથી નયના બારૈયાની સાસણગીરથી ધરપકડ
ખંડણી કેસમાં સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ અને કીર્તિ પટેલની સાથી નયના બારૈયાની સાસણગીરથી ધરપકડ
પુણા પોલીસને મોટી સફળતા મળી છે. સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ અને કીર્તિ પટેલની સાથી તરીકે ઓળખાતી નયના બારૈયાની ધરપકડ કરવામાં આવી છે. ખંડણી અને IT Act હેઠળ નોંધાયેલા ગુનામાં નયના બારૈયા લાંબા સમયથી ફરાર હતી. ટેક્નિકલ સર્વેલન્સના આધારે પોલીસે તેનું લોકેશન ટ્રેસ કરી સાસણગીરમાંથી ઝડપી પાડી છે.
પુણા પોલીસ સ્ટેશનમાં 33 વર્ષિય નયના બારૈયા સામે ગંભીર ગુનો નોંધાયો હતો. ગુનો નોંધાયા બાદ તે પોલીસની પકડથી દૂર હતી. આ મહિલા આરોપીને ઝડપી પાડવા માટે પોલીસની સર્વેલન્સ ટીમ દ્વારા સતત ટેકનિકલ વર્કઆઉટ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન પોલીસને નયનાનું લોકેશન સાસણગીર વિસ્તારમાં હોવાની માહિતી મળી હતી. ટેક્નિકલ ઇનપુટના આધારે પુણા પોલીસની ટીમે સાસણગીરમાં ઓપરેશન હાથ ધર્યું હતું. સર્વેલન્સ ટીમે ચોક્કસ લોકેશન ટ્રેસ કર્યા બાદ મહિલા આરોપી નયના બારૈયાને ઝડપી પાડી હતી. ધરપકડ બાદ પોલીસે તેને સુરત લાવી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ કેસમાં કીર્તિ પટેલ અગાઉથી જેલની હવા ખાઇ રહી છે, જ્યારે નયના બારૈયા પોલીસ પકડથી દૂર હતી. સુરત સેશન્સ કોર્ટે આગોતરા જામીન ફગાવ્યા બાદ પુણા પોલીસે તેને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, નયનાના લિવ-ઇન પાર્ટનરે જુલાઈમાં પુણા પોલીસ સ્ટેશનમાં 3.12 કરોડ પડાવી લેવાની અને કીર્તિ પટેલ સાથે મળીને વધુ પૈસા પડાવવાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે હવે નયના પણ પોલીસ પકડમાં આવી ગઈ છે. આ અંગે DCP આલોક કુમારે જણાવ્યું હતું કે, નયનાએ ધરપકડથી બચવા મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હતો અને ઉદયપુર, ચિત્તોડગઢ તેમજ ખાટુશ્યામ જેવા વિવિધ સ્થળોએ આશરો લઈ રહી હતી. આ દરમિયાન ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદાર માર્ફતે પોલીસને માહિતી મળી હતી કે તે ગુજરાત પરત ફરી છે અને સાસણગીરના એક રિસોર્ટમાં રોકાઈ છે. લોકેશન કન્ફર્મ થતા જ રાતોરાત ટીમ મોકલીને ઝડપી પાડી હતી.
ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી, 2026માં નયના બારૈયા સામે રાજૂ ભમ્મરની પત્નીએ ભાવનગરના દાઠા પોલીસ સ્ટેશનમાં નયના સામે પ્રેમ પ્રકરણ સંબંધિત વિવાદમાં ગાળો આપવી, જાતિ અંગે અપમાનજનક શબ્દો અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ આ વિવાદમાં કીર્તિ પટેલની એન્ટ્રી થઈ હતી.
5 જૂને કીર્તિ પટેલે નયનાના સમર્થનમાં આવી રાજુ ભમ્મરને ફોનમાં ગાળાગાળી કરી ધમકી આપી હતી કે 'હું તને જોઈ લઈશ.' આ ઉપરાંત ફરિયાદીની સરપંચ પત્ની પર તેના જ સગા ભાઈ સાથે અનૈતિક સંબંધ હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. ત્યારબાદ કીર્તિ પટેલે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ ID કીર્તિની મોજ J5143' પરથી વીડિયો અને રીલ્સ બનાવી રાજૂભાઈએ 250 છોકરીઓની જિંદગી બગાડી હોવાના આરોપો લગાવ્યા હતા.
નયના બારૈયાએ પણ પોતાના ID 'નયના પાલીવાલ 0005' પર આ બદનક્ષીકારક વીડિયો સ્ટોરી અને સ્ટેટસમાં શેર કરી ગુનાહિત કૃત્યમાં પૂરો સાથ આપ્યો હતો. પુણા પોલીસે બંને આરોપીઓ સામે BNSની ધારા 296(b), ખંડણી, માનહાનિ, ગુનાહિત ધમકી, ગુનાહિત ષડયંત્ર તેમજ આઈટી એક્ટની કલમ 67 હેઠળ ગુનો નોંધી બાદમાં ખંડણીની કલમ ઉમેરી હતી.
જૂનમાં કીર્તિએ રાજૂ ભમ્મરને ગાળો ભાંડ્યા બાદ 12 જુલાઈએ સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં પૂર્વ પ્રેમિકા નયના અને કીર્તિ સામે ફરિયાદ કરી હતી. 12 જુલાઈના રોજ નોંધાયેલી ફરિયાદ મુજબ, ભાવનગરના સરપંચ પતિ રાજુભાઈ ભમ્મરે જણાવ્યું હતું કે તેઓ અગાઉ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતી નયના બારૈયા સાથે આશરે 21 મહિના સુધી લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા હતા. સંબંધોમાં તિરાડ પડ્યા બાદ નયનાએ કીર્તિ પટેલ સાથે મળીને રાજુભાઈ પાસેથી નાણાં પડાવવાનું કાવતરું રચ્યું હતું. પત્નીનો વીડિયો વાયરલ ન કરવા બાબતે ધાકધમકી આપી તેમજ રેપ કેસના સેટલમેન્ટના નામે ₹12 લાખ સહિત દોઢ વર્ષના ગાળામાં રાજુભાઈ પાસેથી અલગ-અલગ સમયે કુલ ₹3 કરોડ 12 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. ગત 5 જૂનના રોજ કીર્તિ પટેલે રાજુભાઈને ફોન કરી ગાળાગાળી કરી ધમકી આપી હતી કે 'હું તને જોઈ લઈશ.' આ ઉપરાંત ફરિયાદીની સરપંચ પત્ની પર તેના જ સગા ભાઈ સાથે અનૈતિક સંબંધ હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.
12 જુલાઈએ કીર્તિ સામે ફરિયાદ નોંધાયા બાદ પુણા પોલીસે 30 જુલાઇએ જૂનાગઢમાંથી કીર્તિ પટેલની ધરપકડ કરી હતી અને તેને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી આપી હતી. સોશિયલ મીડિયા પર ફેક વીડિયો અને અભદ્ર મેસેજ વાયરલ કરવાની પ્રવૃત્તિઓને પગલે કાયદાકીય પ્રક્રિયા હેઠળ તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ ડીએક્ટિવેટ કરી દેવામાં આવ્યું છે. હાલ રિમાન્ડ હેઠળ રહેલી નયના બારૈયાની પૂછપરછમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.
14 નવેમ્બર, 2025ના રોજ એટ્રોસિટી કેસમાં ફરાર એક આરોપી પાર્થ દિનેશ ધાંધલ્યાને ભાવનગર પોલીસે શોધવા પોલીસે આખું ગામ ફેંદી નાખ્યું હતું. જો કે પછી બાતમી મળતા SC-ST સેલ તત્કાલીન મહિલા કોન્સ્ટેબલ નયનાના ઘરે પહોંચી હતી. આ સમયે ઘરમાંથી ઇંગ્લિશ દારૂની એક બોટલ, ખાલી બિયરના ટીન અને પોલીસ ચોપડે વોન્ટેડ આરોપી પાર્થ દિનેશ ધાંધલ્યા પણ મળ્યો હતો. આમ નયના નાનજીભાઈ બારૈયાએ જ તેને ઘરમાં આશરો આપ્યો હોવાનો ખુલાસો થયો હતો. આ સાથે જ નયના ચર્ચામાં આવી ગઈ હતી. ત્યારબાદ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી.
ત્યારબાદ ફેબ્રુઆરી, 2026માં નયના બારૈયા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ હતી. જેમાં જૂના પ્રેમ પ્રકરણ સંબંધિત વિવાદમાં ગાળો આપવી, જાતિ અંગે અપમાનજનક શબ્દો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપ્યાના આરોપ સાથે તળાજા તાલુકાના બોરડા ગામની વતની અને નયનાના પ્રેમીની પત્નીએ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ મુજબ, નયના બારૈયાએ પ્રેમીની પત્નીને કહ્યું હતું કે, 'રાજૂ મારો નહીં તો તારો પણ નહીં તથા મારા ઉપર 302 થાય તો પણ ફરક નથી પડતો'.
ઉલ્લેખનીય છે કે મૂળ ભાવનગરના સિહોર પંથકની રહેવાસી 33 વર્ષીય નયના બારૈયા સામે અગાઉ પણ અનેક ગુના નોંધાયેલા છે. ભાવનગરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં મારામારી, પ્રોહિબિશન અને એટ્રોસિટી સહિત કુલ 6 ગુનાઓ નોંધાયેલા છે.

