- Gujarat
- એક એવો ચોર જે ટાટા હેરિયર પર જ હાથ સાફ કરતો, 8 કાર લઇને થયો હતો રફુચક્કર, કારણ છે...
એક એવો ચોર જે ટાટા હેરિયર પર જ હાથ સાફ કરતો, 8 કાર લઇને થયો હતો રફુચક્કર, કારણ છે...
તમે ચોરીની ઘણી ઘટનાઓ બાબતે સાંભળ્યું હશે. પરંતુ તેમાંથી કેટલીક ચોરીની ઘટનાઓ એવી હોય છે જે આપણને હેરાનીમાં નાખી દે છે. ક્યારેક ચોર ચોરી કરતા-કરતા ઊંઘી જતા હોય છે, તો ક્યારેક ચોરી કરવા અગાઉ મેગી જેવી વસ્તુઓ બનાવીને ખાઈ જતા હોય છે. કેટલીક ઘટનાઓ બાબતે જાણીને તો ક્યારેક એવું લાગે કે ચોરીની પણ એક અલગ પેશન હોય છે. અમે આમ કહી રહ્યા નથી, પરંતુ આ 8 પાસ ચાલાક ચોરની કહાની જાણીને તમે પણ એમ જ કહેશો.
છેલ્લાં દોઢ વર્ષમાં વડોદરા, હાલોલ અને સુરતમાંથી 8 ટાટા હેરિયર કારની ચોરી કરતા રીઢા ગુનેગાર રતનસિંહ મીણાની વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. તેણે ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ અને હરિયાણા સહિતના રાજ્યોમાં 70થી વધુ ચોરીના ગુનાને અંજામ આપ્યો છે, જોકે આરોપી રતનસિંહ ટાટા હેરિયર જ વધારે ચોરતો હતો.

રતનસિંહ ઉર્ફે શેરસિંહ મીણા રાજસ્થાનના જયપુરનો રહેવાસી છે અને આઠમા ધોરણ સુધી ભણ્યો છે. તે મોજશોખ માટે મોંઘી કાર ચોરી કરતો અને એક 1-2 લાખ રૂપિયામાં વેંચી દેતો. તેણે વડોદરા, હાલોલ, કાલોલ અને સુરતમાંથી 8 ટાટા હેરિયર કાર ચોરી કરી છે. આ ટાટા હેરિયર કાર ચોરી કરવા પાછળનું મુખ્ય કારણ કારની ડિકી છે. આ કારની ડિકી મોટી આવે છે અને દારૂ સપ્લાય અને ગેરકાયદેસર વસ્તુઓની હેરાફેરીમાં તેનો ઉપયોગ થાય છે. આરોપીએ ગુજરાત સહિત દેશભરમાં 76 જેટલી વિવિધ કાર ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
આરોપી શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતો રહેતો અને હોટલોમાં રોકાતો હતો. આ દરમિયાન કારની રેકી કરતો હતો અને જ્યાં પણ ટાટા હેરિયર કાર દેખાય કે તરત જ તે ચોરી કરવાનો પ્રયાસ કરતો. કાર ચોરી કરવા માટે રતનસિંહ હંમેશાં તેની પાસે માસ્ટર કી, ઇલેટ્રોનિક ડિવાઇસ, ફોર-વ્હીલરની સેન્સરવાળી ચાવી, વાયર કટર, ડિસમિસ રાખતો હતો. ટાટા હેરિયરમાં કોઈ લૂપ નહોતી, છતા તે આ કારને સરળતાથી ચોરી કરી લેતો હતો અને ત્યારબાદ કાર રાજસ્થાનમાં પહોંચાડી દેતો હતો.
રતનસિંહ ચોરી કરેલી કારને રાજસ્થાનમાં તેના સહઆરોપી દિલીપસિંહ ઉર્ફે કુંજ ગુર્જરને આપતો હતો. રતનસિંહ ચોરીની આ કાર માત્ર 2 લાખ રૂપિયામાં કુંજ ગુર્જરને વેચી દેતો હતો. ત્યારબાદ કુંજ પોતાનું કમિશન ઉમેરીને અન્ય લોકોને આ કાર પધરાવી દેતો. રતનસિંહે વર્ષ 2024-25 દરમિયાન કુલ 8 કાર ચોરી કરી હતી, જેમાં 2024માં બાપોદમાંથી 2, કારેલીબાગથી 1 કાર ચોરી હતી. જ્યારે 2025માં ફતેગંજથી 2, હરણી વિસ્તાર, હાલોલ, કાલોલ અને સુરતના ખટોદરા વિસ્તારમાંથી 1-1 કાર ચોરી કરી હતી. રતનસિંહે વર્ષ 2024માં વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ટાટા હેરિયર કારની ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીને બાતમી મળી હતી કે રતનસિંહ વડોદરામાં વધુ એક કાર ચોરીને અંજામ આપવાનો છે. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા વૉચ ગોઠવીને આરોપીને સકંજામાં લીધો. મુખ્ય આરોપી રતનસિંહ મીણાને વડોદરાથી ઝડપી સહઆરોપી કુંજ ગુર્જરને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ રાજસ્થાન ગઈ હતી. 24 કલાક વોચ અને વેશપલટો કરી આરોપીઓને જયપુરથી ઝડપી પાડ્યો હતો.
આરોપી પાસેથી એક લોખંડની આગળના ભાગથી અણીદાર માસ્ટર કી, ટાટા કંપનીના સિમ્બોલના ફોર-વ્હીલરની સેન્સરવાળી ચાવી, એક ડિસમિસ, ડિસ્પ્લે સાથેનું ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, વાયર કટર, ટાટા હેરિયર કારની RC બુક, SBI ફાસ્ટેગ કાર્ડ, પાન કાર્ડ, આધાર કાર્ડ રોકડ રૂપિયા, મોબાઈલ, કેનેરા બેન્કનું ATM કાર્ડ, મધ્ય પ્રદેશનું ડ્રાઇવિંગ લાઇસન્સ, એક મોપેડ સહિતની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. મુખ્ય આરોપી રતનસિંહ પહેલાથી જ ચોરી અને લૂંટના ગુનામાં સંડોવાયેલો છે.

