- Lifestyle
- નાની નાની વાત પર 'પેરાસીટામોલ' લઈ લેનારા ચેતી જજો, 20 વર્ષીય યુવાનની કહાની સૌ માટે ચેતવણીરૂપ
નાની નાની વાત પર 'પેરાસીટામોલ' લઈ લેનારા ચેતી જજો, 20 વર્ષીય યુવાનની કહાની સૌ માટે ચેતવણીરૂપ
વાયરલ તાવ હોય, શરીરનો દુ:ખાવો હોય, ડેન્ગ્યૂ હોય કે સામાન્ય શરદી-ખાંસી, આ તમામ બીમારીઓની સારવાર માટે પેરાસીટામોલ સૌથી વધુ વપરાતી દવા છે. તે રોજિંદા જીવનનો એવો સામાન્ય હિસ્સો બની ગઈ છે કે મોટાભાગના લોકો તેના વિશે વધુ વિચાર્યા વિના જ તેને લઇ લે છે. ઘરની મેડિકલ કિટથી લઈને સ્થાનિક ફાર્મસી સુધી, આ દવા સરળતાથી ઉપલબ્ધ છે.
ઉદ્યોગના અંદાજો અનુસાર, ભારત ઘરેલૂ અને વૈશ્વિક માંગને પૂર્ણ કરવા માટે વાર્ષિક ધોરણે આશરે 43,000 મેટ્રિક ટન પેરાસીટામોલ 'એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ'નું ઉત્પાદન કરે છે. આના પરથી ખ્યાલ આવે છે કે લોકોમાં આ દવા કેટલી સામાન્ય છે. પરંતુ શું આપણે જે રીતે આ દવાનો ઉપયોગ કરીએ છીએ તે આપણા સ્વાસ્થ્ય માટે સુરક્ષિત છે? જોકે સ્વાસ્થ્ય નિષ્ણાતો સામાન્ય રીતે મોટાભાગના કિસ્સાઓમાં તેનો ઉપયોગ સુરક્ષિત અને હાનિરહિત માને છે, તેમ છતા તેની સાથે સંકળાયેલા જોખમોને અવગણી શકાય નહીં. 20 વર્ષના રાઇલી લુબાસ સાથે બનેલી ઘટના પેરાસીટામોલના ઉપયોગ અને તેની સંભવિત આડઅસરો અંગે બધાને એલર્ટ કરી રહીછે.
શરદી-ખાંસી વા લક્ષણો દેખાતા રાઇલીએ અન્ય ઘણા લોકોની જેમ જ ફાર્મસીમાંથી શરદીની દવા અને પેરાસીટામોલની ગોળીઓ ખરીદી. આ દવાઓને કારણે એવી સ્થિતિ સર્જાઈ કે તેને માત્ર થોડા જ દિવસોમાં ICUમાં દાખલ કરવો પડ્યો. ચાલો પેરાસીટામોલને કારણે એં શું પરેશાની આવી, તેની બાબતે વિગતવાર સમજીએ.
પેરાસીટામોલનો ઉપયોગ વિશ્વભરમાં થાય છે, પરંતુ આ જોખમ પણ જાણો
ભારત અને બ્રિટન સહિત ઘણા દેશોમાં ડૉક્ટરની રસીદ વિના દવાઓમાં પેરાસીટામોલનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. લાખો લોકો દરરોજ તેનું સેવન કરે છે. શરદી-ખાંસી, માથાનો દુ:ખાવો કે શરીરના દુ:ખાવા વખતે સૌથી પહેલા મનમાં પેરાસીટામોલનું નામ આવે છે. જોકે, સામાન્ય અને સરળતાથી મળતી આ દવાનો વધુ પડતો ડોઝ જીવલેણ બની શકે છે.
બ્રિટિશ સ્થાનિક મીડિયાના એક અહેવાલમાં 20 વર્ષના રાઇલી લુબાસના કિસ્સા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેને થોડા દિવસોથી શરદી જેવા લક્ષણો અનુભવાઈ રહ્યા હતા અને તેણે માન્યું હતું કે આ માત્ર બદલાતા હવામાનને કારણે છે.
દવા લેવા માટે રાઇલી સ્થાનિક ફાર્મસીમાં ગયો. તેણે શરદીની દવા અને 500 મિલિગ્રામ (mg) પેરાસીટામોલની ગોળીઓનું એક પેકેટ ખરીદ્યું. પરંતુ, તેને એ વાતની જાણ નહોતી કે તે જે શરદીની દવા લઈ રહ્યો હતો તેમાં પણ 250 મિલિગ્રામ પેરાસીટામોલ છે. એટલે કે, તે એકસાથે બે અલગ-અલગ દવાઓ દ્વારા પેરાસીટામોલ લઇ રહ્યો હતો. થોડા જ દિવસોમાં, આ નાનકડી ભૂલને કારણે તેના શરીરના અનેક અંગોને નુકસાન થવાનું શરૂ થયું. ટૂંકમાં, અજાણતામાં થયેલા પેરાસીટામોલના ઓવરડોઝને કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ, જેના લીધે તેને ICUમાં દાખલ કરવો પડ્યો.
પેરાસીટામોલનો મહત્તમ ડોઝ કેટલો છે?
સ્થાનિક મીડિયાના અહેવાલો સૂચવે છે કે બ્રિટનમાં પેરાસીટામોલનો ઓવરડોઝ એક સામાન્ય સમસ્યા છે. આ સમસ્યા વિશ્વના અન્ય ઘણા દેશોમાં પણ જોવા મળે છે. માત્ર બ્રિટનમાં જ, દર વર્ષે લગભગ 1,00,000 લોકો પેરાસીટામોલના ઓવરડોઝથી થતી પરેશાનીઓને કારણે હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં સારવાર માટે જાય છે.
તબીબી અહેવાલો દર્શાવે છે કે દર ચારમાંથી એક વ્યક્તિ મહત્તમ મર્યાદા કરતા વધુ પેરાસીટામોલ લે છે. આરોગ્ય નિષ્ણાતો જણાવે છે કે સામાન્ય રીતે, 24 કલાકના સમયગાળામાં 500 મિલિગ્રામની 8 ગોળીઓ એટલે કે કુલ 4,000 મિલિગ્રામ પેરાસીટામોલની માત્રા આપી શકા. છે છે. જોકે, આ મહત્તમ મર્યાદા છે. આનાથી વધુ માત્રામાં દવા લેવી ગંભીર અને ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે છે. બ્રિટનમાં, પેરાસીટામોલના ઓવરડોઝને કારણે દર વર્ષે લગભગ 150 થી 250 લોકોના મૃત્યુ નોંધાય છે.
પેરાસીટામોલનું વધુ પડતું સેવન શરીર પર શું અસર કરે છે?
પેરાસીટામોલનું સેવન જરૂરી માત્રા કરતાં વધી જાય છે, ત્યારે શરીરમાં 'એન-એસીટાઇલ-પી-બેન્ઝોક્વિનોન ઇમાઇન' (NAPQI) નામનો ઝેરી પદાર્થ બનવા લાગે છે.
સામાન્ય માત્રામાં શરીર આ ઝેરી પદાર્થની અસરને બેઅસર કરી શકે છે. પરંતુ, જ્યારે પેરાસીટામોલની વધુ પડતી માત્રા શરીરમાં જાય છે, ત્યારે NAPQIનું સ્તર વધી જાય છે. આનાથી લીવર પર ભારે દબાણ આવે છે. મોટી માત્રામાં, તે લીવરને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે અને ગંભીર કિસ્સાઓમાં લીવર ફેલિયર પણ થઈ શકે છે.
પેરાસીટામોલના ઓવરડોઝના શરૂઆતના લક્ષણો ઘણીવાર ગેરમાર્ગે દોરનારા હોઈ શકે છે. શરૂઆતમાં, આ સ્થિતિ સામાન્ય શરદી-ખાંસી જેવી લાગી શકે છે. વિડંબના એ છે કે, લોકો મુખ્યત્વે આ બીમારીઓ માટે જ પેરાસીટામોલ લેતા હોય છે. આ લક્ષણોની સારવાર માટે વધુ પેરાસીટામોલ લેવાથી સમસ્યા વધુ વણસે છે. ગંભીર કિસ્સાઓમાં, લીવર કામ કરવાનું સંપૂર્ણપણે બંધ કરી શકે છે.
રાઈલીએ જણાવ્યું હતું કે તેને ખ્યાલ જ નહોતો કે તે પેરાસીટામોલનું વધુ પડતું સેવન કરી રહ્યો હતો. ગયા માર્ચમાં તે દરેક દર ચાર કલાકે દવાની બે ગોળીઓ લેતો હતો. તેણે ચાર કે પાંચ દિવસ સુધી આ ક્રમ ચાલુ રાખ્યો. આ રીતે તેણે દરરોજ લગભગ 9,000 મિલિગ્રામ પેરાસીટામોલ લઇ લીધા. આના કારણે પેટમાં તીવ્ર દુ:ખાવો થયો અને તે કંઈપણ ખોરાક પચાવી શકતો નહaતો. ત્યારબાદની તબીબી તપાસમાં લીવરની કામગીરીમાં ખામી હોવાનું જણાયું હતું.
ડો\ક્ટરોના જણાવ્યા અનુસાર, આ ગંભીર તબક્કે પહોંચતા દર્દીઓમાંથી 80 ટકા સુધીના દર્દીઓ બચી શકતા નથી. જો કે, સમયસરની તબીબી સારવારને કારણે રાઈલીનો જીવ બચી ગયો. હવે, આ ઘટનાના લગભગ દોઢ વર્ષ પછી રાઈલી ફરીથી સામાન્ય જીવન જીવી રહ્યો છે.

