- Lifestyle
- જ્યાં નારીઓનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓ નિવાસ કરે છે
જ્યાં નારીઓનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓ નિવાસ કરે છે
16.jpg)
(ઉત્કર્ષ પટેલ)
यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः।
ફક્ત એક શ્લોક નથી, પરંતુ સંસારના સંચાલનનું મૂળભૂત સત્ય છે. નારી એ શક્તિ છે જે સૃષ્ટિનું સર્જન કરે છે, સંસ્કૃતિનું સંવર્ધન કરે છે અને સમાજનું સંવર્ધન પણ કરે છે. નારી શક્તિની મહત્તા સમજવા માટે આપણે આપણી આસપાસ જોવું જોઈએ... એક માતા પોતાના બાળકને જન્મ આપીને જીવનનો પાયો નાખે છે, એક પત્ની પોતાના પરિવારને સ્નેહ અને સમર્પણથી જોડી રાખે છે અને એક દીકરી પોતાની હિંમત અને બુદ્ધિમત્તાથી સમાજને નવી દિશા આપે છે. નારી વિના સંસારની કલ્પના અધૂરી છે કારણ કે તે જીવનનું પ્રાણધન છે.
નારી શક્તિની સૌથી મોટી વિશેષતા એ છે કે તે સૃષ્ટિનું સર્જન કરે છે. એક સ્ત્રી પોતાના ગર્ભમાં નવું જીવન ઉછેરે છે જે ફક્ત શારીરિક પ્રક્રિયા નથી પરંતુ પ્રેમ, ત્યાગ અને સંઘર્ષનું પ્રતિબિંબ છે. ભારતીય સંસ્કૃતિમાં નારીને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. દુર્ગા તરીકે તે શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે, લક્ષ્મી તરીકે સમૃદ્ધિનું, અને સરસ્વતી તરીકે જ્ઞાનનું. આ ત્રણેય ગુણો નારીના વ્યક્તિત્વમાં સમાયેલા છે. જ્યારે આપણે નારીનું સન્માન કરીએ છીએને ત્યારે આપણે આ ગુણોને પણ પૂજીએ છીએ જે આપણા સંસારને સમૃદ્ધ અને સુખી બનાવે છે.
નારી માત્ર સર્જક જ નથી પરંતુ સંસ્કૃતિની રક્ષક પણ છે. ભારતીય સમાજમાં નારીઓએ પોતાના ત્યાગ અને સમર્પણથી પરંપરાઓને જીવંત રાખી છે. એક માતા પોતાના બાળકોને સંસ્કાર આપે છે. તેમને સત્ય, ન્યાય અને પ્રેમની શીખ આપે છે. દાદી/નાનીની વાર્તાઓથી લઈને માતાના ઉપદેશો સુધી નારી એક પેઢીથી બીજી પેઢી સુધી સંસ્કૃતિનું નિર્વાહ કરે છે. જો નારીનું સન્માન ન થાય તો આ સંસ્કૃતિનો પાયો ડગમગી જાય અને સમાજ અરાજકતા તરફ ધસી જાય. આથી જ ઉપરોક્ત શ્લોક નો સારાંશ છે કે નારીનું પૂજન એટલે દેવતાઓનું આગમન. કારણ કે દેવતાઓ ત્યાં જ રહે છે જ્યાં સંસ્કૃતિ અને સંસ્કાર જીવંત હોય.
આજના આધુનિક યુગમાં નારી શક્તિનું સ્વરૂપ વધુ વિસ્તૃત થયું છે. આજે નારીઓ ઘરની ચાર દીવાલોની બહાર નીકળીને વિશ્વને પોતાની ક્ષમતા બતાવી રહી છે. કલ્પના ચાવલા જેવી મહિલાઓએ અવકાશમાં ઉડાન ભરી, ઇન્દિરા ગાંધીએ રાષ્ટ્રનું નેતૃત્વ કર્યું, અને આજે અસંખ્ય નારીઓ ડૉક્ટર, ઇજનેર, ઉદ્યોગપતિ અને સૈનિક તરીકે પોતાનું યોગદાન આપી રહી છે. આ નારીઓ ફક્ત પોતાના માટે જ નહીં, પરંતુ આવનારી પેઢીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે. જ્યાં નારીને સ્વતંત્રતા અને સન્માન મળે છે, ત્યાં સમાજ પ્રગતિના શિખરો સર કરે છે.
નારીનું સન્માન એ સંસારની સુખ-શાંતિનો આધાર છે. જો નારીનું અપમાન થાય તો સમાજમાં અશાંતિ, અસમાનતા અને અન્યાય વધે છે. ઇતિહાસમાંથી આપણે ઘણાં ઉદાહરણો જોઈ શકીએ છીએ જેમકે... માતા દ્રૌપદીનું અપમાન મહાભારતનું કારણ બન્યું, જ્યારે માતા સીતાનું સન્માન રામાયણની પ્રેરણા બન્યું. આજે પણ જ્યાં નારીઓ પર અત્યાચાર થાય છે ત્યાં સમાજનું પતન થાય છે. નારીનું સન્માન એટલે ફક્ત તેની સુરક્ષા જ નહીં પરંતુ તેની ક્ષમતાઓને પ્રોત્સાહન આપવું તેના સપનાઓને સાકાર કરવામાં મદદરૂપ થવું અને તેને સમાનતાનો અધિકાર આપવો.
નારીને પૂજવાનો અર્થ છે તેની શક્તિને ઓળખવી અને તેને સમાજના કેન્દ્રમાં સ્થાન આપવું. આજે આપણે એવા સમાજનું નિર્માણ કરવું જોઈએ જ્યાં નારીને ફક્ત દેવી તરીકે જ નહીં પરંતુ એક સમર્થ વ્યક્તિત્વ તરીકે પણ આવકારવામાં આવે. નારીને શિક્ષણ, સ્વાતંત્ર્ય અને સન્માન આપીએ તો તે સંસારને એવું સ્વર્ગ બનાવી શકે છે જ્યાં દેવતાઓ રમવા આવે. આપણે સૌએ મળીને નારી શક્તિને જાગૃત કરવી જોઈએ, કારણ કે નારીની પ્રગતિ જ સંસારની પ્રગતિ છે.નારી શક્તિ એ સંસારનું હૃદય છે અને તેનું સન્માન કરવું એ આપણી ફરજ છે. જ્યારે આપણે નારીને તેનું યોગ્ય આદરભાવનું સ્થાન આપીએ છીએ ત્યારે આપણે એક એવા સમાજનું નિર્માણ કરીએ છીએ જે સુખી, સમૃદ્ધ અને સંસ્કારી હોય. નારી શક્તિને પ્રણામ કરીએ, તેનું સન્માન કરીએ, અને તેની સાથે મળીને એક ઉજ્જવળ ભવિષ્યનું સર્જન કરીએ કારણ કે નારીનું સન્માન જ સંસારની શોભા છે.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને સમાજસેવક છે. લેખમાં વ્યક્ત કરેલા વિચારો તેમના અંગત વિચારો છે.)