- National
- સરકારી બિલ જોઈને માથું પકડી લેશો, શાળામાં ફક્ત 4 લીટર કલર કરવા 233 કામદારો કામે લગાડાયા
સરકારી બિલ જોઈને માથું પકડી લેશો, શાળામાં ફક્ત 4 લીટર કલર કરવા 233 કામદારો કામે લગાડાયા

મધ્યપ્રદેશના શહડોલ જિલ્લાની બે શાળાઓના મેન્ટેનન્સ બિલના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આના પર ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવી રહ્યા છે. વાયરલ બિલના ફોટાના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે, શાળાની દિવાલો રંગવા માટે જરૂરિયાત કરતાં ઘણા વધુ પૈસા ખર્ચવામાં આવ્યા હતા. આ મામલો સામે આવ્યા પછી અધિકારીઓએ કહ્યું છે કે, તપાસ ચાલી રહી છે, જે પણ તથ્યો સામે આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

મીડિયા સૂત્રોના અહેવાલ અનુસાર, જે બે શાળાઓમાં આ ઘટનાની જાણ થઈ રહી છે તે મધ્યપ્રદેશના બ્યોહારી વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવે છે. પહેલું બિલ સ્કંદિ હાઇ સ્કૂલનું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જે મુજબ, શાળાએ દિવાલ પર ચાર લિટર રંગ લગાવવા માટે 168 કામદારો અને 65 મિસ્ત્રીઓને કામે રાખ્યા હોવાનો આરોપ છે. એટલે કે કુલ 233 લોકોને કામે લગાડ્યા હતા. આ માટે 1.07 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હોવાનો આરોપ છે.

બીજું બિલ નિપનિયા ઉચ્ચતર માધ્યમિક શાળાનું હોવાનું કહેવાય છે. બિલના વાયરલ થયેલા પિક્ચર મુજબ, 20 લિટર રંગ લગાવવા બદલ 2.3 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હોવાનો આરોપ છે. વાયરલ બિલના આધારે, રંગકામ માટે 275 મજૂરો અને 150 કડિયાઓને કામે રાખવાનો પણ આરોપ છે. એટલે કે, આ કામ માટે કુલ 425 લોકોને કામે રાખવામાં આવ્યા હતા.

આ વાયરલ બિલમાં બીજી એક વાત હતી, જે લોકોએ જોઈ. શાળામાં રંગકામ કરતી કંપની સુધાકર કન્સ્ટ્રક્શન છે. આ કંપનીએ મે, 2025માં બિલ બનાવ્યું હતું. જ્યારે શાળાના આચાર્યએ 4 એપ્રિલ, 2025ના રોજ જ તેને મંજૂરી આપી હતી. એટલે કે, બિલ બનાવવામાં આવ્યાના એક મહિના પહેલા આચાર્ય દ્વારા બિલ મંજૂર કરવામાં આવ્યું હતું.
નિયમો અનુસાર, શાળામાં રંગકામ પહેલા અને પછીના ફોટા પાડવા જોઈતા હતા. પછી બિલ આચાર્યની સામે લાવવાનું હતું. પરંતુ મીડિયા સૂત્રોના સમાચાર અનુસાર, આ બિલો કોઈ પણ ફોટા પાડયા વિના મંજૂર કરવામાં આવ્યા હતા. જ્યારે આ બે શાળાઓના બિલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા, ત્યારે ઘણા લોકોએ તેના પર પ્રશ્નો ઉઠાવ્યા.

આવી સ્થિતિમાં, જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) ફૂલ સિંહ મરપાચીએ પણ આ બાબતે પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું, 'સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા બે શાળાઓના બિલોની તપાસ કરવામાં આવી રહી છે.'
DEO ફૂલ સિંહના જણાવ્યા અનુસાર, જે તથ્યો સામે આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.
Related Posts
Top News
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
Opinion
