- National
- અજિત ડોભાલે કેમ કહ્યું- 'આપણે કોઈના મંદિરને નથી તોડ્યા, પણ...', હવે નિર્ણય લેવો ખૂબ જરૂરી છે?
અજિત ડોભાલે કેમ કહ્યું- 'આપણે કોઈના મંદિરને નથી તોડ્યા, પણ...', હવે નિર્ણય લેવો ખૂબ જરૂરી છે?
12 જાન્યુઆરી, મંગળવાર, રાષ્ટ્રીય યુવા દિવસ છે. આ પહેલા, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વિકાસિત ભારત યુવા નેતાઓ સંવાદ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઘણી અગ્રણી હસ્તીઓએ ભાગ લીધો હતો. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે પણ ભાગ લીધો હતો. યુવાનોને સંબોધતા તેમણે પોતાના ઘણા અનુભવો શેર કર્યા.
તેમણે કહ્યું કે મારું કાર્યક્ષેત્ર અલગ છે, અને મારા અનુભવ અને યુવાનોના અનુભવ વચ્ચે ઉંમરનો ખુબ જ મોટો તફાવત છે. તેમણે એમ પણ કહ્યું કે, તમારામાંથી મોટાભાગના લોકો મારાથી 60 વર્ષથી વધુ નાના છે. તેથી, હું અહીં આવું કે નહીં તેની મૂંઝવણમાં હતો. અજિત ડોભાલે કહ્યું કે, મારો જન્મ સ્વતંત્ર ભારતમાં નહીં, પરંતુ સ્વતંત્રતા પહેલાના ભારતમાં થયો હતો. મારી યુવાની ને વીતી ગયાને ઘણો વખત થઇ ગયો છે, અને આજનું વાતાવરણ ઘણું એવું બદલાઈ ગયું છે.
જો કે, આ સમયગાળા દરમિયાન એક વાત સામાન્ય રહી છે, એક નાની એવી વસ્તુ કે જે વ્યક્તિના જીવનની દિશા નક્કી કરે છે, અને તે છે, વ્યક્તિની નિર્ણય લેવાની ક્ષમતા. ડોભાલે કહ્યું કે દરેક વ્યક્તિ દરરોજ કંઇક ને કંઇક નિર્ણયો લેતા હોય છે, પછી ભલે તે નાના હોય કે મોટા. યુવાનોને સંબોધતા તેમણે કહ્યું કે, દરેક વ્યક્તિએ દરેક પગલે નિર્ણયો લેવા પડતા હોય છે. તેમણે વધુમાં કહ્યું કે, ભારતનો વિકાસ થશે, તે ચોક્કસ છે. PM નરેન્દ્ર મોદી આ દેશને એવી જગ્યાએ લઈ ગયા છે કે, ભલે તે ઓટોપાયલટની સ્થિતિમાં રહે તો પણ તે વિકસિત ભારત બની જશે.
યુવાનોને સંબોધતા, અજિત ડોભાલે ઇતિહાસ પર પણ પ્રકાશ પાડ્યો. તેમણે આ કાર્યક્રમમાં કહ્યું કે, આ ભારત આજે તમે જુઓ છો તેટલું સ્વતંત્ર નહોતું. આપણા પૂર્વજોએ બલિદાન આપ્યું, અપમાન સહન કર્યું, અને ઘણાને ફાંસી આપવામાં આવી. ભગતસિંહને ફાંસી આપવામાં આવી, સુભાષચંદ્ર બોઝે પોતાનું આખું જીવન લડ્યા, અને મહાત્મા ગાંધીએ સત્યાગ્રહનો માર્ગ બતાવ્યો.
https://twitter.com/ANI/status/2009860383159529705
તેમણે વધુમાં કહ્યું કે, અસંખ્ય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. આપણા મંદિરોનો નાશ કરવામાં આવ્યો, ગામડાઓ લૂંટાયા, અને આપણી સભ્યતાને કચડી નાખવામાં આવી, જ્યારે આપણે લાચાર, મૂક દર્શક બની રહ્યા. ઇતિહાસ આપણને પડકાર આપે છે. આજના યુવાનોમાં તે આગ છે. બદલો લેવાનો શબ્દ સારો નથી, પણ તે શક્તિશાળી છે. આપણે આપણા મૂલ્યોના આધારે એક મહાન ભારતનું પુનર્નિર્માણ કરીને બદલો લેવો જોઈએ.
પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, આપણી સભ્યતા વિકસિત થઈ હતી. આપણે ક્યારેય કોઈના મંદિરોનો નાશ કર્યો નથી, બીજાને લૂંટ્યા નથી, કે બીજા દેશો પર હુમલો કર્યો નથી. પરંતુ આપણે આપણી સામે આવનારા જોખમોને સમજી શક્યા નથી, તે સમજવામાં નિષ્ફળ ગયા છીએ અને બેદરકાર રહ્યા છીએ, જેના કારણે આપણને પાઠ શીખવવામાં આવ્યો છે. પ્રશ્ન એ છે કે શું આપણે તે પાઠને યાદ રાખીશું? જો આવનારી પેઢીઓ તેને ભૂલી ગઈ, તો તે દેશ માટે દુર્ભાગ્યપૂર્ણ રહેશે.
દિલ્હીમાં આયોજિત ડેવલપ્ડ ઇન્ડિયા યંગ લીડર્સ ડાયલોગમાં, અજિત ડોભાલે કહ્યું કે, અહીં હાજર મોટાભાગના લોકોએ 1 જાન્યુઆરીએ કોઈને કોઈ સંકલ્પ કર્યો હશે, જેમાં પોતાની જાતે નક્કી કર્યું હશે કે, સોશિયલ મીડિયા પર સમય બગાડીશું નહીં, જીમમાં જઈશું, સખત અભ્યાસ કરીશું અને સમય બગાડીશું નહીં. કેટલાક લોકો આ કરે છે, કેટલાક નથી કરતા. સાચા અને દૂરંદેશી નિર્ણયો લેવા ખૂબ જ મહત્વપૂર્ણ છે, અને પહેલું પગલું આગળ વધતા પહેલા, વિચારો કે આગામી બે પગલાં શું હશે.
તેમણે કહ્યું કે સ્વપ્ન જોવા જરૂરી છે, પરંતુ તમારે તે સપનાઓને નિર્ણયોમાં અને આખરે તમારા જીવનની વાસ્તવિકતામાં પરિવર્તિત કરવા જોઈએ. કેટલાક લોકો સફળ થાય છે, કેટલાક તેમના સ્વપ્ન અને નિર્ણય વચ્ચે, અને કેટલાક તેમના સ્વપ્ન અને તેને લાગુ કરવાની વચ્ચે ખોવાઈ જાય છે. તેમણે એમ પણ કહ્યું કે, જ્યારે યોગ્ય નિર્ણયો લેવા ઘણા મહત્વપૂર્ણ છે, ત્યારે તેમને યોગ્ય બનાવવા વધુ મહત્વપૂર્ણ છે. તમારા નિર્ણયો સાચા છે તેની ખાતરી કરવા માટે, તમારે કોઈપણ ધ્યેય પ્રાપ્ત કરવા માટે પોતાને સંપૂર્ણપણે સમર્પિત કરવું જોઈએ.
તેમણે આગળ કહ્યું કે, સપના રાતોરાત પૂરા થતા નથી. પ્રેરણા થોડા સમય માટે રહે છે, પરંતુ શિસ્ત કાયમ રહે છે. જ્યારે તે તમારા જીવનનો એક ભાગ બની જાય છે, ત્યારે તે નિશ્ચિત બની જાય છે. તમારા કામને ટાળશો નહીં; નહીં તો, તે તમારી એક આદત બની જશે. ભલે ગમે તેવી અડચણો આવે, હાર માનો નહીં કે શરણાગતિ સ્વીકારો નહીં.

